ગુજરાત અને અમદાવાદમાં ડ્રગ્સ તથા નશાખોરીની માયાજાળ ખૂબ ઊંડી અને વ્યાપક પ્રમાણમાં ફેલાઈ છે. ત્યાં સુધી કે યુવાનો એકવાર આ ચુંગાલમાં ફસાય અને નશો કરવા પૈસાના સ્ત્રોત સમાપ્ત થઈ જાય તો તેમની પાસે પેડલર તરીકે ડ્રગ્સ-ડીલરો કામ કરાવે છે, આથી પણ ચોંકાવનારું સત્ય એ છે કે યુવતીઓ ડ્રગ્સના નશામાં સપડાય અને પૈસા ન હોય તો તલબ પૂરી કરવા તેઓ શરીર આપવા પણ તૈયાર થઈ જાય છે. અત્યંત પ્રતિષ્ઠિત અને ખ્યાતનામ પરિવારની યુવતીઓની આ નબળાઈનો લાભ ઉઠાવીને ડ્રગ્સ-ડીલરો રીતસરનું સેક્સ રેકેટ પણ ચલાવે છે.
આ પણ વાંચોઃ અમદાવાદના ટોચના બિલ્ડરપુત્રે ડ્રગ્સનો ઓવરડોઝ લેતાં તરફડિયાં માર્યાં, ફાઇવસ્ટાર કક્ષાની હોસ્પિટલમાં દાખલ
છેવટે યુવતીને ડ્રગ્સ-ડીલરોના ઈશારે દેહવેપાર કરવો પડ્યો
અમદાવાદની એક જાણીતી કંપનીના માલિકની દીકરીની જ વાત કરીએ. લાખોમાં રમતી આ માલિકની દીકરી કોઈ રીતે ડ્રગ્સના રવાડે ચઢી ગઈ. હાલત એવી થઈ કે ડ્રગ્સની લત પૂરી કરવાના પૈસા તેની પાસે ખૂટી પડ્યા. ડ્રગ્સ-ડીલરોને કાકલૂદી કરી પણ મફતમાં તે કાંઈ નશો થાય. છેવટે આ યુવતીને ડ્રગ્સ-ડીલરોના ઈશારે દેહવેપાર કરવાનો વારો આવ્યો. હાઈપ્રોફાઈલ ડ્રગ્સ રેકેટમાં એક કંપનીના માલિકની આ દીકરીનું નામ કેવી રીતે જોડાઈ ગયું એની તેને ખબર પણ ના પડી.
રેકેટનાં મૂળ સુધી જવા માટેના પ્રયાસો
હવે પોલીસે ડ્રગ્સના રવાડે ચઢીને શરીર વેચવા મજબૂર થયેલી આવી દીકરીઓને ઉગારવાનું બીડું ઝડપ્યું છે. શહેર પોલીસના ઝોન-3 ડીસીપી મકરંદ ચૌહાણે આ ઝુંબેશની કમાન સંભાળી છે. તેમણે દિવ્યભાસ્કરને કહ્યું હતું કે જુલાઈ 2020થી આ રીતે શરીર આપવા મજબૂર બનેલી 48 દીકરીને તેઓ આ રેકેટમાંથી ઉગારી ચૂક્યા છે. આજે તેમાંથી ઘણી દીકરીઓનાં લગ્ન થઈ ગયાં છે અને તેમનું જીવન ન બગડે એ માટે એમાં ફરિયાદ થઈ નથી. જોકે આ રેકેટનાં મૂળ સુધી જવા માટેના પ્રયાસો ચાલુ જ છે. આ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે પણ ચર્ચા થઈ છે.
પરિણીતાએ કહ્યું, અત્યંત ચોંકાવનારું પણ આઘાતજનક સત્ય
તેમણે ઉમેર્યું હતું કે જુલાઈ 2020માં કાલુપુર વિસ્તારની એક હોટલ માર્વલમાં પોલીસે રેડ કરી હતી. જોકે ત્યાં પોલીસને 20 વર્ષની એક પરિણીત યુવતી મળી હતી, જે દેખાવે સારા ઘરની લાગી. પોલીસે તેને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરી તો જે જાણવા મળ્યું એ અત્યંત ચોંકાવનારું અને આઘાતજનક સત્ય હતું. આ ઘટના પરથી જ ડ્રગ્સ-ડીલરો કેવી રીતે સારા ઘરની છોકરીઓને ફસાવીને દેહવેપાર કરાવે છે એની કડીઓ મળવાની શરૂ થઈ હતી.
લગ્ન બાદ યુવતી હાથ કેમ છુપાવતી હતી?
ડીસીપી ચૌહાણે દિવ્યભાસ્કરને કહ્યું હતું કે એ હોટલમાંથી મળેલી યુવાન પરિણીતા સાથે પહેલીવાર વાત કરી ત્યારે જ તેની મજબૂરીનો અંદેશો આવી ગયો હતો. ઉચ્ચ અભ્યાસ કરેલી અને ફાકડું અંગ્રેજી બોલતી આ પરિણીતા વારંવાર પોતાના હાથ છુપાવવા પ્રયાસ કરતી હતી. આ અંગેની તપાસ કરતાં તેના હાથ-પગ અને શરીરના અલગ અલગ ભાગમાં નીડલ-સિરિન્જનાં કાણાં જોવા મળ્યાં હતાં. શાંતિથી અને સમજાવટથી પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે તે શહેરની જાણીતી સાયન્સ કોલેજમાં ભણેલી હતી, પણ ડ્રગ્સના નશાએ તેને અહીં લાવીને મૂકી દીધી હતી.
કોરોનામાં ધંધો ઠપ થયો ને પેડલરે...
આ પરિણીતાએ પોલીસને કહ્યું હતું, તે પોતાની એક મિત્ર સાથે થોડા સમય અગાઉ એક પાર્ટીમાં ગઈ હતી, જ્યાં અજાણ્યા યુવકો આવતા હતા. અતિધનાઢ્ય પરિવારના નબીરાઓની આ પાર્ટીમાં ડ્રગ્સ લેવું સ્ટેટસ હતું અને તેની સાથેની યુવતીઓ સાથે તે પણ એમાં જોડાઈ અને ડ્રગ્સમાં ફસાઈ હતી. પછીથી તો પેડલરો પાસેથી તેણે ડ્રગ્સ લેવાની શરૂઆત કરી. પહેલા તો ઘરની આવક ખૂબ સારી હતી, એટલે પોકેટમનીમાં જ ડ્રગ્સની રકમ ચૂકવાઈ જતી હતી, પરંતુ કોરોનામાં પરિવારનો બિઝનેસ ઠપ થયો એમાં તેની પોકેટમની બંધ થઈ ગઈ, પરંતુ હવે ડ્રગ્સ વગર ચાલે એમ નહોતું. પેડલરે પણ એક-બે ડોઝ આપ્યા પણ પછી તેણે મફતમાં ડોઝ આપવાનું બંધ કરી દીધું.
હોટલમાં કલાક માટે આવવાનું અને બધું કરવાનું
હવે વધુ ડોઝ માગ્યો તો પેડલરે કહી દીધું કે પૈસા ન હોય તો કાંઈ નહીં, પણ તે કહે એ હોટલમાં કલાક માટે આવવાનું અને બધું કરવાનું. બસ, ત્યારથી તેની મજબૂરીનો લાભ ઉઠાવવાનો આ સિલસિલો શરૂ થયો હતો. પેડલર ડોઝ આપતાં પહેલાં તેને હોટલમાં લઈ જતો, જ્યાં અલગ-અલગ લોકો તેને ચૂંથતા હતા. આ ડ્રગ્સના ચલણની જાણ થતાં પરિવારે પણ તેના લગ્ન વહેલા કરવી દીધા. સાસરીમાં કોઈને ખબર ન પડે અને શરીરનાં કાણાં ન દેખાય એ માટે આખા કપડાં પહેરીને જ રહેતી હતી. લગ્ન પછી પણ ડ્રગ્સ માટે તે પેડલરને ઈશારે કામ કરતી હતી.
આ પણ વાંચોઃ એક નહીં, બે નહીં... આ છે 'આર્યન ખાન જેવા ગુજરાતના 600 નબીરા', વંદિતની સીડીઆર તપાસમાં પોલીસને લોટરી લાગી!
એક ધાર્મિક સંપ્રદાયનો સંપર્ક કર્યો
આ વાત સાંભળીને પોલીસ અધિકારી પણ ચોંકી ઊઠ્યા હતા. તેમણે આ માટે એક ધાર્મિક સંપ્રદાયનો સંપર્ક કર્યો અને આ દીકરીને યાતનામાંથી બહાર લાવવા તેના પરિવારની જાણબહાર મદદ અને સારવારની પ્રક્રિયા શરૂ કરી. જોકે પોલીસે તપાસ જારી રાખતાં ખબર પડી કે આવી તો 50 છોકરી છે, જે નશાની લતે ચઢી ગઈ છે. નશો કરવા નાણાં ન હોવાથી આ યુવતીઓ પેડલરના ઈશારે શરીર આપતી હતી. બસ, ત્યારથી પોલીસે ઝુંબેશ શરૂ કરી અને અત્યારસુધીમાં આવી 48 દીકરીને પેડલરોની ચુંગાલમાંથી ઉગારી છે, જે ફરી સામાન્ય જીવન જીવવા લાગી છે.
આ પણ વાંચોઃ છોકરીને ડ્રગ્સ ના મળે તો કાંડાની નસો કાપતી, ટીનએજર્સમાં 30થી 40% ડ્રગ્સનું પ્રમાણ વધ્યું
પોલીસ નામ બહાર ન આવે એ રીતે મદદ કરશે
આ સમગ્ર ડ્રગ્સ રેકેટ અને બ્લેકમેઇલિંગના કારસા વિશે ડીસીપી મકરંદ ચૌહાણે દિવ્યભાસ્કરને વધુમાં જણાવ્યું હતું કે આવી રીતે ફસાયેલી 48 દીકરી અમારા ધ્યાન પર આવી હતી. આ તમામને ફરી સામાન્ય જીવન જીવવા માટે અમે પ્રયાસો કર્યા અને અમે એમાં સફળ રહ્યા છીએ. આવી બીજી કોઈપણ યુવતીઓ હોય તો તેમણે પોલીસથી ડરવાની જરૂર નથી. પોલીસ તેમનું કોઈપણ રીતે નામ બહાર ન આવે એ રીતે તેમની મદદ માટે તૈયાર છે. ડ્રગ્સના ગુનેગારોને કડક સજા કરવા પણ પ્રયાસ ચાલુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.