DBનો પડઘો પડ્યો:અમદાવાદમાં દારૂ ખરીદવાની લાઇન અંગે દિવ્ય ભાસ્કરે કરેલા સ્ટિંગના DCPએ તપાસના આદેશ આપ્યા

અમદાવાદ3 મહિનો પહેલા
  • જવાબદાર સામે પુરાવા શોધી પગલાં લેવા માટે ઉચ્ચ અધિકારીને સૂચના આપવામાં આવી

ગુજરાતમાં દારૂબંધી માત્ર કહેવા પૂરતી જ છે. રાજ્યમાં રોજ દારૂ પકડાતો હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદ શહેરમાં કેટલાય વિસ્તારો એવા છે, જ્યાં બેરોકટોક દારૂ વેચાઈ રહ્યો છે. દિવાળીનો તહેવાર નજીકમાં જ છે અને બજારમાં ખરીદી કરવા માટે લોકોની ભારે ભીડ જામી છે. ત્યારે એક એવો પણ વિસ્તાર છે, જ્યાં લોકોની દારૂ ખરીદવા માટેની લાઈનો લાગે છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારના મુખ્ય માર્ગ પર દારૂ ખરીદવા માટે જબરદસ્ત લાઈનો લાગે છે, જેને કારણે ટ્રાફિકજામ થઈ જાય છે. ત્યારે રીતસર રેશનિંગનું અનાજ લેવા માટે લાગે એવી લાઈનો દેશી દારૂ ખરીદવા માટે લાગતી હોવાનું 25 ઓક્ટોબરે દિવ્ય ભાસ્કરે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. હવે આ કેસની તપાસ DCPએ A ડિવિઝનના ACPને સોંપી છે.

આ કેસની તપાસ A ડિવિઝન ACPને સોંપવામાં આવી
અમદાવાદના મુખ્ય માર્ગ પર દારૂની લાઈન લાગી હોવાનો અહેવાલ દિવ્ય ભાસ્કરે કર્યો હતો. દિવ્ય ભાસ્કરના સ્ટિંગ ઓપરેશનમાં રીતસર દારૂની લાઈન દેખાતી હતી. લોકોના હાથમાં દારૂની થેલીઓ દેખાતી હતી. આ અહેવાલ બાદ સ્થાનિક પોલીસની સંડોવણી હોવાની વાત સામે આવી છે, જેમાં નિવૃત્ત પોલીસકર્મી દ્વારા આ ગેરકાનૂની ગતિવિધિ એક્ટિવ રાખવામાં મદદ મળી હોવાની વિગત સૂત્રોએ જણાવી છે. આ પ્રકરણમાં DCP રવીન્દ્ર પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે આ પ્રકરણમાં તપાસ A ડિવિઝન ACPને સોંપવામાં આવી છે. જે કોઈ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

રીતસર લોકો દારૂ ખરીદવા લાઈન લગાવે છે.
રીતસર લોકો દારૂ ખરીદવા લાઈન લગાવે છે.

દારૂ ખરીદવા માટે ઊમટેલી ભીડને કારણે લોકો પરેશાન થાય છે
અમદાવાદના ઘાટલોડિયામાં સિંધવાઈ માતાના મંદિરેથી AEC બ્રિજ નીચેથી ગુરુકુળ તરફ જતા માર્ગ પર ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળે છે. સામાન્ય લોકો આ રસ્તેથી પસાર થાય ત્યારે અસહ્ય દુર્ગંધ મારતી હોય છે, પરંતુ ખરેખર આ જગ્યા જાણે બૂટલેગર અને દારૂ પીનારા લોકો માટે નિયમો બહારની હોય એવું લાગી રહ્યું છે. AEC બ્રિજ નીચેથી ગુરુકુળ તરફ આગળ વધતા જાઓ એમ દારૂ ખરીદનારાં ટોળાં વધતાં જાય છે.

પડદો ખૂલતાં જ લોકો દારૂ લેવા લાઈન લગાવે છે
દિવ્ય ભાસ્કર દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનમાં વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે આ જગ્યા પર અનેક લોકો ભેગા થાય છે અને દારુનું વેચાણ થતું હોય છે ત્યાં અંદર જવા માટે લાઈન લગાવે છે. વીડિયોમાં દેખાતાં દૃશ્યો પ્રમાણે અહીં લગાવવામાં આવેલો પડદો હટતાંની સાથે જ રીતસર દારૂનું વેચાણ શરૂ થાય છે. લોકો રોકડા રૂપિયા આપીને બિનધાસ્ત દારૂ ખરીદે છે. લાઈનમાં ઊભેલા લોકો પણ હાથમાં દારૂની પોટલી લઈને ઊભેલા દેખાય છે. સ્ટિંગ કર્યા બાગ દિવ્ય ભાસ્કરે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના PI વાય. આર. વાઘેલાને પૂછતાં તેમણે પહેલા તો પોતાની હદ ન હોવાની વાત કહી હતી. બાદમાં કહ્યું, મને આ વિશે જાણ નથી.

પોલીસ કહે છે કે આ અમારી હદમાં નથી, એટલે અમને કશી જ ખબર નથી.
પોલીસ કહે છે કે આ અમારી હદમાં નથી, એટલે અમને કશી જ ખબર નથી.

પોલીસ કહે છે, અમને આ વિશે કશી જ ખબર નથી
ગુજરાતમાં દારૂબંધી છે છતાંય અત્યંત શરમજનક વાત એ છે કે જ્યાં દારૂ ખરીદવામાં આવે છે ત્યાંથી 200 મીટર દૂર ગર્લ્સ હોસ્ટેલ, સ્કૂલ અને ધાર્મિક સ્થળ પણ છે. આટલું જ નહીં, ઘાટલોડિયા ગામમાં ઠાકોરવાસમાં પણ આ પ્રકારે દારૂ વેચાઈ રહ્યો છે. આ વેચાણ કરનારા લોકોને વિક્રમ નામની વ્યક્તિએ પરવાનો આપી દીધો છે. આ અંગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું હતું કે મને આ બાબતે કશી જ જાણ નથી અને આ વાત માનવી યોગ્ય નથી.

અન્ય સમાચારો પણ છે...