ભાંડો ફૂટ્યો:અમદાવાદની 1200 બેડની સિવિલ હોસ્પિટલની ડિઝાઈનમાં ખામી, CAGના અહેવાલમાં ઘટસ્ફોટ

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડિઝાઈનમાં બેદરકારીના કારણે સરકારને 37.96 કરોડનો વધારાનો ખર્ચ ભોગવવો પડ્યો

અમદાવાદની 1200 બેડની સિવિલ હોસ્પિટલની ડિઝાઈન ખામીયુક્ત હોવાનો ઘટસ્ફોટ આજે વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા CAGના રિપોર્ટમાં થયો છે. આ હોસ્પિટલની ડિઝાઈનમાં ફાયર સેફ્ટીને પણ ધ્યાનમાં લેવામાં આવી ન હોવાની બેદરકારી રિપોર્ટમાં બહાર આવી છે. જેના કારણે રાજ્ય સરકારને 37.96 કરોડનો વધારાનો ખર્ચ ભોગવવો પડ્યો છે. આજે વિધાનસભાના ચોમાસું સત્રના છેલ્લા દિવસે નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે CAGના રિપોર્ટ રજૂ કર્યા હતા.

સાત અહેવાલો રજૂ કરવામાં આવ્યા
ગુજરાત વિધાનસભામાં ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના (1) સામાન્ય અને સામાજીક સેવા (2) નાણાંકીય હિસાબો (3) વિનિયોગ હિસાબો (4) રાજ્યની નાણાકીય પરિસ્થિતિ (5) સામાન્ય અને સામાજીક ક્ષેત્ર (6) આર્થિક અને મહેસૂલી ક્ષેત્ર તેમજ (7) જાહેર ક્ષેત્રના ઉપક્રમો અંગેના એમ કુલ સાત અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા.

હંમેશા સત્રના છેલ્લા દિવસે જ CAG રજૂ થાય છેઃ વિપક્ષ
વિધાનસભાનું સત્ર ચાલુ હોય છે ત્યારે હંમેશા સત્રના અંતિમ દિવસે કેગના રિપોર્ટ મૂકવામાં આવતા હોય છે. વિપક્ષ કોંગ્રેસે વારંવાર એવી માગણી કરી છે કે જ્યારે કેગના રિપોર્ટ મૂકવામાં આવે ત્યારે તમામ ધારાસભ્યોની સભાગૃહમાં ચર્ચા થવી જોઇએ પરંતુ રાજ્ય સરકાર કેગના રિપોર્ટ અંગે હાઉસમાં કોઇ ચર્ચા કરતી નથી, રિપોર્ટ માત્ર ટેબલ પર મૂકાય છે જેને મીડિયામાં પ્રકાશિત કરવામાં આવતા હોય છે.

સરકારની નાણાકીય સ્થિતિ ઉજાગર કરે છે કેગ
ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં કેવું કામ થાય છે. યોજનાઓમાં ભ્રષ્ટાચાર છે કે કેમ, બોર્ડ કોર્પોરેશન કેટલી ખોટ કરે છે અને કેટલો નફો કરે છે અને સરકારના વિભાગોમાં ક્યા કામમાં કેટલી ગેરરીતિ થઇ છે તેને કેગનું ઓડિટ ઉજાગર કરે છે અને સરકારના વિભાગોને સુધારવા તેમજ પગલાં લેવાની ભલામણ કરે છે. કેગમાં આ વખતે નાણાકીય સ્થિતિનું ચિત્રણ પણ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...