અમદાવાદીઓ ડેન્ગ્યૂથી સાવધાન:અમદાવાદમાં ચોમાસા બાદ મચ્છરોનું પ્રમાણ વધતાં ડેન્ગ્યૂ કેસો વધ્યા, સ્વાઇનફ્લૂના 68 કેસ સામે આવ્યા

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં ચોમાસાની સીઝનમાં વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળામાં ખૂબ જ વધારો થયો છે. શહેરમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં મચ્છરોની ઉત્પત્તિનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે ડેન્ગ્યૂ અને સ્વાઇનફ્લૂના કેસો પણ વધ્યા છે.

3 દિવસમાં ડેન્ગ્યૂના 83 કેસ નોઁધાયા
અમદાવાદમાં સપ્ટેમ્બર માસના 3 દિવસમાં ડેન્ગ્યૂના 83 અને સ્વાઈન ફ્લૂના 68 જેટલા કેસો નોંધાયા છે. વરસાદ બાદ શહેરના પૂર્વ વિસ્તારમાં કેસો વધુ નોંધાયા છે. વરસાદ બાદ ગંદકી અને ઠેરઠેર પાણી હજી ભરાયેલા હોવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. ગત ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના એડિસ મચ્છરોની ઉત્પત્તિનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. શહેરમાં ફોગિંગની અને દવા છટકાવની કામગીરી યોગ્ય થતી ન હોવાથી રોગચાળો વકર્યો છે.

સ્વાઇન ફ્લૂમાં 70 ટકા દર્દીઓ હોસ્પિટલમાં
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, 3 સપ્ટેમ્બર સુધીમાં મચ્છરજન્ય રોગોમાં મેલેરિયાના 13, ડેન્ગ્યુના 83, ચિકનગુનિયાના અને ઝેરી મેલેરિયા 03 કેસો નોંધાયા છે. સ્વાઈન ફ્લૂના કેસો સપ્ટેમ્બર મહિનામાં 68 જેટલા નોંધાયા છે. જેમાં સ્વાઇન ફ્લૂમાં 70 ટકા દર્દીઓ હોસ્પિટલમાં અને 30 ટકા દર્દીઓ ઘરે સારવાર લઈ રહ્યાં છે. શહેરમાં સૌથી વધુ કહેર સ્વાઈન ફ્લૂ અને ડેન્ગ્યૂ, ઝાડા-ઉલ્ટી જોવા મળી રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો વાઇરલ ઇન્ફેક્શનના દર્દીઓ વધ્યા છે.

રોગચાળો રોકવા મેડિકલ કેમ્પનું આયોજન
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોગચાળાને રોકવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 9 જેટલા મેડિકલ કેમ્પનું આયોજન થઈ ચૂક્યું છે. હજી 11 જેટલા મેડિકલ કેમ્પ કરવામાં આવશે. આમ શહેરના વિવિધ વિસ્તારોમાં રોગચાળોને રોકવા માટેના પ્રયાસ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.

AMC દ્વારા પાણીના સેમ્પલ લેવાયા
પાણીજન્ય રોગોમાં સૌથી વધુ શહેરના પૂર્વ વિસ્તારમાં અને કોટ વિસ્તાર સહિતના વિસ્તારોમાં રોગોનો વધારો થયો છે. જ્યાં પાણીની ફરિયાદો આવી છે અને ક્લોરિન નીલ આવ્યું છે, ત્યાં પાણીના સેમ્પલો લેવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી સપ્ટેમ્બર મહિનામાં 147 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 12 જેટલા સેમ્પલ અનફીટ જાહેર થયા છે. અનફીટ જાહેર થયેલા સેમ્પલોમાં મુખ્યત્વે શહેરના પૂર્વ વિસ્તારમાં જાહેર થયા છે. જ્યાંથી પાણીના સેમ્પલ અનફીટ જાહેર થયા છે, ત્યાં કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીની પાઇપ લાઇન બદલવાની અને સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે અને આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનની ગોળીઓનું વેચાણ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...