નર્સિંગ કર્મચારીઓનું આંદોલન:અમદાવાદની SVPમાંથી છૂટા કરાતા કર્મચારીઓના દેખાવો, ડ્યુટીના બહાને 200 કર્મચારીને હોસ્પિટલમાં જ પુરી દેવાયા

અમદાવાદ24 દિવસ પહેલા
SVP હોસ્પિટલમાંથી છૂટા કરવામાં આવતા આંદોલન કરી રહેલા કર્મચારીઓ

અમદાવાદમાં SVP હોસ્પિટલમાં 500 દર્દી સામે 3500ના સ્ટાફ જેટલું મોટું ભારણ હોવાને કારણે આખરે હોસ્પિટલ સત્તાવાળાએ કોન્ટ્રાક્ટના વધારાના સ્ટાફને છૂટો કરવાની સૂચના આપતાં 400થી વધારે સ્ટાફને છૂટો કરવાનો નિર્ણય લેવાયો છે. જેમને નોકરીમાંથી છૂટા કરવાનો ઇ-મેઇલ મળ્યો, તેઓ આંદોલન ચલાવી રહ્યા છે. હોસ્પિટલમાંથી છૂટા કરવામાં આવેલા કેટલાક કર્મચારીઓ હોસ્પિટલ બહાર બેઠા હતા. તેમજ નર્સિંગ કર્મચારીઓને હોસ્પિટલમાં જવા દેવાનો SVP દ્વારા ઇન્કાર કરવામાં આવ્યો છે. માત્ર એટલું જ નહીં, હોસ્પિટલ બહાર બેરિકેડ લગાવી દેવામાં આવ્યા હતા.

અમને હોસ્પિટલમાં જ બંધ કરી દેવામાં આવ્યાં: કર્મચારીઓ
હોસ્પિટલમાંથી કર્મચારીઓને કોઈપણ પ્રકારનો જવાબ આપવામાં આવી રહ્યો નથી. ડ્યુટીનું બહાનું આપી 200 જેટલા નર્સિંગ કર્મચારીઓને આજે સવારે હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા હતા. ડ્યુટી માટે બોલાવવામાં આવેલા 200 જેટલા કર્મચારીઓ આક્ષેપ કર્યો છે કે, અમને હોસ્પિટલમાં જ બંધ કરી દેવામાં આવ્યાં હતા. આ 200 કર્મચારીઓને ઓડિટોરિયમ રૂમમાં પૂરી દેવામાં આવ્યા છે.

વિરોધ બંધ કરવા દબાણ
SVP હોસ્પિટલ નર્સિંગ કર્મચારીઓને છૂટા કરી દીધા બાદ દાદાગીરી ઉપર આવી હોવાનો ગણગણાટ શરૂ થઈ ગયો છે. કર્મચારીઓને બંધ કરી વિરોધ બંધ કરવા માટે દબાણ કરવાના પણ કર્મચારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

3500થી વધુના સ્ટાફનું ભારણ
આ અંગેની વિગત એવી છે કે, SVP હોસ્પિટલમાં યુડીએસ એજન્સીના 2300, ફેબરી સિન્દુરી એજન્સીના 550, સિક્યુ ટેક.નોના 350, એપોલો સિન્દુરીના 70 તથા આઇટી માઇન્ડ સ્ક્વેરના 50 જેટલા કર્મચારીઓ હાલ કામ કરે છે. તે ઉપરાંત સિનિયર અને રેસિડન્ટ તબીબોનો સ્ટાફ પણ છે. બીજી તરફ SVP હોસ્પિટલમાં આજની સ્થિતિએ જોતાં માત્ર 107 દર્દીઓ જ દાખલ છે, તેની સામે 400 જેટલાં દર્દીઓ ઓપીડીમાં આવે છે. આમ 400 દર્દીઓ તો આવીને જતાં રહે છે, માત્ર 107 દર્દીની સારવાર માટે 3500થી વધુના સ્ટાફનું ભારણ SVP પર છે. તેને કારણે તંત્રએ આ સ્ટાફ ઘટાડવા કોન્ટ્રાક્ટરને સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...