રાજ્યમાં જે સ્કૂલમાં શિક્ષકોની ઘટ હોય ત્યાં પ્રવાસી શિક્ષકોને મોકલવામાં આવે છે. પ્રવાસી શિક્ષકોને તાસ પ્રમાણે દૈનિક મહેનતાણું આપવામાં આવે છે. આ મહેનતાણામાં 75 થી 150 રૂપિયા સુધીનો વધારો કરવા રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા માંગણી કરાઈ છે. આ મંડળે શિક્ષણમંત્રીને પત્ર લખીને પ્રવાસી શિક્ષકોના દૈનિક મહેનતાણામાં વધારો કરવાની માંગણી કરી છે.
પ્રવાસી શિક્ષકને હાલમાં આટલું વેતન ચૂકવાય છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે હાલમાં પ્રાથમિક શિક્ષણ માટે એક પ્રવાસી શિક્ષકને એક તાસ માટે દૈનિક 50 રૂપિયા આપવામાં આવે છે. જેમાં વધારો કરીને 75 રૂપિયાની માંગણી કરવામાં આવી છે. તેવી જ રીતે માધ્યમિક શિક્ષણના શિક્ષકને એક તાસ માટે દૈનિક 75 રૂપિયા આપવામાં આવે છે. જેમાં વધારો કરી 100 રૂપિયા અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે પ્રવાસી શિક્ષકને 90 રૂપિયાની જગ્યાએ હવે 150 રૂપિયા આપવાની માંગ કરવામાં આવી છે.
સામાન્ય દિવસોમાં 22 દિવસનું શિક્ષણ કાર્ય થતું હોય છે
શાળા સંચાલક મંડળના પત્રમાં જણાવ્યું છે કે, રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કેન્દ્રીય ભરતી સમિતી દ્વારા ભરતી કરવામાં આવતાં કાયમી ફિક્સ પગારી કર્મચારીઓના વેતનમાં અંદાજે 3થી 4 ટકા જેટલો વધારો થયો છે. જે જોતાં પ્રવાસી શિક્ષકોના વેતનમાં પણ વધારો થવો જરૂરી છે. સામાન્ય રીતે રવિવાર અને રજાઓ બાદ કરીએ તો સામાન્ય દિવસોમાં 22 દિવસનું શિક્ષણ કાર્ય થતું હોય છે.
કયા પ્રવાસી શિક્ષકને કેટલું વેતન ચૂકવવું પડે?
રોજના 6 તાસ અને એક કરતાં વધારે વિષય ગણીએ તો એક અઠવાડિયામાં 12 તાસ એક શિક્ષકના ભાગે આવે તો અંદાજે ત્રણ સપ્તાહે ચાલતાં શિક્ષણ કાર્યમાં 36 તાસનું શિક્ષણ કાર્ય તેના ફાળે આવે. આમ 36 તાસ માધ્યમિક શિક્ષણના ગણીએ તો 100 રૂપિયાનું મહેનતાણું ગણતાં 3600 લઘુત્તમ માનદ વેતન ચૂકવવાનું થાય. એજ રીતે ઉચ્ચતર માધ્યમિક શિક્ષકને 36 તાસ લેખે 150 રૂપિયા લેખે 5400 રૂપિયા ચૂકવવાના થાય. સામાન્ય રીતે વર્ષમાં 220 દિવસનું શિક્ષણકાર્ય થતું હોય છે. આ 220 દિવસના શિક્ષણકાર્યમાં માધ્યમિક શિક્ષકને લઘુત્તમ 36 હજાર અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકને લઘુત્તમ 54 હજાર માનદ વેતન અંદાજે ચૂકવવાનું થાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.