બેકાબૂ રોગચાળો:અમદાવાદમાં એક વર્ષમાં ડેન્ગ્યુના કેસ પાંચ ગણા વધીને 1962 થઈ ગયા, 16 દિવસમાં જ 312 કેસ નોંધાયા

અમદાવાદએક મહિનો પહેલા
સરકારી હોસ્પિટલોમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના દર્દીઓ વધ્યા.
  • શહેરમાં ઘેર ઘેર ચિકનગુનિયાના કેસ છતાં મ્યુનિ.ના ચોપડે શહેરમાં ફક્ત 123 જ કેસ

અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુએ ભરડો લીધો છે. ગયા વર્ષે આખા વર્ષ દરમિયાન ડેન્ગ્યુના માત્ર 432 કેસ નોંધાયા હતા, જ્યારે આ વર્ષે ફકત 10 મહિનામાં 1,962 કેસ, એટલે કે ડેન્ગ્યુના કેસમાં પાંચ ગણો વધારો થયો છે. બીજી તરફ, શહેરમાં ચિકનગુનિયાના પણ ઘેર ઘેર કેસ જોવા મળી રહ્યા છે. મ્યુનિ.ના આંકડા મુજબ, શહેરમાં ચાલુ મહિને ફકત 123 ચિકનગુનિયાના કેસ નોંધાયા છે, જ્યારે સિવિલ, સોલા સિવિલ અને મ્યુનિ. સંચાલિત જુદી જુદી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં એના કેસોની સંખ્યા ઘણી વધારે છે.

ચાલુ મહિને 43 હજારથી વધુ લોહીના નમૂનાની તપાસ
ડેન્ગ્યુ મચ્છરજન્ય રોગ છે, એ ચેપી રોગ નથી. ડેન્ગ્યુ વાઈરસ ધરાવતા મચ્છરના કરડવાથી એનો ફેલાવો થતો હોય છે. તાવ આવે, ઠંડી લાગવી, માથાનો દુખાવો, આંખની હલનચલન કરતાં દુખે વગેરે જેવાં ડેન્ગ્યુનાં લક્ષણો છે. પાણીની ટાંકી, બાંધકામની સાઈટ, એરકૂલર વગેરે જેવી જગ્યાઓ પર મચ્છરોનો ઉપદ્રવ વધુ જોવા મળતો હોય છે. શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો થતાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ચાલુ મહિને 43 હજારથી વધુ લોહીના નમૂનાની તપાસ કરી છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશના આરોગ્ય વિભાગના હેલ્થ ઓફિસર ડો. ભાવિન સોલંકી.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશના આરોગ્ય વિભાગના હેલ્થ ઓફિસર ડો. ભાવિન સોલંકી.

અધિકારી કહે છે કે રોગચાળો કાબૂમાં આવ્યો
આ ઉપરાંત 2,262 સીરમ સેમ્પલની પણ તપાસ કરવામાં આવી છે. શહેરમાં પાણીજન્ય રોગોએ પણ માઝા મૂકી છે. છેલ્લા 10 મહિનામાં ઝાડા-ઊલટીના 3,001 કેસ સામે આવ્યા છે તેમજ કોલેરાના 64 કેસ નોંધાયા છે. ચાલુ વર્ષે જુદા જુદા વિસ્તારોમાંથી પાણીનાં 8,209 સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલાયાં હતાં. કોર્પોરેશના આરોગ્ય વિભાગના હેલ્થ ઓફિસર ડો. ભાવિન સોલંકીના જણાવ્યા મુજબ, શહેરમાં ડેન્ગ્યુના કેસો ઘટયા છે. ચાલુ માસમાં 16 જ દિવસમાં 312 જ કેસો નોંધાયા છે, જે જોતાં એના કેસો હાલમાં ઘટ્યા હોય એવું જણાય છે. 1 ઓક્ટોમ્બરથી 16 ઓક્ટોમ્બર સુધીના સમયગાળા દરમિયાન મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 312, ચિકનગુનિયાના 123, સાદા મલેરિયા 45 કેસો, ઝેરી મલેરિયાના 6 કેસ નોંધાયા છે.

કમળો અને ટાઇફોઇડના પણ કેસો વધ્યા
જ્યારે પાણીજન્ય રોગોમાં ટાઇફોઇડના 86, ઝાડા-ઊલટીના 213, કમળાના 67 અજેટલા કેસો નોંધાયા છે, જ્યારે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં દવાખાનામાં સવાર-સાંજ દર્દીઓની લાઈનો જોવા મળે છે. ખાસ કરીને તાવ, શરદી ઉધરસ સહિત અનેક રોગના દર્દીઓ વધી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ દાવો કર્યો છે કે મલેરિયા વિભાગની 400 જેટલી ટીમ અને હેલ્થ વિભાગની 300 ટીમ શહેરમાં મચ્છરજન્ય રોગોને કાબૂમાં લેવા મચ્છરના બ્રીડિંગ શોધી કાર્યવાહી કરી રહી છે. જોકે હવે પાણીજન્ય કેસો શહેરમાં ફરી વધ્યા છે. કમળો અને ટાઈફોઈડના પણ કેસો વધ્યા છે.

શહેરની સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો ( ફાઈલ ફોટો)
શહેરની સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો ( ફાઈલ ફોટો)

મચ્છરજન્ય રોગો અને તેમના બ્રીડિંગ શોધવા માટે કવાયત
ચાલુ ઓક્ટોમ્બર માસ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારોમાં મચ્છરજન્ય રોગો અને તેમના બ્રીડિંગ શોધવા માટે કવાયત હાથ ધરાઇ હતી, જેમાં સૌથી વધુ કોમર્શિયલ એકમો, બંધ પડેલા એકમો અને ઇન્સ્ટિટ્યૂટ, જે અત્યારે બંધ છે એમાં મચ્છર વધારે બ્રીડિંગ કરે છે. આ એકમોની સાફસફાઈ રાખવામાં આવે એવું કહેવામાં આવ્યું છે. જોકે આ કામગીરી માત્ર નામની કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...