બેઠક:જિલ્લા પંચાયતમાં સિંચાઈ સમિતિના કામને સામાન્ય સભા વગર મંજૂરી આપવા DDOનો ઇનકાર

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ક ઓર્ડર આપી દેવાયા હોવાથી પેમેન્ટ અટકાવાતા વિવાદ

અમદાવાદ જિલ્લા પંચાયતમાં સિંચાઇ સમિતિના વર્ક ઓર્ડરને સામાન્યસભા વગર મંજૂરી આપવા ડીડીઓએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. ચેરમેન ડીડીઓ સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં ડીડીઓએ પોતાનો નિર્ણય બદલવા ઇનકાર કર્યો હતો.

બીજી તરફ મોટાભાગના તાલુકામાં વર્ક ઓર્ડર આપી દેવાયા હોવાથી ડીડીઓએ પેમેન્ટ પણ અટકાવી દેવા આદેશ કર્યો હતો. સત્તાપક્ષ ભાજપના કેટલાક સભ્યોએ કહ્યું કે, સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી મંજૂરી આપી શકાય પણ ચેરમેનથી નારાજ ભાજપના અગ્રણી સભ્યોએ સૂચન જ કર્યું ન હતું. આ અંગે ડીડીઓનો સંપર્ક કરતા થઈ શક્યો ન હતો.

સિંચાઈ સમિતિની ગત 30 જુલાઈ, 2021ના રોજ બેઠક મળી હતી, જેમાં અંદાજે 4.30 કરોડના કામ મંજૂર કરાયાં હતાં. બેઠક બાદ ચૂંટાયેલા સભ્યોના આદેશથી તાલુકા કક્ષાએ 80 ટકા વર્ક ઓર્ડર પણ આપી દેવાયા હતા, પરંતુ આ મંજૂર થયેલાં કામોને બહાલી માટે 18 ઓક્ટો.2021ના રોજ મળેલી સામાન્ય સભામાં મુકાયા ન હતા. સામાન્ય સભામાં અન્ય સમિતિઓનાં કામોને બહાલી અપાઈ હતી, પરંતુ સિંચાઇ વિભાગ દ્વારા ગત 30 જુલાઈએ મળેલી બેઠકમાં મંજૂર કરાયેલાં કામો સામાન્ય સભામાં નહીં મુકાતા બહાલી મળી શકી ન હતી.

આ બેઠકમાં ભાજપના એક પણ સદસ્યે પ્રમુખ સ્થાનેથી સિંચાઇ સમિતિનાં કામોને મંજૂરી અપાવવા પ્રયાસ પણ કર્યો ન હતો. ભાજપના કેટલાક સદસ્યોએ કહ્યું કે, સિંચાઈ સમિતિના ચેરમેન મીના કુંજનસિંહ ચૌહાણથી ઘણા સભ્યો નારાજ છે. મીના ચૌહાણના પતિ કુંજનસિંહ કોઈનું સાંભળતા નથી. કુંજનસિંહ વિકાસનાં કામોમાં મનમાની કરે છે, જેથી તેમની સામે ઘણા સભ્યોને નારાજગી છે.

સામાન્ય સભા પછી સિંચાઈ ચેરમેન મીના ચૌહાણના પતિ કુંજનસિંહ ચૌહાણે ડીડીઓ સમક્ષ કામોને બહાલી આપવા વારંવાર રજૂઆત કરી હતી, પરંતુ સામાન્ય સભા વગર કામોને મંજૂરી આપવા ડીડીઓએ ઇનકાર કરી દીધો હતો. મીના કુંજનસિંહ ચૌહાણે કહ્યું કે, સિંચાઈ વિભાગના અધિકારીઓની ભૂલ છે. આ ભૂલ બદલ ડીડીઓએ સિનિયર ક્લાર્કને નોટિસ પણ આપી છે. સમિતિના પાંચ સભ્યોમાં ચાર મહિલા સભ્યો હોવાથી સભાગૃહમાં બોલી શક્યાં નથી. ડીડીઓ અનિલ ધામેલિયા હોદ્દાની રૂએ મંજૂરી આપી શકે છે, પરંતુ આપતા નથી. વર્ક ઓર્ડર પછી પેમેન્ટ અટકાવી દેવાતા મુશ્કેલી પડી રહી છે. સમિતિની ગત 15 સપ્ટે.ના રોજ મળેલી બેઠકમાં મંજૂર કરાયેલાં કામોને ગત 10 નવેમ્બરે મળેલી બેઠકમાં બહાલી આપી દેવાઈ છે. સભ્યોની નારાજગી અંગે કોઈ જાણકારી નથી.

અન્ય સમાચારો પણ છે...