તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગ:ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષામાં માસ પ્રમોશન અથવા મોકૂફ રાખવા વાલીઓની માગણી

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ગઈકાલે જ CBSE બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા રદ કરાઈ છે

કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ ગુજરાત બોર્ડ(GSEB)ની પરીક્ષા પણ નજીક આવી રહી છે. કોરોના કેસ વધતાં પરીક્ષા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, જેથી વાલીઓએ આ મામલે ચિંતા વ્યક્ત કરી છે અને માસ પ્રમોશન અથવા પરીક્ષા મોકૂફ રાખવા માગણી ઊઠી છે.

CBSEએ 10ની પરીક્ષા રદ કરી અને 12ની મોકૂફ રાખી છે
કોરોના કેસ વધતાં CBSE બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા રદ કરવામાં આવી છે, જ્યારે ધોરણ 12ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાત બોર્ડની પરીક્ષા પણ મે મહિનામાં શરૂ થઈ રહી છે, પરંતુ હજુ સુધી ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોરોનાના કેસ વધતાં પરીક્ષા અંગે હજુ કોઈ નિર્ણય ન લેવાતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતાતુર બન્યા છે, જેથી હવે વાલીઓએ જ પરીક્ષા રદ કરવા અથવા તો મોકૂફ રાખવા માગણી કરી છે.

ધોરણ-12માં ભણતા વિદ્યાર્થીના પિતા ઉન્મેષભાઈ.
ધોરણ-12માં ભણતા વિદ્યાર્થીના પિતા ઉન્મેષભાઈ.

બાળકો સ્કૂલે જઈ પરીક્ષા આપી શકે એમ નથી
ગિરીશ સોની નામના વાલીએ જણાવ્યું હતું કે ધોરણ 1થી 9માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું જોઈએ. હાલ કેસ વધી રહ્યા છે, જેથી નાનાં બાળકો સ્કૂલે જઈને પરીક્ષા આપી શકે એમ નથી અને ઓનલાઇન પરીક્ષામાં ચોરી થવાની શક્યતાઓ છે, જેથી કોઈ વિદ્યાર્થી સાથે અન્યાય ના થાય એ માટે ધોરણ 1થી 9માં માસ પ્રમોશન આપવું જોઈએ અને ધોરણ 10 અને 12ની પરીક્ષા ફરજિયાત લેવી જોઈએ, જેના પર વિદ્યાર્થીઓનું ભવિષ્ય ટકેલું હોય છે, પરંતુ પરીક્ષા મે મહિનાની જગ્યાએ જૂનમાં યોજવી જોઈએ.

હાલની સ્થિતિમાં પરીક્ષા યોજવી યોગ્ય નહીં
અન્ય વાલી ઉન્મેષભાઈએ જણાવ્યું હતું કે તેમનો દીકરો ધોરણ 12માં અભ્યાસ કરે છે. હાલની પરિસ્થિતિમાં પરીક્ષા યોજવી યોગ્ય નથી, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા અલગ અલગ દિવસે આયોજન કરીને ધોરણ 12ની પરીક્ષા લેવી જોઈએ. ધોરણ 12ના આધારે ભવિષ્યમાં કયા ક્ષેત્રમાં જવું એ નક્કી થાય છે, પરંતુ ધોરણ 10ના આધારે માત્ર સાયન્સ, કોમર્સ કે આર્ટ્સની સ્ટ્રીમ જ પસંદ કરવાની હોય છે, જેથી ધોરણ 10મા માસ પ્રમોશન આપવું જોઈએ અને ધોરણ 12માં માસ પ્રમોશનના આપવું, પરંતુ પરીક્ષા ના લઈ શકાય તો અગાઉના ધોરણના માર્ક્સ ન આધારે માર્કસ આપવા જોઈએ.

ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહ.
ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહ.

ધોરણ 1થી 9માં માસ પ્રમોશન આપવું જોઈએ
ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે CBSE બોર્ડની પરીક્ષા રદ અને મોકૂફ રાખવામાં આવી છે, પરંતુ ગુજરાત બોર્ડે પરીક્ષા રદ કરવાની જરૂર નથી. જે પ્રમાણે CBSE બોર્ડ માટે નિર્ણય લેવામાં આવ્યો એ પ્રમાણે ગુજરાત બોર્ડ માટે નિર્ણય લેવો, જેમાં 10 અને 12 ધોરણની પરીક્ષા મેની જગ્યાએ જૂનમાં યોજવી જોઈએ. ધોરણ 1થી 9માં માસ પ્રમોશન આપવું જોઈએ.