આગામી 4 મેથી ધોરણ-10 અને 12ની CBSE બોર્ડ પરીક્ષા શરૂ થશે, જેને લઈને શિક્ષણ વિભાગ તેમજ તંત્ર સજ્જ થઈ રહ્યાં છે. કોરોના વચ્ચે પરીક્ષા લેવામાં આવતાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાંથી એક છે કે પરીક્ષા સમયે ક્લાસરૂમમાં બેસતાં પહેલાં વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર ચેક કરવામાં આવશે અને જે વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર વધારે અથવા તાવ, શરદી, ખાંસી જણાશે તો તે વિદ્યાર્થીને અલગ રૂમમાં બેસાડવામાં આવશે.
4 મેથી બોર્ડની પરીક્ષા શરૂ થશે
રાજ્યની મોટા ભાગની શાળાઓ શરૂ થઈ ગઈ છે. જોકે વિદ્યાર્થી તેમજ શિક્ષકો માટે સ્કૂલમાં પ્રવેશતાં જ સરકારી ગાઈડલાઈન્સનું પાલન કરવું ફરજિયાત છે, જેમ કે એક બેન્ચ પર એક જ વિદ્યાર્થી, પ્રવેશ પહેલાં ટેમ્પરેચર ચેક કરવું તેમજ હાથ સેનિટાઈઝ કરવા તેમજ ફરજિયાત માસ્ક પહેરી રાખવું. ત્યારે હવે આગામી 4 મેથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, જેથી વિદ્યાર્થીઓને કોરોનાના સંક્રમણથી દૂર રાખવા માટે શિક્ષણ વિભાગ દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સમયે જો કોઈ વિદ્યાર્થીને તાવ, શરદી, ખાંસી તેમજ ટેમ્પરેચર વધારે જણાશે તો તે વિદ્યાર્થીને અલગ રૂમમાં બેસાડવામાં આવશે, જેથી અન્ય કોઈ વિદ્યાર્થીમાં સંક્રમણનો ભય ન રહે.
દરેક પરીક્ષા કેન્દ્ર પર એક અલગ રૂમ બનશે
વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેસે એ પહેલાં ગેટ બહાર જ તેમનું થર્મલગનથી ટેમ્પરેચર ચેક થશે તેમજ વિદ્યાર્થીને સંપૂર્ણપર્ણ સેનિટાઈઝ પણ કરવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થીનું ટેમ્પરેચર 99 કરતાં વધુ હશે તો તેવા વિદ્યાર્થીને અલગ રૂમમાં બેસાડાશે. આ માટે રાજ્યની તમામ પરીક્ષા કેન્દ્રો પર એક અલગ રૂમ રાખવામાં આવશે, સાથે જ પરીક્ષા સમયે વિદ્યાર્થીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું ફરજિયાત છે. અને એ જ પ્રમાણે તમામની બેઠકો ગોઠવવામાં આવશે.
દર 50 વિદ્યાર્થી વચ્ચે એક થર્મલગનની વ્યવસ્થા
સાથે જ પરીક્ષા સમયે જે શિક્ષકોને નિરીક્ષકની કામગીરી સોંપાશે તેમને અન્ય કોઈ વર્ગખંડની કામગીરી નહીં અપાય, સાથે જ પરીક્ષા સમયે વિદ્યાર્થીઓનો સમય ન બગડે એ માટે દર 50 વિદ્યાર્થીઓ વચ્ચે એક થર્મલગનની વ્યવસ્થા કરાશે અને વિદ્યાર્થીઓના સ્ક્રીનિંગની કામગીરી શિક્ષકોને સોંપવામાં આવશે. પરીક્ષા આપવા માટે આવેલા વિદ્યાર્થીઓમાં ભીડની સ્થિતિ ન સર્જાય એ માટે તમામને લાઈનમાં એન્ટ્રી આપવામાં આવશે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે એની તકેદારી રાખવામાં આવશે.
હોલ ટિકિટની પાછળ હશે કોરોના ગાઈડલાઈન્સ
સાથે જ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે જે હોલ ટિકિટ આપવામાં આવશે. એની પાછળ કોરોના સંક્રમણથી બચવા માટે કઈ કઈ બાબતની તકેદારી રાખવી એ અંગેની માહિતી આપવામાં આવશે. આ કરવાથી જો કોઈ વિદ્યાર્થી કોરોના સંક્રમિત છે તો તેનાથી અન્ય વિદ્યાર્થી સચેત રહી શકે છે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી પોતાને સંક્રમિત થતાં અટકાવી શકે છે. આ સિવાય પણ શિક્ષણ બોર્ડ દ્વારા કેટલાંક પગલાં આગામી સમયમાં લેવામાં આવી શકે છે. અને પરીક્ષા સમયે શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ એનું પાલન કરવું ફરજિયાત રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.