અમિત શાહ ગુજરાતના CM પદનો ચહેરો બનશે?:કેજરીવાલે ચૂંટણી સમયે ટ્વીટ કરી ચૂંટલો ખણ્યો, ભાજપે કહ્યું-ટ્વીટનો જવાબ ના હોય, AAP બોલી-અમિતભાઈ કે ગમે એ ભાઈ આવી જાય

અમદાવાદ3 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારી મામલે આપ કોંગ્રેસ અને ભાજપ કરતા આગળ ચાલી રહી છે. 10 ઉમેદવારોના નામ પણ જાહેર કરી ચૂકી છે, ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ભાજપને ચૂંટલો ખણતા ટ્વીટ કર્યું કે, આપ ગુજરાતમાં તેજીથી આગળ વધી રહી છે, ભાજપ હડબડાટમાં છે. શું ખરેખર આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ગુજરાતમાં અમિત શાહજીને મુખ્યમંત્રીનો ચહેરો બનાવવા જઈ રહ્યો છે? ભૂપેન્દ્રભાઈ પટેલના કામથી ભાજપ પણ નારાજ છે?

અમારે માટે આવો કોઈ મુદ્દો નથી: યમલ વ્યાસ
અરવિંદ કેજરીવાલે ચૂંટણી પહેલા ભાજપને જોરદાર ચૂંટલી ખણી લેતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ મામલે ભાજપનું કહેવું છે કે, મનફાવે એવા ટ્વીટ અને નિવેદનોના જવાબ આપવા ભાજપનું કામ જ નથી. આ મામલે ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે કહ્યું કે, અમારે માટે આવો કોઈ મુદ્દો નથી. પ્રજાના કામો અને વિકાસ સાથે ભાજપ આગળ વધી રહ્યો છે. ચૂંટણી આવે એટલે બીજા પક્ષ આવા મનફાવે એવા નિવેદનો કરે છે. પરંતુ એનાથી ભાજપ કે જનતાને કોઈ ફરક પાડવાનો નથી. ભાજપ પ્રજા વચ્ચે છે અને પ્રજા ભાજપ સાથે જ છે. કોઈ ના કહેવાથી કંઈ થઈ જવાનું નથી.

મનોહર પારિકર CM બની શકે તો અમિત શાહ કેમ નહીંઃ ગોપાલ ઇટાલિયા
આ અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ દિવ્યભાસ્કરે પૂછ્યું કે, અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી પદ છોડી મુખ્યમંત્રી કેમ બને? જેના જવાબમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, કેન્દ્રીય સંરક્ષણમંત્રી મનોહર પારિકર ગોવા જેવા રાજ્યના મુખ્યમંત્રી બન્યા જ હતા, ગોવાનો દાખલો છે નજર સામે.

‘અમિત શાહ મુખ્યમંત્રી બને કે ગમે એ બને કોઈ ફાયદો નથી’
અમિત શાહ મુખ્યમંત્રી બને એમા ગુજરાતને શું ફાયદો? જેના જવાબમાં ઇટાલિયાએ જણાવ્યું કે, ગુજરાતને ભાજપની સરકાર બને એમા જ કોઈ ફાયદો નથી, પછી અમિત શાહ મુખ્યમંત્રી બને કે ગમે એ બને. ભાજપની સરકારથી કોઈ ફાયદો થવાનો નથી. આગામી સમયમાં આમ આદમી પાર્ટીની સરકાર બને તો જ ગુજરાતની જનતાને સારા દવાખાના મળશે અને ભ્રષ્ટાચાર નાબુદી થશે. શું 2027માં બનશે આપની સરકાર? ના નેક્સ્ટ ટાઈમ એટલે 2022માં જ સરકાર બનશે.

અમિત શાહ અને કેજરીવાલ.
અમિત શાહ અને કેજરીવાલ.

‘ભાજપની સરકાર જ નથી બનવાની, અમિતભાઈ કે ગમે એ ભાઈ આવે’
જો અમિત શાહ મુખ્યમંત્રી બને તો ભાજપને શું ફાયદો? જેના જવાબમાં આપના પ્રદેશ પ્રમુખે કહ્યું કે, આ વખતે ભાજપની સરકાર જ નથી બનવાની પછી અમિતભાઈ કે ગમે એ ભાઈ આવી જાય. લોકોએ ભાજપનો અહંકાર ઉતારવાનું લોકોએ નક્કી કરી લીધું છે અને આ વખતે આ લોકોમાંથી એક જ અવાજ આવી રહ્યો છે કે આ લોકોને સબક શીખવાડો અને કેજરીવાલને અને આમ આદમી પાર્ટીને એક મોકો આપો.

‘પ્રજાને નિર્ણાયક વ્યક્તિ બતાવવા અમિત શાહને મૂકી શકે છે’
ટ્વીટમાં અમિત શાહનું નામ કેમ? જેના જવાબમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, એ તો ભાજપની વાત છે જે અરવિંદજીને સોર્સથી ધ્યાનમાં આવી છે અને તેમણે દેશ સમક્ષ મૂકી છે. અમિતભાઈને મૂકવા પાછળનો તર્ક શું? તર્ક એ કે ભાજપ પાસે કોઈ એસ્ટાબ્લિશ્ડ ચહેરો નથી. નિર્ણાયક વ્યક્તિ કોઈ નથી, ખુદ મુખ્યમંત્રી નિર્ણાયક વ્યક્તિ નથી. નિર્ણયો લેવાની સત્તા જ મુખ્યમંત્રી પાસે નથી. નિર્ણાયક વ્યક્તિ એમની પાસે છે એવું બતાવવા અમિત શાહને મૂકી શકે.

‘ચૂંટણી જાહેર થાય એટલે તમારી સામે ચહેરો આવી જશે’
આમ આદમી પાર્ટી પાસે ક્યાં કોઈ નિર્ણાયક વ્યક્તિ છે? ચૂંટણી જાહેર થાય એટલે તમારી સામે ચહેરો આવી જશે. અમિતભાઈને, ભૂપેન્દ્રભાઈને કે જીતુભાઈ વાઘાણીને ગમે એ ને મૂકે અમારી સ્ટ્રેટેજી સિમ્પલ છે લોકો પાસે જવાનું છે. એક જ વાત કહેવાની છે કે, અમે દવાખાના બનાવીશું, શાળા બનાવીશું. અમને એકવાર મોકો આપો.

‘ભાજપ હવે આમ આદમી પાર્ટીથી ડરી ગયો છે’
ગોપાલ ઇટાલિયાએ અંતે કહ્યું કે, આમ આદમી પાર્ટીને ગુજરાતમાં જે રીતે સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેને લઇ ભારતીય જનતા પાર્ટીમાં હડકંપ મચી ગયો છે, તેઓ ગભરાઈ ગયા છે. જેથી હવે તેઓ અમિત શાહને ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે બેસાડે તેવી અમને ભાજપના અંદરના સૂત્રોમાંથી માહિતી મળી છે. ભાજપ હવે માત્ર આમ આદમી પાર્ટીથી ડરી ગયો છે, કારણ કે કોંગ્રેસ તો ઇડીથી ડરી ગઈ છે. આમ આદમી પાર્ટીને મળતા જનસમર્થનથી ભાજપ હવે વિધાનસભાની ચૂંટણી જીતવા ગમે તે રીતે ધાક-ધમકી વગેરેથી અમિત શાહને મુખ્યમંત્રી બનાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...