તમારા સવાલ, ગેસ્ટ એડિટરના જવાબ:શિક્ષણ સંસ્થાઓ લોકશાહી ઢબે ચાલે તો લોકશાહી મજબૂત બને

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રશ્નઃ પત્રકારત્વને ચોથી જાગીર કેમ કહેવામાં આવે છે એ વિશે આપનો મત જણાવશો? - અમરીશ ડી. મહેતા, ભાવનગર
જવાબઃ રાષ્ટ્રહિતમાં સત્તાધારી પક્ષની ટીકા કરવાનો અધિકાર પત્રકારત્વને પ્રાપ્ત છે એટલે પત્રકારત્વને ચોથી જાગીર કહેવામાં આવે છે. પત્રકારત્વને ચોથી જાગીર કહે છે કારણ કે મીડિયા પાસે સત્તા વગરની શક્તિ છે જે થકી તે સત્તાને નિયમનમાં રાખી શકે છે.

પ્રશ્નઃ શું આપ નવા પત્રકારોને શિક્ષણ આપતી વખતે પત્રકારત્વના ક્ષેત્રે જ્યારે તેમનો પ્રવેશ થાય ત્યારે તેઓ ભારતીય સંસ્કૃતિને મજબૂત કરે અને વામપંથી વિચારધારાથી હંમેશાં દૂર રહે તેવી સલાહ આપો છો? - રિપલકુમાર પરીખ, અમદાવાદ
જવાબઃ પત્રકારત્વનાં શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ વિચારધારાનો અભ્યાસ કરવાની તક આપવામાં આવે છે. અભ્યાસના આધારે વિદ્યાર્થી જાતે નક્કી કરે કે તેને કઇ વિચારધારામાં માનવું છે. શૈક્ષણિક સંસ્થાઓ લોકશાહી ઢબે ચાલે તો જ લોકશાહી મજબૂત બને.

પ્રશ્નઃ છેલ્લાં ઘણાં વર્ષોથી ગુજરાતમાં બળાત્કાર તથા આપઘાતના બનાવો સતત વધતા જાય છે. બંને બનાવોમાં માનસિકતાને જવાબદાર ગણવામાં આવે છે પરંતુ આ પરિસ્થિતિના ઉકેલ માટે શું પગલાં લેવાં જોઈએ ? - પદ્મનાભ જોશી, અમદાવાદ
જવાબઃ આવા બનાવો સતત વધતા જાય છે તે અત્યંત દુ:ખદ છે. મહિલાઓ પોતાના ઘર-પરિવારમાં સુરક્ષિત, હિંસામુકત વાતાવરણ વચ્ચે રહે તે આવશ્યક છે. આપણે કાયદાઓ સુધાર્યા પરંતુ માનસિકતા પણ બદલવી પડશે. સ્ત્રીસન્માનના પાઠ દીકરાઓને અને પુરુષોને વિધિવત્ શીખ‌વવા જોઇએ તો જ બળાત્કાર જેવી ઘટનાઓ અટકી શકશે.

પ્રશ્નઃ એક પત્રકાર તરીકે તમે મહિલા સશક્તીકરણમાં સુધારા અંગે તમે કયા પ્રશ્નો ઉઠાવશો ? - જયેશકુમાર ગોવિંદરામભાઈ રાવલ, મોતીપુરા- બનાસકાંઠા
જવાબઃ ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો બાળકીઓના જન્મદરનો મુદ્દો ચિંતાજનક છે. આ અંગે મોટાં પગલાં લેવાયાં હોય એવું ધ્યાનમાં આવતું નથી. ‘બેટી બચાવો’ સૂત્ર માતા-પિતાનાં હૃદયમાં ઊતારવાની જરૂર છે.

પ્રશ્નઃ મીડિયામાં મહિલાઓને પડતી સમસ્યાઓ વિશે આપનું આકલન શું છે? મહિલાઓએ મીડિયા ક્ષેત્રે કામ કરતાં શું ધ્યાન રાખવું જોઈએ? - અલકા પટેલ, ગાંધીનગર
જવાબઃ મીડિયામાં નવોદિત પત્રકાર તરીકે મહિલાઓ બહુ જ સારું કામ કરે છે છતાં મીડિયા સંસ્થાઓમાં મહિલાઓ નિ‌ર્ણાયક ભૂમિકામાં આવે તે આવશ્યક છે. રૂપાળા સુંદર ચહેરાઓ સમાચાર વાંચવા માટે ટેલિવિઝનના પડદા પર આવે તેની સાથે સાથે કઇ બાબતોને સમાચાર તરીકે પ્રાધાન્ય આપવું જોઇએ તેવા તંત્રી તરીકે મહિલાઓ બિરાજમાન થાય તે આ‌વશ્યક છે.

અન્ય સમાચારો પણ છે...