ભાસ્કર ઇન્ટરવ્યૂહવે કોંગ્રેસના નહીં, ભાજપના નરેશ:કોંગ્રેસનું તળિયું દેખાઈ રહ્યું છે એટલે ભાજપમાં જવાનો નિર્ણય કર્યો, હજી પૂર્વ MLA અને મંત્રીઓ ભાજપમાં જોડાશે: નરેશ રાવલ

અમદાવાદ5 દિવસ પહેલાલેખક: હરીશ ચોકસી

ગુજરાત કોંગ્રેસમાં 1995થી પક્ષપલટો થતો આવ્યો છે. કોંગ્રેસના અનેક દિગ્ગજો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયાં છે. 2012 પછી અત્યાર સુધીમાં 60 જેટલા દિગ્ગજોએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપીને કેસરીયો ખેસ ધારણ કર્યો છે. ત્યારે હવે સતત 40 વર્ષ સુધી કોંગ્રેસની સાથે રહેલાં દિગ્ગજ નેતા જેઓ ગાંધી પરિવાર સાથે એકદમ નજીકનો ઘરોબો ધરાવે છે તેવા ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજુ પરમાર કોંગ્રેસને અલવિદા કહીને 17 ઓગસ્ટે કેસરીયો કરી રહ્યાં છે. ત્યારે દિવ્યભાસ્કરે નરેશ રાવલ સાથે કોંગ્રેસ છોડવા મુદ્દે વાતચીત કરી હતી.

દિવ્યભાસ્કરઃ સતત 40 વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યા હવે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કેમ લીધો?
નરેશ રાવલ: મે અને મારા સાથીઓએ કોંગ્રેસ પાર્ટીમાંથી અલવિદા કહીને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં હું અને મારા સાથીઓ 17 ઓગસ્ટે ભાજપમાં જોડાઈશું.

દિવ્ય ભાસ્કરઃ કોંગ્રેસ છોડવા પાછળનું મુખ્ય કારણ કયું?
નરેશ રાવલ: કોંગ્રેસ છોડવા પાછળના ઘણા બધા કારણો છે. જેની હમણાં ચર્ચા કરવા માંગતો નથી પરંતુ આગળ સમય આવ્યે એની પણ ચર્ચા કરીશું. હાલ પૂરતું તો કોંગ્રેસને અલવિદા કહીને ભાજપમાં જોડાઈશું. જેમાં હું અને મારા સાથી રાજુભાઈ પરમાર તથા બીજા પૂર્વ ધારાસભ્યો અને મંત્રીઓ રહેલાં છે તેમની સાથે મોટી સંખ્યામાં અન્ય નેતાઓ પણ ભાજપમાં જોડાશે. અમને ભાજપનું નેતૃત્વ જે પણ કોઈ કામગીરી સોંપશે તે કામગીરી કરીશું.

દિવ્ય ભાસ્કરઃ કોંગ્રેસમાંથી 2017 પછી 15થી વધુ ધારાસભ્યો ભાજપમાં જોડાયાં અત્યારે હજી દિગ્ગજ નેતાઓ પણ જોડાઈ રહ્યાં છે એમાં તમે પણ એક છો જે સતત 40 વર્ષથી કોંગ્રેસની સાથે સંકળાયેલા છો અને ગાંધી પરિવાર સાથે નજીકનો ઘરોબો ધરાવો છો તો અચાનક આ નિર્ણય કેમ લેવો પડ્યો?

નરેશ રાવલ: કોંગ્રેસ છોડવાનો વિચાર ઘણા સમયથી મારા મનમાં ચાલતો હતો. પક્ષની કામગીરી નબળી પડતી જતી હતી. પક્ષ અને સંગઠનમાં સુધારો વધારો કરવા માટે નેતૃત્વ દ્વારા કોઈ પ્રયત્ન કરવામાં આવતો નહોતો. એટલે મનમાં એવું થયું કે આટલા વર્ષો સુધી કોંગ્રેસ સાથે આપણી લેણદેણ હતી પણ હવે નથી રહી એટલે થયું કે હવે અહીંથી નિકળી જઈએ અને ભાજપના નેતૃત્વ સાથે કામ કરવાનો નિર્ણય કર્યો.

દિવ્ય ભાસ્કરઃ કોંગ્રેસમાંથી અત્યાર સુધી જેટલા લોકો ભાજપમાં જોડાયાં તેમનું કહેવું છે કે કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે, પક્ષમાં કોઈ પણ જાતનું ટીમ વર્ક નથી. તો આખરે પક્ષમાં જૂથવાદ કેવી રીતે અને કયા પ્રકારે ચાલી રહ્યો છે. શું છે આખો મુદ્દો?

નરેશ રાવલ: દરેક રાજકીય પાર્ટીઓમાં જૂથવાદ તો હોય જ છે. કોંગ્રેસમાં ઘણો બધો છે. હાલની સ્થિતિમાં કોંગ્રેસનો જે રીતે ગ્રાફ નીચો જઈ રહ્યો છે પક્ષમાં તળીયું દેખાઈ રહ્યું છે એવી સ્થિતિ ગુજરાત નહીં પણ સમગ્ર દેશમાં થઈ રહી છે. ત્યારે ઘણી બધી ચિંતા કર્યા પછી અમને લાગ્યું કે હવે કોંગ્રેસમાં આપણી ચિંતા કર્યા કરતાં પક્ષને જ અલવિદા કરી દઈએ. કારણ કે પક્ષના નેતૃત્વને સવાલો કરવા અને તેનું સોલ્યુશન લાવવામાં હવે મજા નથી. છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસમાં સમસ્યાઓ હતી,પરંતુ તેના કારણોમાં અત્યારે પડતા નથી.ટીમ વર્કનો કોંગ્રેસમાં મોટો અભાવ છે. અમને લાગ્યું કે આપણી વાત સાંભળીને કોઈ હાઈકમાન્ડના નેતાને તેનું નિરાકરણ લાવવામાં રસ નથી. એટલે જ અમે ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.

દિવ્ય ભાસ્કરઃ ભાજપમાં જોડાવા માટે 17 ઓગસ્ટ જ કેમ નક્કી કરી?
નરેશ રાવલઃ ના એવું કંઈ ખાસ કારણ નથી પણ ભાજપના પ્રદેશ પ્રમુખને હાજર રહેવા માટે 17 તારીખ અનુકુળ હતી એટલા માટે જ 17 તારીખ નક્કી કરી

અન્ય સમાચારો પણ છે...