સરકારે આરટીઓમાં થતી વાહન રજિસ્ટ્રેશનની કામગીરી વાહન ડિલરોને સોંપવા નિર્ણય કર્યો છે. જેની સામે વાહન ડિલરોએ અનઇચ્છા વ્યક્ત કરી હતી. આમ છતાં વાહનવ્યવહાર વિભાગ વાહન ડીલરોને આરટીઓની કામગીરી લઇ લેવા સમજાવી રહ્યું છે. જેની સામે રાજ્યના ટુ વ્હીલરનું વેચાણ કરતાં 500 ડીલરોવતી ટુવ્હીલર ડિલર એસોસીએશન ગુજરાતના પ્રતિનીધી મંડળે મંત્રી સમક્ષ વાહન રજિસ્ટ્રેશનની કામગીરી લેવા ઇન્કાર કર્યો છે. મંડળે કહ્યું કે, આરટીઓ મારફત થતી કામગીરી યોગ્ય છે. ડીલરોના શોરૂમ પર ખાનગી સ્ટાફ કામ કરે છે. સ્ટાફ બદલાતો રહે છે. તેવામાં કોઇ ભૂલ થાય તો વાહન ડીલરોની મુશ્કેલી વધે છે.
ગુજરાતમાં 500થી વધુ ઓટોમોબાઇલના વેપારીઓ છે. જેમાં આશરે 50 હજારથી વધુ કર્મચારીઓ છે. આ કામ માટે આરટીઓના કર્મચારીઓ પાસે બહોળો અનુભવ છે. ડિલરો દ્વારા આરટીઓની કામગીરી કરવામાં આવશે તો ઘણી ભૂલો થવાની શક્યતા છે. ઘણી વખત વાહનનો ગુનાહિત પ્રવૃતિમાં ઉપયોગ પણ થયો છે. આવા ગુન્હામાં પોલીસ તપાસમાં વાહન રજિસ્ટ્રેશનની ડિટેઇલ મહત્વની હોય છે.
ટુવ્હીલરના વેચાણમાં 50 ટકાનો ઘટાડો
ટુવ્હીલર ઓટોમોબાઇલ ક્ષેત્ર ગુજરાતમાં છેલ્લા 4 વર્ષથી ખૂબ જ કપરી પરિસ્થિતીમાં પસાર થઇ રહ્યું છે. વાહન વેચાણમાં 50 ટકાનો ઘટાડો થઇ ગયો છે. કોવિડના કારણે મુશ્કેલી વધી છે. આવી વિકટ પરિસ્થિતીમાં ટી.સી.સસ્પેન્ડ કરાય તો વેચાણ ન કરી શકતા ડીલરની નાણાંકિય કન્ડિશન પણ નબળી પડે છે. બેન્ક વ્યાજ અને કર્મચારીઓના પગારની ચૂકવણી થઇ શક્તી નથી. તેના પરિવાર પર સીધી અસર થાય છે. આ ક્ષેત્રમાંથી રાજ્યમાં જીએસટીની 500 કરોડથી વધુની આવક છે. ટી.સી.સસ્પેન્ડથી આવકમાં પણ ઘટાડો થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.