સ્કૂલો ઓફલાઇન શરૂ થઇ હોવા છતાં પણ ધો.9થી 12માં પ્રવાસી શિક્ષકોની ફાળવણી ન કરાતા સંચાલક મંડળે કમિશનર ઓફ સ્કૂલને પત્ર લખીને આ અંગે માગ કરી છે. મંડળનો આક્ષેપ છે કે, શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. જો સ્કૂલોમાં શિક્ષકોની ઘટ રહેશે તો બોર્ડનું પરિણામ નબળુ આવશે.
શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ સ્કૂલોમાં જે વિષયના શિક્ષકો ઘટતા હોય ત્યાં હંગામી ધોરણે શિક્ષકોની નિમણૂક કરવામાં આવે છે. આ શિક્ષકોને તાસ પ્રમાણે મહેનતાણું ચૂકવાય છે. મોટાભાગે સ્કૂલની નજીકમાં રહેતા માસ્ટર ડિગ્રી, બીએડની ડિગ્રી ઘરાવતા ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે. હવે ઓફલાઇન શિક્ષણ શરૂ થતાં અને ચાલુ શૈક્ષણિક વર્ષમાં ઘણા શિક્ષકો રિટાયર્ડ થતા હોવાથી તેઓની જગ્યા પણ હાલમાં ખાલી છે.
રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે, સ્કૂલોમાં મુખ્ય વિષયોની જગ્યાઓ ખાલી હોવાથી છ માસિક પરીક્ષામાં શિક્ષકોના અભાવમાં વિદ્યાર્થીઓના પરિણામ પર ખરાબ અસર થઇ છે. ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની સંખ્યા ઘટતા હવે વાલીઓ ખાનગી સ્કૂલોમાં એડમિશન અપાવી રહ્યાં છે. જેના કારણે સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. શિક્ષણ વિભાગ પ્રવાસી શિક્ષકોની નિમણૂક નહીં કરે તો ગ્રાન્ટેડ સ્કૂલોની સ્થિતિ હજૂ પણ બગડી શકે છે.
335 જગ્યા પર નિમણૂક કરાશે
અમદાવાદ શહેર અને ગ્રામ્ય મળીને અંદાજે 335 પ્રવાસી શિક્ષકોની જગ્યા પર ભરતી થશે, જેમાં અમદાવાદ ગ્રામ્યમાં 175 જગ્યા, જ્યારે કે, અમદાવાદ શહેરમાં 160 જગ્યાઓ પર પ્રવાસી શિક્ષકોની આ પહેલાંના વર્ષોમાં ભરતી કરાતી હતી. પ્રવાસી શિક્ષકોએ કોઇ સ્કૂલને હંગામી ધોરણે ફાળવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.