ગુજરાતમાં બેકાબૂ બનેલા કોરોનાને કારણે ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, જ્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. જોકે હાલ કોરોના હવે ઘરે ઘરે પહોંચી રહ્યો છે, એ સ્થિતિમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા લેવાશે કે નહીં એ પણ સૌથી મોટો સવાલ છે. ત્યારે આ અંગે DivyaBhaskarએ માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ દિનેશ પટેલ સાથે એક્સક્લૂઝિવ વાતચીત કરી હતી. આ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે આગામી 15મી મેના રોજ રિવ્યૂ બેઠક મળશે. આ બેઠકમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા અંગે નિર્ણય લેવામાં આવશે.
દિવ્ય ભાસ્કરઃ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ અંગે ક્યારે નિર્ણય થશે?
દિનેશ પટેલઃ આગામી 15મી મેએ રિવ્યૂ બેઠક યોજાશે. રિવ્યૂ બેઠકમાં શિક્ષણ વિભાગ,આરોગ્ય વિભાગ તથા મુખ્યમંત્રી હાજર રહેશે અને એ તમામ દ્વારા પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. ત્યાર બાદ જ પરીક્ષા અંગે નિર્ણય લેવામાં આવશે. 15મી મે સુધી પરીક્ષા અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે નહિ.
દિવ્ય ભાસ્કરઃ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ રદ થશે?
દિનેશ પટેલઃ હાલ ધોરણ 10ની પરીક્ષા રદ કરવા અંગે પણ કોઈ વિચારણા નથી. 15 મેના રોજ રિવ્યૂ બેઠક મળશે. એમાં એ સમયની સ્થિતિને ધ્યાનમાં રાખીને પરીક્ષા અંગે નિર્ણય લેવામાં આવશે.
દિવ્ય ભાસ્કરઃ પરીક્ષા રદ નહિ થાય તો કોરોના સંક્રમણ વચ્ચે કેવી રીતે લેવાશે?
દિનેશ પટેલઃ પરીક્ષા રદ કરવાનો નિર્ણય નહિ લેવાય તો પરીક્ષા કઈ રીતે અને કેટલા વિદ્યાર્થીઓની હાજરી સાથે યોજવી એ તમામ બાબતો સાથેની માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવશે, પરંતુ 15 મે સુધી ગુજરાત બોર્ડના ધોરણ 10ના 12 લાખથી વધુ અને ધોરણ 12ના 4 લાખથી વધુ વિદ્યાર્થીઓએ નિર્ણયની રાહ જોવી પડશે.
પરીક્ષા લેવા અંગે શિક્ષણ વિભાગ અને સરકાર અસમંજસમાં
ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવા અંગે હજુ શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર મૂંઝવણમાં હોય તેમ લાગી રહ્યું છે. કોરોનાના કેસ વધતાં CBSE બોર્ડ અને અન્ય રાજ્યોમાં ધોરણ 10માં માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે, ત્યારે ગુજરાતમાં બોર્ડ દ્વારા હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ ઉપરાંત વાલીમંડળ દ્વારા પણ પરીક્ષા રદ કરવા માટે મુખ્યમંત્રી અને શિક્ષણ વિભાગને પત્ર લખવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી પરીક્ષા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
બેફામ વકરેલા કોરોના વચ્ચે પરીક્ષા વ્યવસ્થા ગોઠવવી મુશ્કેલ
ધોરણ 10માં આશરે 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. એની વ્યવસ્થા કરવી હાલના તબક્કે ખૂબ જ અઘરી લાગે છે, કારણ કે ઓક્સિજન અને દવાઓનો જથ્થો ખૂટી જતો હોય તો આટલા મોટા પ્રમાણમાં જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેસે અને તેમને કોરોનાનો ચેપ લાગે તો જવાબદાર કોણ? વિદ્યાર્થીઓને આગળના વર્ષમાં એડમિશન કેવી રીતે લેવું એમાં પણ અસમંજસભરી સ્થિતિ છે.
કોરોનાની સ્થિતિની વિદ્યાર્થીઓના માનસ પર અસર
વાલીમંડળે શિક્ષણમંત્રીને પરીક્ષાઓ કેમ રદ કરવી એનાં કારણો પત્ર દ્વારા જણાવ્યાં છે, જેમાં વિદ્યાર્થીઓના માનસ પર કોરોનાના વાયરસની પરિસ્થિતિની ગંભીર અસર થઈ છે. તેમને સમજાતું નથી કેવી રીતે પરીક્ષાઓની તૈયારીઓ કરવી, કારણ કે કોઈ તારીખ નક્કી જ નથી કરવામાં આવી. વાલીઓ પણ હાલની કોરોનાની સ્થિતિથી અને જે રીતે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે એને લઈને ભય અનુભવી રહ્યા છે, જેથી તેઓ પણ વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસાડવા માટે તૈયાર નથી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.