કેન્દ્રના નેતાઓની ગુજરાત મુલાકાત:દિલ્હીના CM આજથી બે દિવસ સૌરાષ્ટ્રની મુલાકાતે, વડાપ્રધાન મોદી 28 જુલાઈએ ગુજરાત આવશે

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ( ફાઈલ ફોટો)

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નવેમ્બર અથવા ડિસેમ્બર મહિનામાં યોજાય તેવી શક્યતાઓ છે. ત્યારે રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતના મતદારોની રીઝવવા માટે રાજકીય પક્ષો કમરકસી રહ્યાં છે. ત્યારે કેન્દ્રીય નેતાઓ પણ ગુજરાતમાં આંટાફેરા કરી રહ્યાં છે. અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યાં અને અનેક પ્રોજેક્ટોના લોકાર્પણ કર્યાં. બીજી તરફ આજે દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાત આવી રહ્યાં છે. બે દિવસની ગુજરાત મુલાકાતમાં તેઓ કોઈ નવી ગેરંટી આપે તેવી શક્યતાઓ છે. જ્યારે વડાપ્રધાન મોદી પણ 28 અને 29 જુલાઈએ ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે.

કેજરીવાલ આજે ગુજરાત આવશે
આપના અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે રાજકોટ એરપોર્ટ પર પહોંચશે. જે બાદ 26મી તારીખે સોમનાથ મહાદેવના દર્શન કરશે અને બપોરે રાજકોટમાં વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે. કેજરીવાલ ગુજરાતની આગામી વિધાનસભાની ચુંટણીની રણનીતી ઘડવા માટે વારંવાર ગુજરાતના જુદા જુદા વિસ્તારના પ્રવાસે આવી રહ્યા છે. આ અંગે આપના કાર્યકર્તાઓના જણાવ્યા પ્રમાણે આજે કેજરીવાલ હિમાચલથી ચાર્ટડ પ્લેનમાં સીધા રાજકોટ એરપોર્ટ આવશે. આજે સાંજે તેમનો કોઇ કાર્યક્રમ નથી. એરપોર્ટ પરથી તેઓ ચાર્ટડ પ્લેનમાં જ કેશોદ જવા રવાના થશે. જ્યાંથી તેઓ રોડમાર્ગે સોમનાથ જશે અને ત્યાં રાતે રોકાશે. મંગળવારે સવારે સોમનાથ દાદાના દર્શન કરશે. બપોરે ઉદ્યોગકારો અને વેપારીઓને મળશે.

PM મોદી 28-29 જુલાઈએ ગુજરાતના પ્રવાસે આવશે
વડાપ્રધાન મોદી અગાઉ 15 જુલાઈથી બે દિવસના ગુજરાત આવવાના હતા. જોકે, ભારે વરસાદના કારણે તેમનો ગુજરાત પ્રવાસ મોકુફ રાખવામાં આવ્યો હતો. હવે તે જ તમામ કાર્યક્રમ ફરીથી યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28-29 જુલાઈએ ગુજરાતના પ્રવાસે આવશે. મોદી કચ્છથી લઇને અમદાવાદ સુધી અનેક કાર્યક્રમોમાં જોડાશે. ગાંધીનગર અને સાબરકાંઠાના કાર્યક્રમોમાં હાજરી આપશે. મોદીના ગાંધીનગરના કાર્યક્રમની વાત કરીએ તો, તેઓ GIFT સિટીની પણ મુલાકાત લેશે. GIFT સિટીની શરુઆત ગાંધીનગરના મહાત્મા મંદિરથી કરવામાં આવી હતી. તેઓ ગાંધીનગરમાં બુલિયન એક્સચેન્જની પણ મુલાકાત લેવાના છે. તેમનો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પણ કાર્યક્રમ યોજાવાનો છે. હિંમતનગરમાં સાબરડેરીના કાર્યક્રમમાં તેઓ હાજર રહેવાના છે.

અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે હતાં
બે દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ તથા સહકારી મંત્રી અમિત શાહે 210 કરોડથી વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું હતું. તેમજ આગામી સમયમાં અમદાવાદ શહેરમાં નવા 14 તળાવો અને ગાંધીનગર મતક્ષેત્રમાં નવા 1200 તળાવો બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. તેમના હસ્તે બોપલ અને ઘુમાના ઘરેઘરમાં નર્મદાનું શુદ્ધ પાણી પહોંચાડવાના પ્રકલ્પનું લોકાર્પણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...