AMC કમિશનરનું નિવેદન:ડેલ્ટા-ઓમિક્રોન એકસાથે જ ફેલાય છે લોકો સાવધ રહે; ગભરાવાની જરૂર નથી, કોર્પોરેશનની હોસ્પિટલોમાં 1860 ઓક્સિજન બેડ તૈયાર છે!

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
લોચન સહેરા, કમિશનર, AMC - ફાઇલ તસવીર - Divya Bhaskar
લોચન સહેરા, કમિશનર, AMC - ફાઇલ તસવીર

શહેરમાં અત્યારે ઓમિક્રોન અને ડેલ્ટા બંને વેરિયન્ટ સમાંતર રીતે ફેલાઇ રહ્યા છે ત્યારે નાગરિકોને કાળજી લેવા માટે મ્યુનિ. કમિશનરે અપીલ કરી છે અને શહેરીજનોને ખાતરી આપી હતી કે, શહેરમાં બીજી લહેરમાં જ્યાં મ્યુનિ. પાસે 661 જેટલા ઓક્સિજન બેડ હતાં તેની સામે અત્યારે મ્યુનિ. સંચાલિત હોસ્પિટલમાં જ 1860 ઓક્સિજન બેડ છે. શહેરમાં હાલ દર 3 દિવસે કોરોના કેસ ડબલ થઇ રહ્યા છે.

મ્યુનિ. કમિશનર લોચન સહેરા અને મેયર કિરીટ પરમાર સહિતના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, હાલ જે રીતે કોરોના ફેલાઇ રહ્યો છે, તેને ધ્યાને લેતા નાગરિકોએ સાવચેતી રાખવી આવશ્યક છે. મ્યુનિ. દ્વારા તમામ પગલાં લેવાઈ રહ્યા છે. ડિસેમ્બરમાં જ્યાં રોજના 6000 ટેસ્ટ થતાં હતાં તેમાં વધારો કરીને હવે 14000 કરવામાં આવ્યા છે. હાલની સ્થિતિમાં 97 ટકા કોરોના દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે, માત્ર 3 ટકા દર્દીઓ જ હોસ્પિટલમાં છે, જો કે તે પણ ગંભીર દર્દીઓ નથી.

બીજી લહેરમાં શહેરમાં જ્યાં 630 જેટલા ઓક્સિજન બેડ હતા તેની સામે અત્યારે મ્યુનિ. સંચાલિત હોસ્પિટલમાં 1860 ઓક્સિજન બેડ છે. તે ઉપરાંત મ્યુનિ. પાસે ઓક્સિજન એકમો પણ વધારે છે, શહેરના સીએચસી સેન્ટરમાં પણ ઓક્સિજન ઉપલબ્ધ છે. શહેરમાં હોમઆઇસોલેશન દર્દીઓનું સતત મોનિટરિંગ થઈ રહ્યું છે. જો તેઓ સામાન્ય હોય તો પછી 7 દિવસ બાદ તેમને હોમ આઇસોલેશનમાંથી મુક્તિ અપાય છે.

5634 એક્ટિવ કેસ, 97% હોમ આઈસોલેશનમાં

  • 5634 કેસ શહેરમાં એક્ટિવ છે.
  • 5500 હોમ આઇસોલેશનમાં.
  • 134 દર્દી જુદી-જુદી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
  • 4 દર્દીઓ વેન્ટિલેટર પર
  • 24 દર્દીઓ ઓક્સિજન પર
  • 108 ક્વોરન્ટાઇન એકમોમાં 977 મકાનોનો સમાવેશ
  • 3938 નાગરિકો ક્વોરન્ટાઇન
  • 193 સંજીવની રથ હોમ આઇસોલેશન લોકોને સારવાર આપે છે
  • 81 ધન્વંતરિ રથ સારવાર માટે દોડે છે
  • 14 હજાર લોકોના બુધવાર કોરોના ટેસ્ટ થયા
  • 17 હજારથી વધારે બેડ 450 હોસ્પિટલમાં ઉપલબ્ધ

એક દિવસમાં 325 લોકોને 16 લાખ મૃત્યુ સહાય ચૂકવાઈ​​​​​​​
કોરોના સહાય માટે ભરાઇને આવેલા ફોર્મની સામે આર્થિક સહાય ચૂકવણીની પ્રક્રિયા પૂરતી ગ્રાન્ટ નહીં હોવાના લીધે ધીમી ગતિએ ચાલી રહી છે. અત્યાર સુધીમાં 8998 મૃતકના પરિવારજનોને આર્થિક સહાય ચૂકવાઇ ગઇ છે. હજુ 4170 અરજીનો નિકાલ બાકી છે. ગુરુવારે એક જ દિવસમાં કોરોના સહાયની 325 અરજીનો નિકાલ કરી રૂપિયા 16.25 લાખ સહાયની અરજદારોના સબંધિત બેંક એકાઉન્ટમાં ઓનલાઇન ચૂકવણી કરી દેવાઇ છે. બુધવાર સુધીમાં 8673ને કોરોના સહાયની ચૂકવણી કરી દેવાઇ છે. આરોગ્ય વિભાગના સત્તાવાર મૃત્યુ આંક મુજબ 3422 મૃતકોના પરિવારજનોમાંથી માત્ર 2646 પરિવારજનોએ જ ફોર્મ ભર્યા છે.

વધુ 35 હજાર બાળકે રસી લીધી
શહેરમાં 15થી 18 વર્ષના વધુ 35,526 બાળકો સહિત કુલ 58,985 લોકોને રસી અપાઈ છે. જેમાં 40085 લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો જ્યારે 18900એ બીજો ડોઝ લીધો હતો. બાળકોને 80 અર્બન હેલ્થ સેન્ટર, 80 ખાનગી સ્કૂલો તથા મ્યુનિ. સ્કૂલોમાં રસી અપાય છે. ઉત્તર ઝોનમાં સૌથી વધુ 9,265 બાળકે રસી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...