સરકાર સમક્ષ માંગ:RTE હેઠળ સ્કૂલોને આપવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કરવા માંગ કરાઈ, શાળા સંચાલક મંડળે 15 હજારની ગ્રાન્ટ આપવા રજૂઆત કરી

અમદાવાદ2 મહિનો પહેલા
શાળા સંચાલક મંડળે સરકારને પત્ર લખીને માંગ કરી ( પ્રતિકાત્મક તસવીર)
  • સરકારે ખાનગી સ્કૂલ સંચાલકોને RTE સીટોની ફી 30 ટકા વધારી આપી

તાજેતરમાં જ સરકારે RTE હેઠળ ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની ફીમાં વધારો કરીને સ્કૂલોને 13 હજાર રૂપિયા ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે શાળા સંચાલક મંડળ દ્વારા સરકારને રજુઆત કરવામાં આવી છે કે, RTE હેઠળ હાલમાં જે સ્કૂલોને ગ્રાન્ટ આપવામાં આવે છે તેમાં વધારો કરી આપવા સરકારને પત્ર લખીને માંગ કરી છે.

સ્કૂલોને ખર્ચો પોસાતો નથી જેથી ગ્રાન્ટની રકમ વધારવા માંગ કરાઈ
આ અંગે શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે મફત અને ફરજિયાત શિક્ષણ હેઠળ સ્કૂલોને 2012માં ગ્રાન્ટ પેટે 10 હજાર આપવામાં આવતા હતાં અને હાલમાં તેમાં વધારો કરીને 13 હજાર આપવામાં આવે છે. પરંતુ તેમાં વધારો કરીને 15 હજાર રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે. આ ઉપરાંત સ્ટેશનરી ખર્ચમાં પણ વધુ ગ્રાન્ટ મળે તે માટે રજુઆત કરવામાં આવી છે. હાલમાં સ્ટેશનરી માટેનો ખર્ચ 3 હજાર છે જેમાં વધારો કરીને પાંચ હજાર આપવામાં આવે તેવી અમારી માંગ છે. આટલી ગ્રાન્ટમાં સ્કૂલોને તેમનો ખર્ચ કરવો પોષાય તેમ નથી. જેથી તેમાં વધારો કરી આપવા માંગ કરાઈ છે.

ખાનગી શાળાઓને RTEના બાળકની મળતી ફીમાં 30 ટકાનો વધારો કરવામાં આવ્યો ( પ્રતિકાત્મક તસવીર)
ખાનગી શાળાઓને RTEના બાળકની મળતી ફીમાં 30 ટકાનો વધારો કરવામાં આવ્યો ( પ્રતિકાત્મક તસવીર)

સરકારે ખાનગી સ્કૂલ સંચાલકોને RTE સીટોની ફી 30 ટકા વધારી આપી
બાળકોને ફરજિયાત શિક્ષણ અધિનિયમ 2009 અંતર્ગત તમામ ખાનગી શાળાઓમાં 25 ટકા સીટ નબળા અને વંચિત જૂથના બાળકો માટે ફાળવવામાં આવે છે. અમીરી અને ગરીબીનો ભેદ દૂર કરીને બાળકોને સમાન શિક્ષણ મળે તે હેતુથી આ કાયદા હેઠળ શિક્ષણ આપવામાં આવે છે. આ કાયદા મુજબ RTE હેઠળ પ્રવેશ મેળવેલ બાળકોની ફી સરકાર ચૂકવે છે. જેની રકમ 10 હજાર રૂપિયા છે પરંતુ હવે આ રકમમાં 30 ટકા જેટલો વધારો કરીને 13 હજાર કરવામાં આવી છે. એટલે હવે ખાનગી શાળાઓને RTEના બાળકની મળતી ફીમાં 30 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

ખાનગી શાળાઓને મળતી ફી માં હવે 30 ટકાનો વધારો
અગાઉ RTE હેઠળ ખાનગી સ્કૂલોની સરકાર દ્વારા બાળકોની ફી પેટે 10 હજાર રૂપિયા ચૂકવવામાં અવતા હતા જે હવે વધારીને 13 હજાર રૂપિયા કરવામાં આવ્યા છે.ખાનગી શાળાઓને મળતી ફી માં હવે 30 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. RTE ના નિયમ મુજબ સરકારે નક્કી કરેલ ફી અને સ્કૂલે નક્કી કરેલ ફી આ બંનેમાંથી જે ફી ઓછી હશે તે મુજબ સરકાર સ્કૂલને તે ફી ચૂકવશે. આ અંગે ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે હવે સ્કૂલોની ફી માં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે હવે સ્કૂલોએ RTEના બાળકો સાથે ભેદભાવ ન કરીને તમામ બાળકોને સાથે રાખીને એક જ વર્ગમાં સમાન શિક્ષણ આપવું જોઈએ.