મિશન ગુજરાત 2022:અમદાવાદમાં કેજરીવાલ બોલ્યા, 'આપણે વિપક્ષમાં નથી બેસવાનું પણ સરકાર બનાવવાની છે', કોંગ્રેસ-ભાજપ પર પણ કર્યા આકરા પ્રહાર

અમદાવાદ3 મહિનો પહેલા

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજથી 2 દિવસની ગુજરાત મુલાકાતે આવ્યાં છે. અમદાવાદમાં તેમણે નરોડા મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટમાં આમ આદમી પાર્ટી ગુજરાતના સંગઠનના 7500 જેટલા પદાધિકારીઓને શપથ લેવડાવ્યા હતા. આ સાથે જ કોંગ્રેસ અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

દરેક બુથ પર 10-10 કાર્યકરોનું સંગઠન બનાવશે AAP
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નવનિયુક્ત પદાધિકારીઓને શપથ લેવડાવતાં જણાવ્યું હતું કે, આજે ઇમાનદારીની શપથ લેવાની છે. આજે ઇમાનદારી, કટ્ટર દેશભક્તિ, ઇન્સાનીયતની શપથ લેવાની છે. કોંગ્રેસ સંગઠનથી અનેકગણું મોટું સંગઠન બની ગયું છે. કોંગ્રેસ કાગળ પર છે. આજે વિધાનસભા સ્તરનું સંગઠન છે. એક અઠવાડિયા બાદ દરેક બુથ પર 10-10 કાર્યકરનું સંગઠન બનશે. 2 મહિનામાં ભાજપથી મોટું સંગઠન બનશે.

કોંગ્રેસ અને ભાજપ પર કર્યા આકરા પ્રહાર
તેમણે કહ્યું કે, હજારો લોકો પૈસા બીજી પાર્ટીમાંથી લઈ અને કામ આમ આદમી પાર્ટી માટે કરશે. ભાજપ પાસે પેઇડ કાર્યકરો છે. બીજી પાર્ટી ગુંડાઓની પાર્ટી છે આમ આદમી શરીફની પાર્ટી છે. 57 ધારાસભ્ય કોંગ્રેસ છોડીને ગયા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસને એકપણ વોટ ન પડવો જોઈએ. જે લોકો ભાજપને હટાવવા માંગે છે પરંતુ કોંગ્રેસને વોટ નથી આપતા. જે લોકો ભાજપથી નારાજ છે તેઓના દરેક વોટ આમ આદમી પાર્ટીને મળવા જોઈએ.

તેમણે ઉમેર્યું કે, આપણે વિપક્ષ બેસવાનું નથી પરંતુ સરકાર બનાવવાની છે. ભાજપે ડેલીગેશન મોકલ્યું, પોલ ખોલવા માટે બે દિવસ ત્યાં ફર્યા પરંતુ કોઈ સ્કૂલ કે હોસ્પિટલમાં કંઈ ન મળ્યું. 4 વાગ્યાની પ્રેસ રાખી અને બાદમાં કેન્સલ કરવી પડી. ગુજરાત આવી પ્રેસ કોન્ફરન્સ કરવાની વાત કરી પણ અહીંયા પણ ન કરી. ગુજરાતમાં કોંગ્રેસનું કોઈ કેમ્પેઈન નથી. મિત્રો તમારાથી બહુ આશા છે. લોકો બદલાવ ઈચ્છે છે પરંતુ વિકલ્પ નહોતો. મહેનત કરવાની છે. પૂરો વિશ્વાસ છે કે ભગવાન સાથે છે.

સંગઠનમાં 7500 પદાધિકારીઓને શપથ લેવડાવ્યા
અરવિંદ કેજરીવાલે શપથ ગ્રહણ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના બીજા સૌથી મોટા સંગઠનમાં 7500 પદાધિકારીઓને શપથ લેવડાવ્યા હતા. જેમાં હાલમાં 6000 થી વધુ પદાધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે અને આ પહેલા 1500 લોકોનું સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં ફ્રી વીજળી મુદ્દે કેજરીવાલ ચર્ચા કરશે
આમ આદમી પાર્ટીએ ગુજરાતના ગામડાઓ અને શહેરોમાં ફ્રી વીજળી આંદોલન શરૂ કર્યું છે.જેમાં અમારો મુદ્દો છે કે જો દિલ્હી અને પંજાબની જનતાને મફત વીજળી મળી શકે છે તો ભ્રષ્ટ ભાજપ સરકાર ગુજરાતની જનતાને મફત વીજળી કેમ નથી આપી રહી? વીજળી મુદ્દે પણ અરવિંદ કેજરીવાલ કાર્યક્રમ કરવાના છે. બીજા દિવસે 4 જુલાઈના રોજ સવારે 11 વાગ્યે વીજળીના મુદ્દે વૈષ્ણવદેવી સર્કલ પાસે ટાઉન હોલ કાર્યક્રમ યોજશે. જેમાં ગુજરાતમાં ફ્રી વીજળી મુદ્દે તેઓ ચર્ચા કરશે. આ સાથે ગુજરાતને લગતી જે પણ મહત્વની સમસ્યા છે, પછી તે આદિવાસી સમાજની સમસ્યા હોય, ગરીબ અને વંચિત લોકોની સમસ્યા હોય કે ખેડૂતોની સમસ્યા હોય, આ તમામ સમસ્યાઓ પર અરવિંદ કેજરીવાલ સાથે મહત્વપૂર્ણ વાતચીત થશે. ત્યારબાદ દિલ્લી જવા તેઓ રવાના થશે.

ભાજપનું પ્રતિનિધિમંડળ દિલ્હીમાં ફર્યું પણ કોઈ ખામી હાથ ન લાગી
કેજરીવાલે કહ્યું કે, ભાજપનું પ્રતિનિધિમંડળ આમ આદમી પાર્ટીનાં કામોમાં ખામીઓ કાઢવા માટે દિલ્હી આવ્યું હતું, પરંતુ બે દિવસના ધક્કા ખાધા બાદ પણ તે લોકોને દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા કરેલા કામોમાં કોઈ ખામી ન દેખાઈ. છેવટે તેમણે પ્રેસ કોન્ફરન્સ જ રદ કરવી પડી.

ગુજરાતમાં લોકો ભાજપથી નારાજ, પણ કોંગ્રેસને મત આપતા નથી : કેજરીવાલ​​​​​​​
કેજરીવાલે કહ્યું કે, ગુજરાતમાં લોકોને હવે કોંગ્રેસથી કોઈ આશા નથી. ગુજરાતમાં મોટી સંખ્યામાં લોકો આજે ભાજપથી નારાજ છે, પરંતુ તેઓ કોંગ્રેસને વોટ નથી આપતા. આવી દરેક વ્યક્તિ આમ આદમી પાર્ટીને મત આપે એવું કામ કાર્યકર્તાઓએ કરી બતાવવાનું છે. પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી સંદીપ પાઠકે કહ્યું કે, ભાજપ એમ કહે છે કે, એમના પાસે પેજ પ્રમુખો સુધીનું સંગઠન છે, પરંતુ હું દાવા સાથે કહું છું કે આ મોટું જૂઠ છે.

અન્ય સમાચારો પણ છે...