રજૂઆત:12થી ઓછી વયના વિદ્યાર્થી માટે સ્કૂલો ચાલુ ન કરવા માંગ, વાલી મંડળે કહ્યું, ‘કેસ વધતાં સરકાર ઉતાવળ ન કરે’

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળકોની સ્કૂલો ઓફલાઈન શરૂ થાય તો પણ વિદ્યાર્થીઓના આવવા અંગે આશંકા

નાનાં બાળકોના ઓફલાઇન ક્લાસ શરૂ કરવામાં સરકાર ઉતાવળ ન કરે તેવી રજૂઆત વાલી મંડળે કરી છે. વાલી મંડળે માગ કરી છે કે, 12 વર્ષથી નાની વયનાં બાળકોનાં ઓફલાઇન વર્ગો શરૂ કરવામાં સરકારે ઉતાવળ ન કરવી જોઈએ, કારણ કે દિવાળી બાદ કોરોના પોઝિટિવ આવતા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

વાલી મંડળે સરકાર સમક્ષ માગ કરી છે કે, દિવાળી પછી કોરોનાના કેસો વધી રહ્યા હોવાથી નાનાં બાળકો માટે ઓફલાઇન સ્કૂલો શરૂ કરવામાં હાલ ઉતાવળ ન કરવી જોઈએ. સ્કૂલો ઓફલાઇન શરૂ થાય તો પણ વિદ્યાર્થીઓના આવવા અંગે વાલી મંડળે શંકા વ્યક્ત કરી છે. વાલી મંડળે કહ્યું કે, મોટી સંખ્યામાં લોકોએ કોરોનાની રસીનો બીજો ડોઝ પણ લીધો નથી. આ સ્થિતિમાં સ્કૂલો શરૂ કરવામાં વધુ ઉતાવળ કરવી જોઈએ નહીં.

ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે, દિવાળી બાદ કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઉપરાંત શહેર અને ગુજરાતમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા પણ વધી રહી છે. આ સ્થિતિમાં જો રાજ્ય સરકાર વેકેશન પૂરું થયા બાદ તરત જ 12 વર્ષથી નાના બાળકોના વર્ગો ઓફલાઇન શરૂ કરશે તો મુશ્કેલી ઊભી થઈ શકે તેમ છે. આથી રાજ્ય સરકારે આગામી સમયમાં કોરોનાના કેસોની સંખ્યા અને સ્થિતિ સામાન્ય થવાની રાહ જોવી પડશે. જો સરકાર ઓફલાઇન વર્ગો શરૂ કરશે તો પણ વાલી મોકલશે નહીં તો સ્કૂલ ઓફલાઇન શરૂ કરવાનો કોઈ અર્થ રહેશે નહીં.

અન્ય સમાચારો પણ છે...