અમદાવાદના ખોખરા-અનુપમ બ્રિજની કામગીરી વખતે ડ્રાઈવર દ્વારા જેસીબી રિવર્સમાં લેતા દીવાલ તૂટી હતી અને જેમાં દીવાલને અડીને બેઠેલા પિતા-પુત્રીનું મોત થયું હતું, તથા એક વ્યક્તિ ઘાયલ થયો હતો. જે બાદ કેટલાક લોકોએ જેસીબી ચાલક પર પથ્થર મારો કર્યો હતો. આ મામલે હવે મૃતકના ભાઈએ જેસીબી ચાલક સામે સાપરાધ મનુષ્ય વધની ફરિયાદ નોંધાવી છે, જ્યારે જેસીબી ચાલકે 4 શખ્સો સામે પથ્થમારો કરવા બદલ ફરિયાદ કરી છે.
મૃતકના ભાઈની પોલીસમાં JCB ચાલક વિરુદ્ધ ફરિયાદ
આ ઘટનામાં મૃતક પ્રકાશ સલાટના ભાઈ ધીરુભાઈ સલાટે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ, ગઈકાલે બપોરે તેમનો નાનો ભાઈ પ્રકાશ અને તેની 2 વર્ષની દીકરી મંદિર પાસે દીવાલને અડીને બેઠા હતા ત્યારે અજાણ્યા જેસીબી ચાલકે પુરપાટ ઝડપે અને ગંભીરતા પૂર્વક જેસીબી ચલાવીને દીવાલને ટક્કર મારતા દીવાલ તૂટી હતી. જેના કારણે તેમનો ભાઈ અને તેની દીકરી નીચે દટાયા હતા, જેમાં તેમના ભાઈ અને દીકરીને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ બંનેના મોત થયા હતા. જ્યારે જેસીબી ચાલક ત્યાંથી નાસી ગયો હતો. જેથી જેસીબી ચાલક સામે સાપરાધ મનુષ્ય વધની ફરિયાદ નોંધાવી છે.
JCB ચાલકે પણ ટોળા સામે ફરિયાદ કરી
બીજી તરફ જેસીબી ચાલક મુકેશ સોલંકીએ પણ ફરિયાદ નોંધાવી છે કે, તેનો ડ્રાઇવર 2 દિવસથી ના હોવાથી તે પોતે જેસીબી ચલાવી રહ્યો હતો તે દરમિયાન રિવર્સ લેતા જેસીબીનો પાછળનો ભાગ દીવાલને અડતા દીવાલ પડી હતી. દીવાલ પડતા ત્યાં હાજર લોકોએ લાકડી અને દંડા વડે તેને માર માર્યો હતો અને બાદમાં તે બચવા ભાગતા લોકોએ પથ્થરમારો કર્યો હતો. પથ્થર માથામાં વાગતા લોહી નીકળ્યું હતું જેથી તે સારવાર માટે સિવિલ હોસ્પિટલ આવ્યો હતો. તેણે પણ પથ્થરમારો કરીને માર મારનાર 4 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. પોલીસે બંનેની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
મૃતકોને રૂ.5-5 લાખની બિલ્ડર તરફથી સહાય
નોંધનીય છે કે, ગઈકાલે જ મૃતકોને બિલ્ડર તરફથી રૂ.5-5 લાખની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, અનુપમ બ્રિજ પાસે દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટનામાં પિતા-પુત્રીના મૃત્યુ મામલે કોન્ટ્રાક્ટર સાથે કોર્પોરેશનના અધિકારીઓ અને ભાજપના શાસકો દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મૃતકના પરિવારજનોને રૂપિયા પાંચ-પાંચ લાખની સહાય કોન્ટ્રાક્ટર દ્વારા ચૂકવવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.