નિમણૂંક:AMCમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા દીપા દવેને ઇજનેર ખાતામાં ડેપ્યુટી મેનેજર તરીકે બઢતી અપાઈ

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ જેટલા અધિકારીઓના સ્વૈચ્છિક રાજીનામા પણ મંજૂર કરવામાં આવ્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે સ્ટાફ સિલેકશન કમિટીની બેઠક મળી હતી. જેમાં ઇજનેર ખાતામાં ડેપ્યુટી મેનેજર (અર્બન પ્લાનર)ની નવી જગ્યા માટે હાલમાં આસિસ્ટન્ટ મેનેજર (અર્બન પ્લાનર) તરીકે ફરજ બજાવતા દીપા દવેને બઢતી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દીપા દવે છેલ્લા આઠ વર્ષથી આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા અને તેમની સામે કોઇ પણ પ્રકારની વિજિલન્સ તપાસ કે અન્ય કોઈ રિમાર્કસ ન હોવાથી તેઓને સાતમા પગાર પંચ મુજબ વર્ગ-1ના અધિકારીઓ તરીકે બઢતી આપવામાં આવી છે. સિલેકશન કમિટી દ્વારા આજે કોર્પોરેશનમાં ફરજ બજાવતા ત્રણ જેટલા અધિકારીઓના સ્વૈચ્છિક રાજીનામા પણ મંજૂર કરવામાં આવ્યા છે.

ઇજનેર ખાતામાં આઠ વર્ષથી ફરજ બજાવે છે
આજે મળેલી સ્ટાફ સિલેક્શન કમિટીમાં ઇજનેર ખાતામાં દીપા દવે જેઓ આસિસ્ટન્ટ મેનેજર તરીકે ઇજનેર ખાતામાં આઠ વર્ષથી ફરજ બજાવે છે. તેઓને રાજ્ય સરકારની મંજૂરીની અપેક્ષા નવી ડેપ્યુટી મેનેજર(અર્બન પ્લાનર)ની જગ્યામાં બઢતી આપવાનો આજે નિર્ણય લેવામાં આવ્યો હતો. નવી ટીપી સ્કીમો તેમજ ગ્રીનબેલ્ટ ઉપરાંત વિકાસ પરવાનગીમાં અભિપ્રાય સહિત પ્લાનિંગ તેમજ નકશા અંગેની વગેરે માહિતી હોવાથી તેઓને બઢતી આપવામાં આવી છે.

જયંતીભાઈ કુકડીયાએ સ્વૈચ્છિક રાજીનામુ આપ્યું
દક્ષિણ ઝોન એસ્ટેટ / ટી.ડી.ઓ ખાતામાં ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર ડેપ્યુટી ટી.ડી.ઓ. તરીકે ફરજ બજાવતા ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પટેલ, ઇજનેર રોડ / પ્રોજેકટ ખાતામાં ડેપ્યુટી સીટી ઇજનેર તરીકે ફરજ બજાવતા કિરીટભાઇ હેમાભાઇ પરમાર અને ઇલેક્શન ખાતામાં ઇલેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા તેમજ હાલમાં ખાતાના ડાયરેક્ટરનો વધારાનો ચાર્જ સંભાળતા જયંતીભાઈ કુકડીયાએ સ્વૈચ્છિક રાજીનામુ આપ્યું હતું. જેને આજે સ્ટાફ સિલેક્શન કમિટીએ મંજૂર કર્યું છે. સ્ટાફ સિલેકશન કમિટી સમક્ષ આ ત્રણેય અધિકારીઓએ પોતે શારીરિક પરિસ્થિતિનું કારણ આપી અને રાજીનામું આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...