રજૂઆત:અમદાવાદમાં પ્રાથમિક સ્કૂલોના શિક્ષકોને ગરૂડ એપ્લિકેશનની કામગીરીમાંથી મુક્તિ આપવા શૈક્ષિક સંઘની માંગ

રજુઆત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
શિક્ષકોના માથે ભારણ વધ્યું - Divya Bhaskar
શિક્ષકોના માથે ભારણ વધ્યું
  • શિક્ષકોને BLOની કામગીરી અંતર્ગત ગરૂડ એપ્લિકેશન ડાઉનલોડ કરાવવાની જવાબદારી સોંપાઈ છે

રાજ્યમાં કોરોનાના કેસો નિયંત્રિત થતાં ધોરણ 1થી 12ની સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું છે. ખાનગી સ્કૂલો કરતાં સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હાજરી વધુ દેખાઈ રહી છે. બીજી તરફ પ્રથમ વાર સ્કૂલમાં પ્રવેશ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધુ છે. ત્યારે શિક્ષકોને વિદ્યાર્થીઓને ભણાવવા ઉપરાંત BLO તથા ગરૂડ એપ્લિકેશન ડાઉનલોડ કરાવવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે. જેથી શિક્ષકોને આ કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે તેવી શૈક્ષિક સંઘ દ્વારા માંગ કરવામાં આવી છે.

શિક્ષકોને BLO તરીકે કામગીરી સોંપાવામાં આવી
અમદાવાદમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને અમદાવાદના BLO તરીકે કામગીરી સોંપાવામાં આવી છે. તે ઉપરાંત શિક્ષકોને ગરૂડ એપ્લિકેશન ડાઉનલોડ કરાવવાની પણ કામગીરી સોંપાઈ છે. અત્યાર સુધી સોંપવામાં આવેલી તમામ કામગીરી શિક્ષકોએ કરી છે. પરંતુ હવે ઓફલાઈન શિક્ષણ શરૂ થતાં વિદ્યાર્થીઓને ભણાવવાની જવાબદારી પણ વધી છે. હવે વિદ્યાર્થીને ભણાવવા પણ જરૂરી છે. તેવા સમયમાં BLOની કામગીરી કરવામાં શિક્ષકો પર માનસિક ભારણ વધી રહ્યું છે. જેથી આ કામમાંથી મુક્તિ આપવા શિક્ષકોએ માંગણી કરી છે.

શિક્ષકો સિવાય અન્ય કર્મચારીઓ પાસે કામ કરાવી શકાય
આ ઉપરાંત BLOને કોઈ પણ પ્રકારની ઈન્ટરનેટની કે ટેબ્લેટની સુવિધા આપવામાં આવી નથી. કલાકો સુધી કામ કરવા છતાં શિક્ષકોને વધારાની કામગીરી તરીકે માસિક 500 રૂપિયા વેતન આપવામાં આવે છે. શિક્ષકો સિવાય અન્ય કર્મચારીઓ પાસે કામ કરાવી શકાય છે. જેથી શૈક્ષિક સંઘે કલેક્ટરને પત્ર લખીને રજૂઆત કરી છે કે શિક્ષકોને આ કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...