ગુજરાતમાં ચોમાસાની આ સીઝનમાં હજુ સુધી વરસાદની 50 ટકા જેટલી ઘટ વર્તાઈ રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. એવામાં જો હવે પછીના સમયમાં રાજ્યમાં સારો વરસાદ નહીં પડે તો ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે. પાણીને અભાવે ઊભો પાક સુકાવાની સ્થિતિમાં મોંઘાં બિયારણો લાવીને ખેતી કરતા ખેડૂતો વધુ મુશ્કેલીમાં મુકાશે. બીજી તરફ, રાજ્યમાં જળાશયોનો સ્તર ઘટતાં પીવાના પાણીની પણ તંગી સર્જાઈ શકે છે. ગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં અત્યારે 49.59 ટકા પાણીનો જથ્થો છે.
ગુજરાતનાં જળાશયોની શી સ્થિતિ છે?
રાજ્યના ડેમોમાં પાણીની સ્થિતિ અંગેની વાત કરીએ તો, ઉત્તર ગુજરાતમાં આવેલા કુલ 15 ડેમમાં સરેરાશ 23.56 ટકા જ પાણી રહ્યું છે. મધ્ય ગુજરાતનાં 17 જળાશયમાં 43.79 ટકા પાણી છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 73.82 ટકા પાણી છે. કચ્છમાં આવેલાં 20 જળાશયમાં 23.00 ટકા અને સૌરાષ્ટ્રના 141 ડેમમાં 41.56 ટકા પાણીનો જથ્થો બાકી રહ્યો છે. રાજ્યના જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 49.59 ટકા પાણી છે.
રાજ્યમાં ખરીફ પાકોનું કેટલું વાવેતર થયું?
રાજ્યમાં 6 સપ્ટેમ્બર સુધીમાં કુલ 81,552 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે, જેમાં સૌથી વધુ કપાસનું 22,512 હેક્ટરમાં વાવેતર કરાયું છે. આબાદ 19,096 હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર કરાયું છે. જો રાજ્યમાં વરસાદ હવે વધારે રાહ જોવડાવશે તો ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ છે, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છનાં જળાશયોમાં પણ પાણી સુકાતાં આ વિસ્તારોમાં પાણીની તંગીનો સામનો લોકોને કરવો પડી શકે છે.
રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદની સંભાવના
રાજ્યમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી મેઘરાજા તોફાની બેટિંગ ફરી શરૂ થઈ છે. ત્યારે આગામી દિવસોમાં પણ રાજ્યભરમાં મેઘમહેર યથવાત્ રહેશે એવી આગાહી કરવામાં આવી છે. વેધર વોચ ગ્રુપની મંગળવારે વીડિયો-કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠક યોજાઈ હતી, જેમાં હવામાન વિભાગના અધિકારી દ્વારા સમગ્ર રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદ, જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ હતી.
દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડી શકે
IMDના અધિકારીએ જણાવ્યું હતું કે ત્રણ દિવસની હવામાન ખાતાની આગાહી જોતાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે, જેમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં, મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે, જેથી અગમચેતીનાં પગલાંરૂપે રાહત બચાવ કાર્ય અંગે જરૂર પડે NDRF અને SDRFની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે એ અંગે સૂચના આપવામાં આવી છે.
ઓગસ્ટમાં સરેરાશ 65 એમએમ વરસાદ પડ્યો
રાજ્યમાં ચોમાસાની આ સીઝન દરમિયાન અત્યારસુધીમાં સીઝનનો કુલ 50 ટકા જેટલો વરસાદ પડ્યો છે. જોકે ઓગસ્ટ મહિનામાં ગુજરાતભરમાં સરેરાશ 65 એમએમ જેટલો જ વરસાદ પડ્યો હતો. એવામાં હવે સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદની ખેડૂતો તથા લોકો આશા સેવી રહ્યા છે. રાજ્યનાં જળાશયોમાં પાણીની સ્થિતિ પણ વિકટ બની રહી છે. માત્ર દક્ષિણ ગુજરાતનાં જળાશયોમાં 70 ટકાથી વધારે પાણી છે, જ્યારે અન્ય તમામ ઝોનનાં જળાશયોમાં 50 ટકાથી પણ ઓછું પાણી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.