જિલ્લા શિક્ષણાધિકારીનો એક્શન પ્લાન:બોર્ડમાં 30%થી ઓછું પરિણામ લાવતી શાળાને દત્તક લેવાનો નિર્ણય, વિદ્યાર્થીઓને 1 કલાક વધુ ભણાવવા સૂચના

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ધોરણ 10 અને 12ની બોર્ડની પરિક્ષા આગામી માર્ચ મહિનામાં યોજાવાની છે, ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલોનું પરિણામ સુધારવા પણ એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. વર્ષ 2022માં 30 ટકાથી ઓછું પરિણામ લાવનારી સ્કૂલોનું હવે 2023માં કેવી રીતે પરિણામ સુધારી શકાય તે તૈયારી કરવામાં આવી રહી છે. 30 ટકાથી ઓછું પરિણામ લાવનારી સ્કૂલોને દત્તક લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે સ્કૂલોને 1 કલાક વધારે ભણાવવા પણ સૂચના આપવામાં આવી છે.

પરિણામ ઉંચુ લાવવા શિક્ષણ વિભાગનો એક્શન પ્લાન
ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની પરિક્ષાના વિદ્યાર્થીઓના પરિણામને લઈને સ્કૂલો તો મહેનત કરી રહી છે, સાથે હવે શિક્ષણ વિભાગ પણ મહેનત કરી રહ્યું છે. સ્કૂલોનું પરિણામ ઉંચુ આવે તે દિશામાં પણ શિક્ષણ વિભાગે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ગત વર્ષે અમદાવાદ જિલ્લાની અંદાજે 150 જેટલી સ્કૂલઓનું પરિણામ 30 ટકાથી ઓછુ આવ્યું હતું. જ્યારે અંદાજે 20 જેટલી સ્કૂલો એવી સામે આવી હતી કે જે છેલ્લા 3 વર્ષથી પરિણામ ઓછું લાવી રહી છે. સતત નબળા પરિણામ ધરાવતી સ્કૂલોનું પરિણામ સુધારવા અમદાવાદ જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે.

ઓછું પરિણામ લાવનાર સ્કૂલને દત્તક લેવાશે
આ અંગે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરી જણાવ્યું હતું કે, આગામી 14 માર્ચથી બોર્ડની પરિક્ષા યોજાવાની છે, તેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જિલ્લા સ્કૂલ સંકલન સમિતિની બેઠક આ મામલે બોલાવવામાં આવી હતી અને પરિક્ષાને લગતા જરુરી સુચનો આપવામાં આવ્યા હતા. જે સ્કૂલોએ જાતે પરિણામ સુધારવા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો હોય તે પણ સ્કૂલો પાસેથી મંગાવવામાં આવ્યો છે. 30 ટકાથી ઓછું લાવનારી સ્કૂલોનું પરિણામ સુધારવા ખાસ સ્કૂલ દત્તક યોજના તૈયાર કરવામાં આવી છે. જેમાં બોર્ડની પરિક્ષામાં જે સ્કૂલનું રિઝલ્ટ ખુબ સારુ આવ્યું હોય તેવી સ્કૂલની નજીકની જે સ્કૂલનું પરિણામ 30 ટકાથી ઓછું આવ્યું હોય તેવી સ્કૂલઓને દત્તક આપવાની. એટલે કે સારા પરિણામ વાળી સ્કૂલના આચાર્ય અને શિક્ષકો નબળી સ્કૂલની મુલાકાત લઈ પરિણામ ઉંચુ આવે તેવા જરુરી માર્ગદર્શન આપશે. આ ઉપરાંત જે સ્કૂલોનું પરિણામ ઓછું હશે તે સ્કૂલોએ વિદ્યાર્થીઓને એક કલાક વધારે અભ્યાસ કરાવવાનો રહેશે.

લર્નીગ લોશથી વિદ્યાર્થીઓના પરિણામ પર અસર
મહત્વનું છે કે, કોરોનાના કારણે પાછલા બે વર્ષમાં વિદ્યાર્થીઓને જે લર્નીગ લોશ થયો છે, તેના કારણે તેની સીધી અસર વિદ્યાર્થીઓના પરિણામ પર પડી છે. જેથી વિદ્યાર્થીઓનું પરિણામ સુધારવા તેમજ સ્કૂલોનું પરિણામ સુધારવા માટે જિલ્લા શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...