કાર્યવાહી:હિસાબ ન આપતાં આરોગ્ય અધિકારીની બદલીની માગ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દોઢ કરોડના સેનિટાઇઝરનો ખુલાસો ન કર્યો

અમદાવાદ જિલ્લા પંચાયતના સીડીએચઓની બદલી કરવા ખુદ જિલ્લા પંચાયત ભાજપના આરોગ્ય ચેરમેને આરોગ્ય સચિવ સહિત મંત્રી સુધી રજૂઆત કરી આક્ષેપ કર્યો છે કે, સીડીએચઓએ 1.5 કરોડના સેનિટાઇઝરની ખરીદીમાં ખુલાસો આપ્યો નથી. 

જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન જગદીશ મેણિયાએ કહ્યું છે કે, ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર (સીડીએચઓ) સતિષ મકવાણા મનસ્વી રીતે કાર્ય કરે છે. કોરોના જેવી મહામારીમાં ફિલ્ડ વિઝિટ પણ કરતા ન હતા. તેઓ ઓફિસમાં નિયમિત આવતા નથી. માત્ર આરડીડી ઓફિસમાં જ બેસીને કામગીરી કરે છે. જિલ્લાના પદાધિકારીઓને પણ કોઈ પ્રકારની માહિતી આપતા નથી. ગત સામાન્ય સભામાં તેઓ વિરુદ્ધ ઠરાવ પણ થયો હતો છતાં તેમની  કામગીરીમાં કોઈ ફરક પડ્યો નથી, જેથી બંધારણીય રીતે આ જગ્યા પરથી તેમને દૂર કરવા જરૂરી છે. ડીડીઓએ પણ નબળી કામગીરી બદલ તેમને નોટિસ આપી હતી. 

આરોગ્ય ચેરમેને એવો આક્ષેપ કર્યો છે કે, જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગે દોઢ કરોડના સેનિટાઇઝર સહિતની વસ્તુઓ ખરીદી હતી. આ ખરીદીમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનું જાણવા મળતાં સીડીએચઓ પાસે ખુલાસો મગાયો હતો, પરંતુ હજી સુધી તેમણે કોઈ ખુલાસો કે હિસાબ આપ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...