મસ્કતથી ગુજરાતની સીધી ફ્લાઇટ શરૂ કરવા માંગ:ફ્લાઇટ ન મળવાથી ડેલિગેશનના ત્રણ લોકો ગેરહાજર રહ્યા, 2 સભ્યોએ ફ્લાઇટ શરૂ કરવા મુખ્યમંત્રી સમક્ષ કરી રજૂઆત

ગાંધીનગરએક મહિનો પહેલા
ફ્લાઇટની પ્રતિકાત્મક તસવીર અને ઇન્સેટમાં મસ્કત ગુજરાતી સમાજના કન્વીનર ચંદ્રકાન્ત ચોથાણી.

ગુજરાતના વિકાસમાં વિદેશમાં વસતા ગુજરાતીઓનો સિંહ ફાળો રહેલો છે ત્યારે મસ્કતમાં રહેતા ગુજરાતી પરિવારોને અનેક ઘણી રાષ્ટ્ર સેવા છતાં પણ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. મસ્કતથી ગુજરાત ખાતે આવતી સીધી ફ્લાઇટ સેવા ઘણા સમયથી બંધ પડવાને કારણે મસ્કતમાં રહેતા ગુજરાતી પરિવારો અનેક અડચણનો સામનો કરી રહ્યા છે. આ અંગેની જ રજૂઆત કરવા માટે મસ્કતથી ગુજરાતી સમાજનું ડેલિગેશન સચિવાલય ખાતે આવ્યું હતું. પરંતુ ડેલીગેશન ના સભ્યો પણ પૂરતી સંખ્યામાં તેમને પડી રહેલી અડચણ ના કારણે જ હાજર રહી શક્યા નહોતા.

ગાંધીનગર સચિવાલય ખાતે સ્વર્ણિમ સંકુલ-1માં 5 જાન્યુઆરીના રોજ સવારે 10.30 વાગ્યે નાગરિક ઉડ્ડયન મંત્રી બળવંતસિંહ રાજપૂત અને 12 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત સાથે પોતાને પડી રહેલી રજૂઆત કરવા માટે મસ્કતથી ગુજરાતી સમાજનું એક ડેલિગેશન આવ્યું હતું. ડેલિગેશનના સભ્યોએ બંને નેતાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી અને મસ્કતમાં રહેતા ગુજરાતી પરિવારોને પડી રહેલી અડચણ અંગે વિનંતી કરી અને તેમની તકલીફ દૂર કરવા આજીજી કરી હતી.

ફ્લાઇટ ન મળતા ડેલિગેશન ના પૂરતા સભ્યો હાજર ન રહી શક્યા
મસ્કત ગુજરાતી સમાજના કન્વિનર ચંદ્રકાન્ત ચોથાણીએ જણાવ્યું કે, કુલ પાંચ લોકો રજૂઆત કરવા આવવાના હતા પરંતુ તે પૈકી માત્ર બે જ લોકો આવી શક્યા હતા. બાકીના 3 લોકો ગુજરાત એટલા માટે આવી નથી શક્યા કેમ કે તેમને યોગ્ય સમયે ફ્લાઈટની સુવિધા ઉપલબ્ધ ન થઈ શકી. આમ, 5 લોકોના ડેલિગેશન પૈકી માત્ર બે લોકો જ ગુજરાત સરકારને રજૂઆત કરી શક્યા હતા.

22 વર્ષથી રજૂઆત કરે છે
મસ્કત ખાતે વસતા ગુજરાતી સમાજના લોકો છેલ્લા 22 વર્ષથી આ રજૂઆત લઈ વારંવાર સરકારને રજૂઆત કરે છે, તેમ છતાં તેમની સમસ્યાનો અંત આવ્યો નથી. વર્તમાનમાં ગુજરાત અને કેન્દ્ર એમ બંને સ્તરે ભાજપ સરકાર છે ત્યારે ડબલ એન્જિનની ભાજપ સરકાર મસ્કત ગુજરાતી સમાજની તકલીફોનો નિવેડો લાવે તેવી મસ્કત ગુજરાતી સમાજને અપેક્ષા છે.

ડેડ બોડી લાવવા 48 કલાક થાય છે
મસ્કત ગુજરાતી સમાજે કરેલી લેખિત રજૂઆત અને દિવ્ય ભાસ્કર સાથે કરેલી વાતચીત માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કોઈ બીમાર વ્યક્તિ હોય કે કોઈ ઈમરજન્સી દરમિયાન પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ક્યારેક ડેડબોડી લાવવા માટે 48 કલાક કરતાં પણ વધારે સમય વેડફાય છે ત્યારે આ મુશ્કેલીને સરકાર સમજશે તેવી આશા સાથે મસ્કત ગુજરાતી સમાજે સરકારને રજૂઆત કરી છે.

મસ્કતથી ગુજરાતની સીધી ફ્લાઇટ શરૂ કરવા રજૂઆત
મસ્કત ગુજરાતી સમાજના કન્વીનર ચંદ્રકાન્ત ચોથાણીએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, મસ્કતથી ગુજરાત આવવા માટે સીધી ફ્લાઈટ હતી. જે માત્ર બે કલાકમાં જ અમદાવાદ ખાતે આવી જતી હતી. પરંતુ કોરોનાકાળ બાદ આ ફ્લાઇટ સેવા બંધ કરી દેવામાં આવી છે. પરિણામે મસ્કતના ગુજરાતી પરિવારોને ગુજરાત આવવા માટે વાયા ચેન્નઈ, વાયા હૈદરાબાદ કે પછી વાયા અબુધાબી થઈને ગુજરાત આવવું પડે છે. આ સ્થિતિને કારણે અનેક ગણી અડચણનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત એર ઈન્ડિયાની સીધી ફ્લાઇટ ગુજરાત આવતી હતી જે પણ છેલ્લા ચાર મહિનાથી બંધ થઈ જતાં મસ્કતમાં રહેતા ગુજરાતી પરિવારોને પારાવાર મુશ્કેલીનો સામનો વતન આવતી વખતે કરવાની વારો આવે છે તેમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીને રજૂઆત કરી
ચંદ્રકાન્ત ચોથાણીએ વધુમાં જણાવ્યું હતું કે, મસ્કત ખાતે વસતા ગુજરાતી સમાજને પડી રહેલી પારાવાર હાલાકી અંગે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાગરિક ઉડ્ડયન મંત્રી બળવંતસિંહ રાજપૂતને રૂબરૂ મળીને રજૂઆત કરી છે. આ રજૂઆતમાં અમે વાતચીત સાથે વિનંતી કરી છે કે. અત્યાર સુધી કુલ 17 ફ્લાઈટ ચાલુ હતી જે બધી બંધ થઈ ગઈ છે. આ વાત તેમણે ગંભીરતાથી લીધી છે અને કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરશે તેમ જણાવ્યું છે.

ભુજ ખાતે પણ ફ્લાઇટ સેવા શરૂ કરવા માંગ ગલ્ફ દેશોમાં રહેતા ગુજરાતના કચ્છી પરિવારોને ભુજ સુધીની સીધી એર કનેક્ટિવિટી મળે તો રાહત એટલા માટે થઈ શકે તેમ છે કેમ કે હાલ મુંબઈ સુધીની ફ્લાઈટ તો ઉપલબ્ધ છે જે સવારે 4.30 વાગ્યે આવે છે અને બાદમાં ભુજ આવવા માટે રેગ્યુલર ફ્લાઈટ મળતી નથી અને જો મળે છે તો બપોરે 2 વાગ્યા બાદ ફ્લાઈટ મળે છે. આમ, ભુજ સુધી આવવા માટે 20 કલાક જેટલો સમય લાગે છે. આમ, ભુજ સુધીની પણ સીધી ફ્લાઇટ સેવા શરૂ કરવા માંગ કરવામાં આવી છે.

50 હજારથી વધુ ગુજરાતીઓ મસ્કતમાં વસે છે
મસ્કતમાં હાલના તબક્કે ગુજરાતી પરિવારના લગભગ 50 હજાર કરતા વધુ લોકો વસવાટ કરી રહ્યા છે જેમાં નાના-મોટા ઉદ્યોગપતિ, નોકરીયાત વર્ગ અને શ્રમિકોનો પણ સમાવેશ થાય છે. આમ જોઈએ તો લગભગ 500 વર્ષ કરતાં પણ વધુ સમયથી ગુજરાતીઓ મસ્કત ખાતે વસવાટ કરે છે. એક સમય હતો કે સૌથી વધુ નાગરિકો ગુજરાતના જ હતા પરંતુ હાલ મલબારી સમાજની સૌથી વધારે વસ્તી મસ્કત ખાતે છે

1975માં મસ્કત ગુજરાતી સમાજની સ્થાપના થઈ મસ્કતના રાજાએ અનેક એવા ગુજરાતી પરિવારો છે જેમને મસ્કતની નાગરીકતા આપી છે ત્યારે વર્ષ 1975માં મસ્કત ખાતે ગુજરાતી સમાજની સ્થાપના થઈ હતી. અગાઉ આ સમાજની અંદર 300 પરિવાર સભ્ય હતા. જો કે, કોરોનાકાળ બાદ આ પરિવારોની સંખ્યા 150 આસપાસ થઈ હોવાની માહિતી મળી છે.

કચ્છી ગુજરાતીને શેખની પદવી અપાઈ છે
મસ્કત જેવા મુસ્લિમ દેશમાં કોઈ ગુજરાતીને શેખની પદવી આપવામાં આવે તે એક ગર્વની વાત છે. મૂળ કચ્છી ગુજરાતી એવા કનક ખીમજીને અગાઉ શેખની પદવી આપવામાં આવી હતી. તેમના નિધન બાદ આ પદવી હવે અનિલ ખીમજીને આપવામાં આવી છે. આમ, ગુજરાત માટે એક ગર્વની વાત છે.

અન્ય સમાચારો પણ છે...