71મો પદવીદાન સમારંભ:ગુજરાત યુનિવર્સિટીના 51 હજારથી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત; રાજ્યપાલે ગુજરાતીઓને સમજદાર ગણાવ્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત યુનિવર્સિટીનો 71મો વાર્ષિક પદવીદાન સમારંભ શ્યામાપ્રસાદ મુખર્જી હોલમાં યોજાયો હતો. જેમાં વિવિધ વિદ્યાશાખાના કુલ 51,279 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેબિનેટ કક્ષાના શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા અને યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હિમાંશુ પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગુજરાતીઓના વખાણ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતે નરેન્દ્ર મોદીને જન્મ આપી દેશ સેવામાં મોકલ્યા છે. પહેલા વિદેશમાં ભારતીયોને ઉભા રહેવા નહોંતા દેતા. આજે ભારતીયો છાતી તાણીને ઉભો રહે છે અને કહે છે કે, અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. વડાપ્રધાને ભારતને વિદેશમાં ગૌરવ અપાવવાનું કામ કર્યું છે.

કઈ શાખાના કેટલા વિદ્યાર્થીઓને પદવી?

શાખાવિદ્યાર્થીઓ
વિનયન9777
વિજ્ઞાન6723
ઈજનેરી12
કાયદો2128
તબીબી2134
વાણિજ્ય27562
ડેન્ટલ105
શિક્ષણ2838

જીવનમાં આજીવન નવું શીખવાનું ચાલુ રાખોઃ રાજ્યપાલ
ગુજરાતના રાજ્યપાલે જણાવ્યું હતું કે, આજનો દિવસ ગુરૂજન અને વિદ્યાર્થી માટે વિશેષ દિવસ છે. આજે 51 હજારથી વધુ વિદ્યાથીઓને ડિગ્રી આપવામાં આવી છે. શિક્ષિત લોકોથી લોકોને અને સમાજને અનેક અપેક્ષા હોય છે. ગુરુજનોને અપેક્ષા હોય છે કે, તેમનો વિદ્યાર્થી સમાજ ઉપયોગી કાર્ય કરે, જીવનમાં સત્યનું આચરણ કરવા લોકોને સલાહ આપે. ધર્મની વ્યાખ્યા આજે બદલાઈ છે, પરંતુ માનવતા આપડો ધર્મ છે. માટે એવા કર્મો કરો કે એનાથી કોઈને દુઃખ ન પહોંચે, એવો ધર્મ અપનાવીએ કે ક્યાંય દ્વેશ કે આતંકવાદ ન રહે. તેમજ આજીવન નવું શીખવાનું ચાલુ રાખો, તમારી વિદ્યા બીજાના કલ્યાણમાં ઉપયોગી બને એવી રીતે વિદ્યાર્થીઓએ જોવું જોઈએ.

‘આપણો ધર્મ હિન્દૂ, મુસ્લિમ, ઇશ નહીં પરંતુ મનુષ્યતા’
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને માત્ર ડીગ્રી માટે નહીં, પરંતુ મહાન મનુષ્ય બનાવવાનું લક્ષ્યાંક રાખવું જોઈએ. જ્યાં સુધી ઓળખ ના થાય ત્યાં સુધી ખોટો સિક્કો ચાલે. અંતિમ સિદ્ધાંત સત્ય છે, એ વિદ્યાર્થીઓએ યાદ રાખવું જોઈએ. જ્યારે અસત્ય વધારે થઈ જશે, ત્યારે દુનિયા નહીં ચાલે. આપણો ધર્મ હિન્દૂ, મુસ્લિમ, ઇશ નહીં પરંતુ મનુષ્યતા છે. તમે જે જવાબદારી લીધી હોય એને સમર્પિત રહી કામ કરો. તમારી વિદ્યા પર જંક ના લાગવું જોઈએ અને હંમેશા શીખતાં રહો.

‘ગુજરાતની ભૂમિએ અનેક સપૂતોને જન્મ આપ્યો’
ગુજરાતીઓના વખાણ કરી ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતીઓને સલામ કે તેઓ પોતાના અને પારકાનો ફરક સમજે છે. ગુજરાતની ભૂમિએ અનેક સપૂતોને જન્મ આપ્યો છે. ગુજરાતે નરેન્દ્ર મોદીને જન્મ આપી દેશ સેવામાં મોકલ્યા છે. પહેલા વિદેશમાં કોઈ ઉભું રહેવા નહોંતા દેતા. આજે ભારતીયો છાતી તાણીને ઉભો રહે છે અને કહે છે કે, અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. વડાપ્રધાને ભારતને વિદેશમાં ગૌરવ અપાવવાનું કામ કર્યું છે.

યુવા વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી
ગુજરાત યુનવર્સિટીએ અનેક મહાન લોકો આપ્યા છે. આપડા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત યુનવર્સિટીમાં જ ભણ્યા છે. એક સમયે વિદેશમાં કોઈ ભારતીયોને ઊભા રેહવા દેતા ન હતા, પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ છે. તમારા માતા-પિતાનું ઋણ ન ભૂલો, તેમનું અપમાન ક્યારે ન ભૂલો. આપડે ગમે તેટલા આગળ વધ્યા પરંતુ, માતા-પિતાનું સન્માન ન થાય તો આપડે શું વિદ્યા પ્રાપ્ત કરી. આજે ગામડાઓ કરતા શહેરમાં વૃદ્ધાશ્રમ વધી રહ્યા છે, જે ચિંતાજનક છે. એક ઉત્તમ જીવન જીવો અને કુળનું નામ રોશન કરો, કહી 71માં દિક્ષાંત સમારોહમાં પદવી પ્રાપ્ત કરનારા યુવા વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી પોતાનું વ્યક્તવ્ય પૂર્ણ કર્યું હતું.

ગુજરાતમાં 1 લાખ કરોડના નવા રોકાણ આવશે: ઋષિકેશ પટેલ
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત શિક્ષણ અને આરોગેયમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ પોતાના 100 ટકા આપશે તો સમાજ પણ તેમને 100 ટકા પાછા આપશે. આપણા ડીએનએમાં વિદ્વતા છે અને દુનિયા તેનો ઉપયોગ કરી રહી છે. આપણે તેનો ઉપયોગ કરી વિશ્વગુરુ બનવા દિશામાં આગળ વધવાનું છે. આવતા 100 દિવસમાં ગુજરાતમાં 1 લાખ કરોડના રોકાણ આવવાના છે. જેથી અનેક તકો ઉપલબ્ધ થશે અને તેમાં આગળ વધવાનો માર્ગ પણ આપણે જ કંડારવાનો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં ગુજરાત યુનવર્સિટીમાં ફાર્મસી અને ટેકનોલજીનો અભ્યાસ શરુ કરવામાં આવશે. 2023ના શૈક્ષણિક વર્ષથી વિદ્યાર્થીઓને બન્ને બ્રાંચમાં પ્રવેશ આપવામાં આવશે. આ સાથે ફામર્સી અને ટેક્નોલોજીના ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાક્રમો શરૂ કરવામાં આવશે.

‘મેળાવડામાં માસ્ક પહેરવા અપીલ કરી’
કોરોના અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલએ જણાવ્યું હતું કે, કોરોના વેકસિનનો નવો જથ્થો શરૂ થઈ ગયો છે. હાલમાં 5 લાખ વેકસિનનો જથ્થો આવ્યો છે. હોસ્પિટલોને જરૂરીયાત મુજબ વેકસિનનો જથ્થો આપવામાં આવશે. ગુજરાતમાં માત્ર 3 જ કોરોનાના કેસ સામે આવ્યા છે. તેમજ ગુજરાતમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો નથી. વેકસિનેશનના કારણે આપણી સારી ઇમ્યુનિટી બને છે. તમામ લોકોને મેળાવડામાં માસ્ક પહેરવાની અપીલ કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...