તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાળજાનું દર્દ:સિવિલમાં મધરાતે ખેલાતો હતો લાશોનો ખેલ, મૃતકોના સ્વજનોને અડધી રાત્રે માત્ર એક ચિઠ્ઠી આપી લાશ સોંપાતી હતી, 100 સગાઓનો આક્રોશ

ટીમ ભાસ્કર5 દિવસ પહેલા
  • 10 એપ્રિલથી 9 મે સુધી સિવિલ કોવિડ મૃતકોનાં 100 સગાંએ DivyaBhaskar સમક્ષ વ્યથા ઠાલવી
  • સિવિલ કોવિડના ડોક્ટરો-સ્ટાફ દિવસ-રાત દર્દીઓની સેવા કરે છે એ સાચું, પણ મૃતકનાં સગાંની વાતો સાંભળી અરેરાટી છૂટી જશે
  • સિવિલના સત્તાવાળાઓએ મધરાતે જ ડેડબોડી હેન્ડઓવર કર્યાનો પણ ભાંડો ફૂટ્યો, મૃત્યુની ચિઠ્ઠીમાં કોરોના તો લખતા જ નથી

ગત એપ્રિલ અને મે મહિનાનો અડધો ભાગ કોરોનાની બીજી લહેર ચરમસીમાએ હતી. આ એવો સમય હતો, જ્યારે દર્દીઓને હોસ્પિટલમાં ICU તો ઠીક, સાદાં બેડ પણ નહોતાં મળતાં. બેડ મળે તો ઓક્સિજન નહીં, રેમડેસિવર માટે તો દાગીના ગીરવી મૂકીને લોકોએ કાળાં બજારમાં ખરીદવા પડતાં હતાં. એવામાં અમદાવાદ સિવિલ 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં તો જેમને દાખલ કરાય તેમના સ્વજનના જીવ ત્યારથી અધ્ધર થવા લાગતા હતા. હોસ્પિટલમાં ગયેલો માણસ બહાર જીવતો પાછો આવશે કે નહીં એ કોઈ જાણતું નહોતું.

સિવિલ કોવિડ હોસ્પિટલમાં દાખલ થયા બાદ જીવ ગુમાવનારા 100 જેટલા કોરોના દર્દીનાં સગાં સાથે DivyaBhaskarએ વાત કરી હતી. અહીં અમે દર્દી અને તેમનાં સગાંની વિગતો જાહેર ન કરતાં તેમના દર્દને વાચા આપવાનો પ્રયાસ કર્યો છે. જોકે આ તમામ લોકો સાથે વાતચીતના રેકોર્ડિંગ DivyaBhaskar પાસે છે.

BHASKAR EXPOSE-પાર્ટ-1 વાંચવા અહીં ક્લિક કરો

ડોક્ટરો-સ્ટાફની કર્મનિષ્ઠાને સો-સો સલામ, પણ આ દર્દ જાણવું જરૂરી
DivyaBhaskar દ્વારા સિવિલ 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં મૃત્યુ પામેલાનાં સ્વજનોની વાતચીતને અહીં રજૂ કરવા પાછળ ત્યાંના ડોક્ટરો કે નર્સ કે અન્ય પેરામેડિકલ સ્ટાફનું મનોબળ તોડવાનો બિલકુલ ઈરાદો નથી. ઊલટાનું આ કોરોનાકાળમાં જે કર્તવ્યનિષ્ઠા સાથે સિવિલ કોવિડ હોસ્પિટલના તબીબો તથા ઈન્ટર્ન ડોક્ટર્સ ઉપરાંત નર્સ, અન્ય પેરામેડિકલ સ્ટાફે કોરોના પેશન્ટોનો ઈલાજ અને સેવા કરી છે એને DivyaBhaskar સો-સો સલામ કરે છે, પરંતુ અહીં DivyaBhaskarનો ઈરાદો ફક્ત અને ફક્ત કોરોનામાં પોતાના સ્વજન ગુમાવનારના હૃદયના દર્દને વાચા આપવાનો જ છે.

આ પણ વાંચોઃ ભાસ્કર EXPOSEની ન્યાયિક તપાસની કોંગ્રેસની ઉગ્ર માગ

‘અડધી રાત્રે બોલાવાતા ચિઠ્ઠી પકડાવી રજિસ્ટરમાં સહી કરાવી મૃતદેહ સોંપી દેતા’
એક મૃતકના સગાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેમને મૃતદેહનો કબજો લેવા અડધી રાત પછી બોલાવવામાં આવ્યા હતા. કોરોના પ્રોટોકોલ મુજબ અંતિમવિધિ કરવાનું કહીને તેમને બોડી સોંપાયાના રજિસ્ટર પર સહી કરીને મૃત્યુની ચિઠ્ઠી પકડાવી રવાના કરી દેવામાં આવતા હતા. સામાન્ય સંજોગોમાં કોઈપણ હોસ્પિટલમાં મૃતદેહની સોંપણી સગાને રાત્રિના સમયે કરાતી નથી, પરંતુ કોરોનાકાળમાં આ આખી પ્રક્રિયા રાત્રે જ કરાતી હતી, કેમ?

‘મારા તો પિતા અને દાદી બંને એપ્રિલમાં જ સિવિલમાં ગુજરી ગયાં’
એક સરકારી અધિકારીએ DivyaBhaskar સાથેની વાતચીતમાં સિવિલની કામગીરી વિશે આક્રોશ ઠાલવ્યો હતો. તેમણે કહ્યું હતું કે મારા તો પિતા અને પછી દાદી બંને સિવિલ 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં જ એપ્રિલ મહિનામાં મૃત્યુ પામ્યાં હતાં, પરંતુ અહીં સિવિલમાં કદી કોઈના મૃત્યુ માટેનું કારણ દર્દીના સગાને લેખિતમાં આપવામાં આવતું જ નથી. મૃત્યુનોંધના નામે એક ચિઠ્ઠી પકડાવી દેવામાં આવે છે અને એમાં બીમારી એવું લખે છે પણ આ એના નામે કોરોના નથી લખતા.

સરકારી અધિકારીએ આગળ જણાવ્યું હતું કે મારા પિતા તો કોરોનાથી દાખલ કરાયાના એક જ દિવસમાં ગુજરી ગયા છતાં મોતમાં કોરોનાનું કારણ લખ્યું નહોતું. જ્યારે દાદીને ઓપીડીમાં બાટલો ચઢાવ્યો ત્યારે મેં અંદર જઈને જોયું તો બાટલો નીચે રખડતો હતો અને શરીરમાંથી નળી વાટે 50 એમએલ જેટલું લોહી નીચે જમીન પર ઢોળાયેલું હતું.

‘તેમના સ્વજન જોડે આવું નથી થયું ને એટલે તેમને સંવેદનાની ખબર નથી’
કોરોનાની બીજી લહેરમાં પોતાના પતિ ગુમાવનારી એક મહિલાએ DivyaBhaskarને કહ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં અંધેર તંત્ર ચાલે છે. પેશન્ટને કોઈ નાનો ઈસ્યુ હોય તોપણ ઈન્જેક્શન આપે છે. અહીં મૃત્યુ થાય એ પછી સગાંએ ચિઠ્ઠી લેવા પણ ધક્કા ખાવા પડે છે. અહીંના રેકોર્ડ રૂમમાં ફાઈલોના ઢગલા છે અને કોઈ ધ્યાન નથી આપતું. ડેથ સર્ટિફિકેટ આપવામાં પણ ધક્કા ખવડાવે છે, કોઈ રીઝન પણ નથી આપતા. બસ ધક્કા જ ખવડાવે છે અને જુનિયર ડોક્ટરોના હવાલે આખી હોસ્પિટલ ચાલે છે. સરકાર પણ મૃત્યુનો સાચો આંકડો છુપાવે છે.

મારા પતિને 19મીએ એડમિટ કર્યા અને તેમને રાત્રે જ ICUમાં લઈ ગયા પણ કોઈએ અમને કશું કહ્યું નહીં. બે દિવસ પછી તેમને તકલીફ વધી ગઈ અને અમે હેલ્પ ડેસ્કમાં 20 કોલ કર્યા તોપણ કોઈ જવાબ નહોતા આપતા અને તેમનું શું થયું એ ખબર જ નથી. બસ ડેડબોડી લઈ જવા છેલ્લો ફોન આવ્યો હતો.

‘મારી માતાને તો દાખલ કરી તેના દોઢ કલાકમાં જ ડેથ થઈ ગયું, કારણ ના મળ્યું’
એક મૃતક મહિલાના દીકરાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મારી માતાનું સિવિલ કોવિડમાં દાખલ કર્યાના દોઢ કલાકમાં જ મૃત્યુ થઈ ગયું હતું. આજદિન સુધી તેમની કોઈ ફાઈલ અમને આપી નથી. એ તો ઠીક તેમની દવાનું કોઈ પ્રિસ્ક્રિપ્શન કે કાગળ માગવા છતાં અમને કોઈ આપતું નથી. મેં કેટલી વાર કહ્યું કે મને ફાઈલો આપો, મારે બીજા ડોક્ટરને ફાઈલ બતાવવી છે કે તેમને કોરોના હતો કે નહીં અને તેમનું મૃત્યુ કેવી રીતે દાખલ કર્યાના દોઢ કલાકમાં થઈ ગયું, પરંતુ હજી સુધી કોઈ જવાબ નથી આપતું. ડેથ સર્ટિફિકેટ માટે પણ અવારનવાર ધક્કા ખવડાવે છે.

જેમને હોસ્પિટલમાંથી ડેથ સર્ટિફિકેટ આપ્યું છે એમાં પણ કારણ નથી આપ્યું
DivyaBhaskar દ્વારા આ અંગે ઈન્વેસ્ટિગેશન કરીને કઈ રીતે ગુજરાત સરકાર દ્વારા કોરોના મોતના આંકડા છુપાવવાની રમત રમવામાં આવી એનો ભાંડો ફોડવામાં આવ્યો છે. આ માટે અમે 10 એપ્રિલથી 9 મે સુધીના અમદાવાદ સિવિલમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલ અને રાજ્ય સરકારના કોરોના મોતના આંકડાઓની તપાસ કરી. આ 30 દિવસના ગાળામાં રાજ્ય સરકારના આંકડાઓ મુજબ અમદાવાદમાં કુલ 698 અને રાજ્યમાં કુલ 3578ના કોરોનાથી મોત થયાં હતાં.

પરંતુ DivyaBhaskarના ઈન્વેસ્ટિગેશન મુજબ એકલી અમદાવાદ સિવિલની 1200 બેડ હોસ્પિટલમાં જ 3416 દર્દીનાં મોત થયાં હતાં. આ તમામ 3416 દર્દી એવા હતા, જેઓ કોરોનાના હેવી ઈન્ફેક્શનને પગલે સિવિલમાં દાખલ થયા હતા, પરંતુ તેમાંથી બહુ જૂજ દર્દીનાં મોત સત્તાવાર રીતે કોરોનાથી દર્શાવાયાં હતાં. જેમને સિવિલ હોસ્પિટલમાંથી ડેથ સર્ટિફિકેટ અથવા તો મૃત્યુનોંધની ચિઠ્ઠી અપાઈ છે તેમાં પણ કોરોનાથી મૃત્યુનું કારણ અપાયું નથી.

અન્ય સમાચારો પણ છે...