કેજરીવાલ અમદાવાદમાં:કેજરીવાલે સર્કિટ હાઉસમાં ગુજરાતી ભોજનનો સ્વાદ માણ્યો, પ્રદેશ માળખામાં ફેરફાર થવાની શક્યતા

અમદાવાદ4 મહિનો પહેલા
  • સાંજે 5 વાગ્યાની આસપાસ દિલ્હી જવા રવાના થશે
  • અરવિંદ કેજરીવાલે ઈશુદાનને ખેસ પહેરાવી આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો
  • સિસ્ટમની ગંદકી દૂર કરવા મારે રાજનીતિમાં ઉતરવું પડ્યું છે: ઈશુદાન

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે. આપના કાર્યકરો દ્વારા અમદાવાદ એરપોર્ટ પર કેજરીવાલનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. નવરંગપુરા ખાતે નવા પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ બપોરે સર્કિટ હાઉસ પહોંચ્યાં હતા. સર્કિટ હાઉસમાં તેઓએ ગુજરાત પ્રદેશના નેતાઓ સાથે સાદું ભોજન લીધું હતું. રોટલી, મગનું શાક, દાલ ભાત, છાશ અને પાપડનું સાદું ભોજન તેઓએ લીધું હતું. ભોજન બાદ તેઓએ ગુજરાત પ્રદેશ અને સંગઠનની ટીમ સાથે બેઠક કરી છે. આ બેઠક બાદ પ્રદેશ માળખામાં ફેરફાર થવાની શક્યતા છે.

કેજરીવાલના આગમનને પગલે આપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરમાં ઠેર ઠેર બેનર પણ લગાવ્યા હતા. કેજરીવાલના સ્વાગતને લઈને અમદાવાદ શહેર પ્રમુખ જે. જે મેવાડા, ભેમાભાઈ ચૌધરી અને અન્ય કાર્યકરો એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અધિકારી સહિત 40 જેટલાં કર્મીઓ ગોઠવાયા ગયા હતા. એરપોર્ટ પર કાર્યકરોની પાંખી હાજરી જોવા મળી હતી.

કેજરીવાલના ભાજપ-કોંગ્રેસ પર પ્રહાર
* ગુજરાતની ખરાબ હાલત પાછળ ભાજપ-કોંગ્રેસનું કારસ્તાન છે
* ભાજપને જરૂર પડી ત્યારે કોંગ્રેસે માલ સપ્લાય કર્યો છે.
* 27 વર્ષ બંને પાર્ટીની મિત્રતાની છે અને કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે.
* ગુજરાતના ખેડૂતો આત્મહત્યા કરે છે, સરકારી સ્કૂલોની હાલત ખરાબ છે.
* બંને પાર્ટીઓએ કોરોનામાં ગુજરાતને અનાથ છોડી દીધું છે.
* દિલ્લીમાં જો વીજળી ફ્રી છે તો ગુજરાતમાં વીજળી મોંઘી કેમ છે
* 2022 વિધાનસભામાં 182 સીટ પર ચૂંટણી આમ આદમી પાર્ટી લડશે
* ગુજરાતમાં યુવા બેરોજગાર, સારું શિક્ષણ નથી તેમજ સરકારી હોસ્પિટલ, સ્કૂલો ખરાબ છે
* ગુજરાતની રાજનીતિ ખરાબ છે, બંને પાર્ટીઓ સાથે મળી ચૂંટણી લડે છે
* ગુજરાતનું મોડલ ગુજરાતમાં જ રહેશે.ગુજરાતના લોકો પોતાનું મોડલ ખુદ તૈયાર કરશે

દેશની આઝાદીમાં ગુજરાતીઓના યોગદાનમાં 'સરદાર'નું જ નામ લીધું
કેજરીવાલે દેશની આઝાદી અને ત્યારબાદ તેના નિર્માણમાં ગુજરાતીઓના યોગદાનને બિરદાવ્યા હતા. જો કે, આ વેળાએ તેમણે વ્યૂહાત્મક રીતે ફક્ત સરદાર વલ્લભભાઈ પટેલનું જ નામ લીધું હતું. બાકી, મહાત્મા ગાંધી સહિત અન્ય કોઈ ગુજરાતી નેતાઓના નામ લીધા નહોતા. કેજરીવાલે કહ્યું હતું કે, દેશને આઝાદી અપાવવામાં ગુજરાતી નેતાઓ જ નહીં, ગુજરાતી આમઆદમીનું પણ મહત્ત્વનું યોગદાન હતું. દેશ આઝાદ થયો તે પછી 500થી વધુ રજવાડાઓને એક કરીને સરદારે ખરા અર્થમાં દેશને એક કર્યો હતો. સરદારના યોગદાન વિના આજે જે ભારત છે તે બની શક્યું ન હોત.

આ પણ વાંચો:કેજરીવાલની મુલાકાત અને ગતિવિધિઓનું ધ્યાન રાખવા IBની સાથે નેતાઓને પણ એક્ટિવ

રાજનીતિની ગંદકી દૂર કરીશું: ઈશુદાન
રાજનીતિની ગંદકી દૂર કરીશું: ઈશુદાન

જનતાએ મને બહુ પ્રેમ આપ્યો, જેથી મેં રાજકારણમાં આવવાનું નક્કી કર્યું: ઈશુદાન
પ્રેસ કોન્ફ્રન્સ ઈશુદાને જણાવ્યું કે, જનતાએ મને બહુ પ્રેમ આપ્યો છે. 15-16 વર્ષથી પત્રકાર તરીકે વિચાર્યુ ન હતું કે હું આ સ્ટેજ પર હોઈશ. એક પત્રકાર તરીકે લોકોને લાભ અપાવી શકીએ એવો મેં પ્રયાસ કર્યો છે. એક સમય એવો પણ આવ્યો જ્યારે વાલીઓ, વેપારી, ખેડૂતોના મુદ્દાઓ પર ચર્ચા કરી. વ્યક્તિ જેવો હોય એવો જ રહેવો જોઈએ. મને લાગ્યું હવે બમણી મહેનત કરવી પડશે જેથી મેં રાજકારણમાં આવવાનું નક્કી કર્યું છે. હવે પ્રજાનું શુ થશે? એવી પીડા થતી હતી. સાથે જ સિસ્ટમની ગંદકી દૂર કરવા મારે રાજનીતિમાં ઉતરવું પડ્યું છે. હવે ગુજરાતમાં ઇતિહાસ બદલવા જઈ રહ્યો છે. બનતી કોશિશ કરીશ કે રાજનીતિની ગંદકી દૂર કરીશું. કોંગ્રેસ પણ આમા નબળી પડી છે જેથી જનતાને વિકલ્પ જોઈએ છે.

વલ્લભ સદન હવેલીમાં એન્ટ્રી પહેલા અધિકારીઓના બુટ, ચંપલ બહાર કઢાયાં
આશ્રમ રોડ પર આવેલા વલ્લભ સદન હવેલી મંદિરમાં અરવિંદ કેજરીવાલની પ્રેસ કોનફરન્સ રાખવામાં આવી છે. કોનફરન્સને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. પ્રેસ કોનફરન્સ મંદિરમાં હોવાથી તમામ પત્રકારો, કેમેરામેન, આમ આદમીના નેતાઓ, કાર્યકર્તાઓ સહિતના હાજર લોકો પ્રેસ કોનફરન્સ રૂમમાં બુટ, ચંપલ બહાર કાઢીને આવ્યા હતા. પરંતુ બી ડિવિઝન એસીપી એલ.બી ઝાલા અને ગુજરાત યુનિવર્સિટી પીઆઇ વી.જે જાડેજા અને ગનમેન મંદિરમાં પ્રેસ કોનફરન્સ હોલમાં બુટ પહેરીને આવ્યા હતા. મંદિરમાં બુટ ચંપલ પહેરીને પ્રવેશની મનાઈ હોય છે. પોલીસ બંદોબસ્તમાં હાજર અન્ય અધિકારીઓ પણ બહાર બુટ કાઢીને આવ્યા હતા.

ના માસ્ક ના સોશિયલ ડિસ્ટન્સ
આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદની મુલાકાતે છે જેમાં અનેક લોકો આજે આપમાં જોડાવામાં છે. એરપોર્ટથી અરવિંદ કેજરીવાલ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. સર્કિટ હાઉસ અનેક કાર્યકર્તાઓ કેજરીવાલના સ્વાગત માટે આવ્યા હતા. કેજરીવાલ આવતા જ અનેક કાર્યકરો સ્વાગત માટે ઉમટી પડ્યા હતા. સ્વાગત કરવા જતાં કાર્યકરો કોરોના અને સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા હતા. કાર્યકરોએ ઉત્સાહમાં કેજરીવાલનું સ્વાગત કર્યું પરંતુ મોટી સંખ્યામાં ટોળાના સ્વરૂપે પણ ભેગા થયા હતા જે હાલની પરિસ્થિતિમાં હિતાવહ નથી. સ્વાગત બાદ સર્કિટ હાઉસમાં કાર્યકરોએ સાથે મળીને ફોટો શેસન પણ કરાવ્યું હતું, પરંતુ તેમાં પણ તમામ લોકો નિયમો નેવે મૂકીને ફોટા પડાવતા નજરે પડ્યા હતા. તમામ લોકો એકબીજાથી અંતર જાળવ્યા વિના જ ફોટા પડાવી રહ્યા હતા.

નવરંગપુરામાં મહિલા કાર્યકરો ગરબે ગુમ્યાં
નવરંગપુરા પાર્ટી કાર્યાલય બહાર સ્વાગત માટે રોડ પર ગુલાબથી આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકર બબીતા જૈન અને અન્ય મહિલા કાર્યકરો દ્વારા સુસ્વાગતમ અરવિંદ કેજરીવાલ લખ્યું હતું. મહિલા કાર્યકરો દ્વારા બહાર ગરબા કરી અને ઢોલ નગારા વગાડી અને સ્વાગત કરવામાં આવશે.અરવિંદ કેજરીવાલના આગમન પહેલા આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ નવા પ્રદેશ કાર્યાલયની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. કેજરીવાલે ગઈકાલે એક ટ્વીટ કરીને કહ્યું હતું કે, હું આવતીકાલે ગુજરાત આવી રહ્યો છું. તેમના આ પ્રવાસથી ગુજરાતના રાજકારણમાં અનેક ટ્વિસ્ટ અને ટર્ન્સ આવે એવી પુરી શક્યતા છે.

આપનું સંગઠન વધુ મજબૂત બનાવવા માટે વધુ લોકોને જોડવામાં આવશે
આપનું સંગઠન વધુ મજબૂત બનાવવા માટે વધુ લોકોને જોડવામાં આવશે

કોંગ્રેસ, ભાજપ અને આપની 2022ના ચૂંટણી જંગની તૈયારી
જ્યારે કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ સહિત કેટલાક નેતાઓની વરણી, ભાજપમાં પ્રભારી ભુપેન્દ્ર યાદવની ત્રણ દિવસીય ગુજરાત મુલાકાત અને 15 જૂને ધારાસભ્યોની બેઠક મળવાની છે. જેની વચ્ચે હવે આમ આદમી પાર્ટી પણ સક્રિય થઈ છે. 14 જૂને આપના નેશનલ કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે. અરવિંદ કેજરીવાલે આ પ્રવાસના એક દિવસ અગાઉ ગુજરાતીમાં ટ્વીટ કર્યું કે "હવે બદલાશે ગુજરાત. કાલે હું ગુજરાત આવી રહ્યો છું. ગુજરાતના બધા ભાઈ-બહેનને મળીશ".