તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રીજી લહેર સામે આગોતરી તૈયારી:અમદાવાદની કાકડીયા અને કોઠિયા હોસ્પિટલમાં PSA ઓક્સિજન પ્લાન્ટનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રીની તસવીર - Divya Bhaskar
ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રીની તસવીર
  • કોરોનાની બીજી લહેરમાં ઔધોગિક એકમોના ઓક્સિજન વપરાશ પર કાપ મૂકીને હોસ્પિટલમાં ઓક્સિજન પહોંચાડ્યો : નીતિન પટેલ
  • નાયબ મુખ્યમંત્રી ના હસ્તે કોરોના વોરીયર્સનું સન્માન કરવામાં આવ્યું

કોરોનાની પ્રથમ લહેરની સાપેક્ષે બીજી લહેર અત્યંત જોખમી અને ભયાવહ સાબિત થઇ હતી. પ્રથમ લહેરની સરખામણીમાં બીજી લહેરના પરિણામો અત્યંત જોખમી જોવા મળ્યા હતા, બીજી લહેર પૂર્વે રાજ્યમાં 20 થી 25 ટન જેટલી રહેતી ઓક્સિજનની વપરાશ બીજી લહેરમાં 1250 મેટ્રીક ટન સુધી પહોંચી હતી. આ પરિસ્થિતિઓમાં દર્દીઓના જીવને ગમે તે ભોગે બચાવવા રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ઔધોગિક એકમોના ઓક્સિજન વપરાશ પર કાપ મૂકીને પણ હોસ્પિટલમાં ઓક્સિજન ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતુ. નાયબ મુખ્યમંત્રી એ આ વાત અમદાવાદ પૂર્વ વિસ્તારની કાકડિયા હોસ્પિટલ અને કોઠિયા હોસ્પિટલમાં નવનિર્મિત PSA ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે કહી હતી.

'કોરોનામાં ધાર્મિક-સેવાભાવી સંસ્થાઓએ પણ મદદ કરી'
નાયબ મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, કોરોનાની બીજી લહેર દરમિયાન સરકારની સાથો સાથો ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓએ પણ કદમથી કદમ મિલાવીને કોરોનાનો સામનો કરવામાં મદદ કરી હતી.જેના પરિણામ સ્વરૂપ જ આજે કોરોનાની પરિસ્થિતિ ઉપર નિયંત્રણમાં મેળવવામાં સફળતા મળી છે. રાજ્ય સરકારે પણ સેવાભાવી સંસ્થાઓ દ્વારા જનહિતલક્ષી, પ્રજાકલ્યાણના કામગીરીની નોંધ લઇને આવી સંસ્થાઓને 50 લાખથી 2 કરોડ સુધીની ગ્રાન્ટ સેવાકીય કાર્યો માટે ફાળવવાની જોગવાઇ કરવામાં આવી છે. આ ગ્રાન્ટ સેવાભાવી સંસ્થાઓને સરકાર દ્વારા દર વર્ષે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી હોવાનું નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું.

'સિવિલ મેડિસિટી, સોલા સિવિલમાં રોજના 10 હજાર દર્દીઓ ઓ.પી.ડીમાં આવે છે'
તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારની સોલા સિવિલ, સિવિલ મેડિસિટીની વિવિધ હોસ્પિટલમાં પ્રતિદિન 10 હજાર જેટલા દર્દીઓ ઓ.પી.ડી.ની મુલાકાત લે છે. જ્યાં સમગ્ર સારવાર નિ:શૂલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ સદંર્ભે રાજ્યના વિવિધ સ્થળોએ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા કાર્યરત હોસ્પિટલમાં પણ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

રોજનો 400 મેટ્રિક ટન ઓક્સિજન મળે તે માટેનું આયોજન
રાજ્ય સરકાર દ્વારા કોરોનાની બીજી લહેરની તમામ પરિસ્થિતિઓનું આંકલન કરીને કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટેની સંપૂર્ણ તૈયારી દર્શાવી તમામ આરોગ્યવિષયક સેવાઓ, સુવિધાઓની સજ્જતા પૂર્ણ કરી છે. રાજ્યભરમાં વિવિધ હોસ્પિટલમાં હવામાંથી પણ શુધ્ધ ઓક્સિજન ખેંચી શકાય તે માટેના PSA પ્લાન્ટ પણ સ્થાપવામાં આવી રહ્યા છે. રાજ્યમાં 400 મેટ્રિક ટન જેટલા ઓક્સિજનનો જથ્થો પ્રતિદિન પ્રાપ્ત થઇ શકે તે માટેનું સુદ્રઢ આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

કોરોના વોરિયર્સનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન
નાયબ મુખ્યમંત્રીએ બાપુનગર વિસ્તાર સ્થિત સરદાર પટેલની પ્રતિમાને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. નાયબ મુખ્યમંત્રી દ્વારા કોરોના મહામારી દરમિયાન દિવસ-રાત ખડેપગે કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરનારા તબીબોનું કોરોના વોરીયર્સ તરીકે સન્માન કરવામાં આવ્યું હતુ.