ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજકીય પક્ષોના રાષ્ટ્રીય નેતાઓની ગુજરાત મુલાકાત પણ વધી રહી છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહ સહિત દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ તથા રાહુલ ગાંધીની રેલીઓનું આયોજન થવા માંડ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં 6 ઝોનમાં 15 મેથી પરિવર્તન યાત્રા શરૂ કરવામાં આવી છે. તેના સમાપન પ્રસંગે કેજરીવાલ આજે અમદાવાદ આવી રહ્યાં છે. જ્યારે 12મી જૂનએ આદીવાસી સત્યાગ્રહ યાત્રાના સમાપનમાં આવનારા રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ ઘોંચમાં પડ્યો છે.
કેજરીવાલ આજે બપોરે 3 વાગે અમદાવાદ પહોંચશે
આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં 6 ઝોનમાં 15 મેથી પરિવર્તન યાત્રા શરૂ કરવામાં આવી છે. જેના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં કેજરીવાલ આજે બપોરે ત્રણ વાગે અમદાવાદ એરપોર્ટ પર આવશે. એરપોર્ટથી સીધા જ મહેસાણા જવા રવાના થશે. ત્યાં જુના બસ સ્ટેન્ડ પાસે "તિરંગા યાત્રા” માં જોડાશે. "તિરંગા યાત્રા” પૂર્ણ થયા બાદ તેઓ સીધા અમદાવાદ આવશે અને એરપોર્ટથી સીધા દિલ્હી જવા રવાના થશે.ગુજરાતમાં છેલ્લા 2 મહીનામાં કેજરીવાલનો આ ચોથો પ્રવાસ હશે.
નવસારીના વાંસદામાં 12મી જૂને રેલી કરવાના હતાં
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી નવસારીના વાંસદામાં 12મી જૂને રેલી કરવાના હતાં. તેમના આ કાર્યક્રમ માટે કોંગ્રેસ દ્વારા મોટું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું હજી સુધી હાઈકમાન્ડ તરફથી કોઈ કન્ફર્મેશન મળ્યું નથી. જેના કારણે ઐતિહાસિક બારડોલી સત્યાગ્રહ દિવસની ઉજવણી નિમિત્તનો આ કાર્યક્રમ પાછો ઠેલાય તેવી શક્યતાઓ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસે રાહુલ ગાંધીની ચાર ઝોનમાં જાહેર સભા માટે તૈયારીઓ કરી હતી.આ કાર્યક્રમ માટે કોંગ્રેસના નેતાઓને જવાબદારીઓ પણ સોંપાઈ હતી પણ હજી સુધી હાઈકમાન્ડ તરફથી કોઈ કન્ફર્મેશન નહીં મળવાથી કાર્યક્રમ પાછો ઠેલાય તેવી શક્યતાઓ છે.
40 બેઠકો પર કોંગ્રેસ દ્વારા ચોપાલના કાર્યક્રમો
તાજેતરમાં જ રાહુલ ગાંધીને ED તરફથી સમન્સ મળ્યું હતું. જેથી તેઓ ED સમક્ષ હાજર થાય તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત વિદેશ પ્રવાસથી રાહુલ ગાંધી થોડા સમય પહેલાં જ પરત ફર્યા હોવાથી આ કાર્યક્રમોમાં ફેરફાય થવાનું કોંગ્રેસના સુત્રો માની રહ્યાં છે. હવે આ કાર્યક્રમો માટેની નવી તારીખ માટે ગુજરાત કોંગ્રેસના નેતાઓ હાઈકમાન્ડ સાથે મસલત કરશે. રાહુલ ગાંધીએ છેલ્લે 10મી મેના રોજ દાહોદમાં આદિવાસી અધિકાર સત્યાગ્રહ સંમેલનમાં હાજરી આપી હતી. ત્યાર બાદ આદિવાસી પટ્ટાની 40 બેઠકો પર કોંગ્રેસ દ્વારા ચોપાલના કાર્યક્રમો શરૂ કરાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.