• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Dengue Chikungunya Cases In Gota, Paldi, Thaltej, Bodakdev, Navrangpura, Cases Of Diarrhea, Vomiting, Typhoid Increased In Khadia, Saraspur

અમદાવાદમાં રોગચાળો બેકાબુ:ગોતા, પાલડી, થલતેજ, બોડકદેવ, નવરંગપુરામાં ડેન્ગ્યુ- ચિકનગુનિયા, ખાડિયા, સરસપુરમાં ઝાડા ઉલટી ટાઈફોઈડના કેસ વધ્યાં

અમદાવાદ2 મહિનો પહેલા
મેલેરિયા વિભાગની 400 જેટલી ટીમ અને હેલ્થ વિભાગની 300 ટીમો શહેરમાં મચ્છરના બ્રીડિંગ શોધે છે
  • ડેન્ગ્યુ અને ચિકનગુનિયા વધ્યો, સપ્ટેમ્બર માસમાં એકપણ મોત ન થયુ : ડો. ભાવિન સોલંકી
  • મેલેરિયા વિભાગની 400 અને હેલ્થ વિભાગની 300 ટીમો શહેરમાં મચ્છરના બ્રિડિંગ શોધી રહી છે

અમદાવાદમાં કોરોનાના કેસો એકદમ નહીંવત જેવા છે જેની સામે શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો સતત વધી રહ્યો છે. અલગ અલગ વિસ્તારમાં ઘરે ઘરે મચ્છરજન્ય રોગ ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસો વધુ હોવાનું બહાર આવ્યું છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોતા, પાલડી, થલતેજ, બોડકદેવ, નવરંગપુરામાં જ્યારે પૂર્વ વિસ્તારમાં ગોમતીપુર, રખિયાલ અને વટવા વિસ્તારમાં રોગચાળોના કેસો વધુ નોંધાયા છે. ખાસ કરીને દાણીલીમડા, બહેરામપુરા, જમાલપુર, ખાડિયા અને સરસપુર વિસ્તારમાં પાણીજન્ય રોગો જેવા કે ઝાડા ઉલટી, ટાઈફોઈડના કેસો વધુ નોંધાયા છે.

કોર્પોરેશન દ્વારા પાણીના સેમ્પલ લેવાની કામગીરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના ઈન્ચાર્જ વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં તેમજ શહેરની મુખ્ય 100થી વધુ હોસ્પિટલમાંથી ક્યાંય ડેન્ગ્યુ, ચિકનગુનિયા કે મચ્છરજન્ય રોગથી ચાલુ સપ્ટેમ્બર મહિનામાં એકપણ મોત થયા નથી. કોર્પોરેશનના હેલ્થ વિભાગ, એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીના સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

ડો. ભાવિન સોલંકી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના ઈન્ચાર્જ વડા
ડો. ભાવિન સોલંકી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના ઈન્ચાર્જ વડા

ડેન્ગ્યુના 693, ચિકનગુનિયાના 287 કેસો નોંધાયા
ચાલુ સપ્ટેમ્બર માસમાં 25 દિવસમાં સૌથી વધુ ડેન્ગ્યુના 693, ચિકનગુનિયાના 287 કેસો નોંધાયા છે. જ્યારે ઝાડા ઉલટીના 336 અને ટાઇફોઇડના 291 જેટલા કેસો નોંધાયા છે. મચ્છરજન્ય રોગો વધતાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ દાવો કર્યો છે કે, મેલેરિયા વિભાગની 400 જેટલી ટીમ અને હેલ્થ વિભાગની 300 ટીમો શહેરમાં મચ્છરજન્ય રોગોને કાબુમાં લેવા મચ્છરના બ્રિડિંગ શોધી કાર્યવાહી કરી રહી છે. દરેક જગ્યાએ ફોગીંગ કરવામાં આવી રહ્યું છે પરંતુ સફાઈના અભાવે શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે.

તાવ શરદી ઉધરસ સહિતના અનેક રોગના દર્દીઓમાં સતત વધારો
1 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમિયાન મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 693, ચિકનગુનિયાના 287, સાદા મેલેરિયા 199 કેસો, ઝેરી મેલેરિયાના 16 કેસો નોંધાયા છે. જ્યારે પાણીજન્ય રોગોમાં ટાઈફોઈડના 336, ઝાડા ઉલ્ટીના 291, કમળાના 196 અને કોલેરાના 0 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે શહેરના મોટાભાગના વિસ્તારોમાં દવાખાનામાં સવાર- સાંજ લાઇનો દર્દીઓની લાઈનો જોવા મળે છે. ખાસ કરીને તાવ, શરદી ઉધરસ સહિત અનેક રોગના દર્દીઓના સતત વધારો થઈ રહ્યો છે.

કોમર્શિયલ એકમ, બંધ એકમ અને ઈન્સ્ટિટ્યુટમાં મચ્છર બ્રિડિંગ
ચાલુ સપ્ટેમ્બર માસ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારમાં મચ્છરજન્ય રોગો અને તેમના બ્રિડિંગ શોધવા માટે કવાયત હાથ ધરાઇ હતી. જેમાં સૌથી વધુ કોમર્શિયલ એકમો, બંધ પડેલા એકમો અને ઇન્સ્ટિટ્યુટ જે અત્યારે બંધ છે, તેમાં મચ્છર વધારે બ્રિડિંગ કરે છે. આ એકમોને સાફ સફાઈમાં ધ્યાન રાખવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે. ત્યારે આ કામગીરી માત્ર નામની કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...