વાલીઓની રજૂઆત:કોરોનાના કેસોમાં વધારો થતાં સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરીને ઓનલાઈન શિક્ષણ શરૂ કરવા માંગ

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજ્ય સરકાર ધોરણ 1થી5ની સ્કૂલો શરૂ કરવા વિચારણા કરી રહી છે

રાજ્યમાં એક તરફ સ્કૂલોમાં દિવાળી વેકેશન પૂર્ણ થવા આવ્યુ છે. બીજી તરફ ફરીવાર કોરોનાના કેસોમાં વધારો થયો છે. ત્યારે સ્કૂલોમાં ભણતા બાળકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે વાલી મંડળે દિવાળી વેકેશન બાદ પણ સ્કૂલો ઓફલાઈન બંધ કરીને ઓનલાઈન ચાલુ કરવા માટે માંગ કરી છે. કોરોનાના કેસ ઓછા થાય ત્યાર બાદ જ સ્કૂલોમાં ફિઝિકલ શિક્ષણ શરૂ કરવા માટે રજુઆત કરવામાં આવી છે.

6થી 12ની સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ
સરકારે ધોરણ 6થી 12ની સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દીધું છે. કોલેજોમાં પણ એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પાંચ દિવસ બાદ દિવાળીનું વેકેશન પણ પૂર્ણ થશે. સરકાર પણ હવે ધોરણ 1થી 5ની સ્કૂલો શરૂ કરવા માટે વિચારણા કરી રહી છે. ત્યારે વાલી મંડળે બાળકો માટે ચિંતા કરીને કોરોનાના કેસો ઓછા થાય નહીં ત્યાં સુધી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરીને સંપૂર્ણ પણે ઓનલાઈન શિક્ષણ શરૂ કરવા માંગણી કરી છે.

કોરોનાના કેસ ઘટે પછી જ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માંગ ( પ્રતિકાત્મક તસવીર)
કોરોનાના કેસ ઘટે પછી જ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માંગ ( પ્રતિકાત્મક તસવીર)

ઓનલાઇન શિક્ષણ ફરીથી શરૂ કરવુ જોઈએ
આ અંગે ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અને હવે વેકેશન બાદ સ્કૂલો ચાલુ થશે.હજુ સુધી બાળકોને વેક્સિન આપવાની શરૂ કરવામાં આવી નથી. ગત વર્ષ જેવી પરિસ્થિતિ થાય તો બાળકો પણ જોખમમાં મુકાઈ શકે છે. જેથી કેસ ફરીથી ઓછા ના થાય ત્યાં સુધી 12માં ધોરણ સુધીની તમામ સ્કૂલ ઓફલાઇન કરવી જોઈએ.ઓનલાઇન શિક્ષણ ફરીથી શરૂ કરવુ જોઈએ.

અમદાવાદ ઝોનની મોટા ભાગની સ્કૂલોની ફી નક્કી થઇ નથી
21 નવેમ્બરથી સ્કૂલોમાં બીજું સત્ર શરૂ થશે, તેમ છતા હજુ સુધી અમદાવાદ ઝોનની મોટા ભાગની સ્કૂલોની ફી નક્કી થઇ નથી. સ્કૂલો જૂની ફીમાં પોતાની રીતે વધારો કરીને પ્રોવિઝનલ ફી ઉઘરાવી રહી છે. પરંતુ ઓનલાઇન પોર્ટલ બંધ હોવાથી વાલીઓ જૂની ફી પણ જોઈ શકતા નથી. ઓનલાઇન ફીની વિગતો દર્શાવતા એફઆરસીના પોર્ટલ પર હાલમાં, વેબસાઇટ અંડર મેઇન્ટેન્સ, આવી રહ્યું છે.

હાલ સ્કૂલોમાં દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે ( પ્રતિકાત્મક તસવીર)
હાલ સ્કૂલોમાં દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે ( પ્રતિકાત્મક તસવીર)

સ્કૂલ ફી મુદ્દે વાલીઓ મૂંઝવણમાં મુકાયા
વાલીઓના જણાવ્યા પ્રમાણે, સ્કૂલો પ્રોવિઝનલ ફી પણ જૂની ફીના આધારે ઉઘરાવે છે. શિક્ષણ વિભાદ દ્વારા રાજ્યની ઝોન પ્રમાણે નક્કી થયેલી ફીની માહિતી વેબસાઇટ પર મુકવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા મહિનાથી વેબસાઇટ અપડેટ થઈ નથી. વેબસાઇટ પર મેઇન્ટેન્સ ચાલું હોવાનો મેસેજ આવી રહ્યો છે. વાલીઓને સ્કૂલોની ફીની માહિતી ઓનલાઇન જોવી હોય તો હાલમાં તે જોઇ શકાતું નથી. શિક્ષણ વિભાગની ધીમી પ્રક્રિયાને કારણે સમગ્ર રાજ્યની સ્કૂલોની માહિતી હાલમાં પણ ઓનલાઇન જોઇ શકાતી ન હોવાને કારણે વાલીઓ મૂંઝવણમાં મુકાયા છે.