સંગ્રામ પંચાયત:ચૂંટણીના પ્રચારમાં આજે છેલ્લા દિવસે સમગ્ર જિલ્લામાં રેલીઓની જમાવટ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવાર સાંજે પાંચ વાગે પ્રચાર પડઘમ શાંત : 19મીએ ગ્રામ પંચાયતની ચૂંટણી

ગ્રામ પંચાયતની ચુંટણીના શુક્રવાર સાંજે પાંચ વાગે પ્રચાર પડઘમ શાંત થઇ જશે. જેના પગલે સમગ્ર જિલ્લામાં શુક્રવારે રેલીઓ યોજાશે. 19મીએ ચુંટણી થશે. 410 ગ્રામ પંચાયતોમાં સરપંચની 51 બેઠકો અને સભ્યની 1701 બેઠકો બિનહરીફ થઇ છે.

અમદાવાદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચમાં 1179 ઉમેદવારો અને સભ્યમાં 3960 ઉમેદવારો મેદાનમાં છે. ઉમેદવારો તરફથી જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો હતો. કેટલાક સરપંચોએ ગામના વિકાસની ગાથા છોડીને અન્ય રાજકીય બાબતોએ પ્રચાર કર્યો હતો. યુવા સરપંચોની ઉમેદવારી પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. જેના લીધે ચુંટણીમાં મતદારોની ખેંચતાણ જોવા મળી રહી છે. પ્રચારના છેલ્લો દિવસ શુક્રવારના રોજ બપોર પછી રેલીઓનું આયોજન થઇ ગયું છે. શુક્રવાર સાંજે પાંચ વાગ્યા પછી ડોર ટુ ડોર બેઠકોનો દોર ચાલશે. પોલીસે કોવિડ-19ના નિયમોનું પાલન કરાવવામાં કડકાઇ નહીં રાખતા ઉમેદવારો અને કાર્યકરો માસ્ક વગર જ પ્રચાર કરી રહ્યા છે.

શુક્રવારે પ્રચાર પડઘમ શાંત થયા પછી બે દિવસ રાતે સમાજના આગેવાનો સાથે ઉમેદવારો ખાનગી બેઠકો કરશે. આ વખતે એક સમાજમાંથી વધુ ઉમેદવારોએ ચુંટણીમાં ઝંપાલાવ્યું હોવાથી મતોની ખેંચતાણ રહેશે. ઉમેદવારો છેલ્લી ઘડી સુધી સોશીયલ મિડીયામાં પ્રચાર કરશે. નાની પંચાયતોમાં સરપંચો મર્યાદામાં ખર્ચ કરી રહ્યા છે. જ્યારે કેટલાક તાલુકામાં ઉમેદવારો ચુંટણીમાં બેફાર્મ ખર્ચ કરે છે. ઉલ્લેખનીય છેકે, સરપંચો સામે ગેરરિતીની વારંવાર ફરિયાદો ઉઠે છે. જેમાં જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં સાતથી વધુ સરપંચો સસ્પેન્ડ થયા છે અને પાંચ સામે હાલમાં પણ તપાસ ચાલે છે. હવે પાંચ વર્ષ પૂરા થઇ ગયા હોવાથી તપાસ પણ અભરાઇએ ચઢાવી દેવાશે. વર્તમાન ડીડીઓ અનિલ ધામેલિયાના કાર્યકાળમાં સરપંચ સામે માત્ર તપાસ થઇ છે. હજી સુધી કોઇ સરપંચને સસ્પેન્ડ કરાયા નથી.

સાણંદ એલર્ટ : ઠેર ઠેર વાહનોનું ચેકિંગ
સાણંદ ઃ ગ્રામ પંચાયતની ચૂંટણીને પગલે રાજ્યમાં કડક આચારસંહિતાનો અમલ શરુ થઈ ગયો છે. આવા સમયે દારૂ અને રૂપિયાની મોટા પ્રમાણમાં હેરાફેરી થતી હોય છે. આ સ્થિતિમાં સાણંદ, ચાંગોદર અને જીઆઇડીસી પોલીસે ઠેરઠેર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. સાણંદ શહેરમાંથી પસાર થતા તમામ વાહનને ચેક કરવા માટેની પોલીસે ઝુંબેશ શરુ કરી છે. ત્યારે સાણંદ પીઆઈ આર. જી ખાંટ, પીએસઆઈ જી. કે. ચાવડા સહિત પોલીસ ટીમે સાણંદ મુનિ આશ્રમ ચાર રસ્તા, સાણંદ બાયપાસ, બાવળા રોડ સહીતના વિસ્તારોમાં વાહનનું સઘન ચેકિંગ શરુ કરવામાં આવ્યું છે.

આ સિવાય સાણંદ તાલુકાના ગામડાઓમાં જતા તમામ રોડ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં ચૂંટણી આયોગના આચારસંહિતાના નિયમના આદેશના પગલે ચૂંટણી અધિકારી સહીત પોલીસ સ્ટાફ વીડિયોગ્રાફી કરીને સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સાથેસાથે ભાંગફોડિયા તત્વો ઉપર પણ બાજનજર રાખવામાં આવી રહી છે તેમજ નાણાકીય વ્યવહારો ઉપર પણ ચાંપતી નજર તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...