પોલીસ સામે કડક કાર્યવાહી:અમદાવાદમાં વૃદ્ધાને ઢસડીને લઈ જવાના કેસમાં ચાંદખેડાના 6 પોલીસકર્મીને DCPએ સસ્પેન્ડ કર્યા, PI કે.વી. પટેલ સામે ખાતાકીય તપાસ

અમદાવાદ7 મહિનો પહેલા
  • ચાંદખેડામાં વૃદ્ધ દંપતીને ખોટી રીતે ત્રાસ આપવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી
  • હાઈકોર્ટે સરકાર પાસે સમગ્ર ઘટનાનો રિપોર્ટ માગ્યો, 15 ડિસેમ્બરે હાથ ધરાવાની છે

અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનના પોલીસકર્મચારીઓ ચાંદખેડા વિસ્તારમાં રહેતા વૃદ્ધાને ઘરમાંથી ઢસડી લઇ ગયા હતા, જેના સીસીટીવી ફૂટેજ પણ વાઇરલ થયા હતા. એ મામલે વૃદ્ધે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ સમગ્ર બાબત સામે આવતાં પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા, જેને પગલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્કવોડમાં ફરજ બજાવતાં 6 પોલીસકર્મીને ડીસીપી ઝોન 2 વિજય પટેલે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે અને પીઆઇ કે.વી. પટેલ સામે ખાતાકીય તપાસના આદેશ કરાયા છે. આ મામલે ઝોન 2 ડીસીપી વિજય પટેલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.વી. પટેલ સામે ખાતાકીય તપાસના આદેશ માટે પોલીસ કમિશનર સાહેબને જાણ કરી છે અને ડી સ્ટાફના 6 પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા છે.

સસ્પેન્ડેડ કર્મચારી
હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણજી જીવાજી
હેડ કોન્સ્ટેબલ કલ્પેશ પ્રેમજી
કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર નવઘણભાઈ
કોન્સ્ટેબલ કાર્તિકકુમાર મનુભાઈ
કોન્સ્ટેબલ પાયલબહેન દિનેશભાઈ
મહિલા કોન્સ્ટેબલ અરુણાબહેન જયંતીભાઈ

વૃદ્ધ દંપતીને મારવા, ઢસડવા સામે હાઈકોર્ટમાં અરજી કરાઇ હતી
ચાંદખેડામાં વૃદ્ધ દંપતીને મારવા, ઢસડવા, ખોટી રીતે ત્રાસ આપવાના આક્ષેપ સાથે ચાંદખેડાના પોલીસ-ઈન્સ્પેક્ટર કે.વી. પટેલ અને આઈબીના પીઆઈ સામે હાઈકોર્ટમાં અરજી કરાઇ હતી. સુનાવણી બાદ હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે આ સમગ્ર ઘટનાનો રિપોર્ટ માગ્યો છે અને કેસની વધુ સુનાવણી 15 ડિસેમ્બરે હાથ ધરાવાની છે. હાઈકોર્ટમાં અરજદારે માગ કરી હતી કે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધો અને કાયદા મુજબ પગલાં લો, વળતર પેટે તેમને પાંચ લાખની ચુકવણી કરવામાં આવે અને સરકારી ખર્ચે પોલીસ રક્ષણ આપો.

વૃદ્ધને ઘરમાંથી ઢસડીને લઈ જવાતા સીસીટીવી ફૂટેજ પણ વાઇરલ થયા હતા.
વૃદ્ધને ઘરમાંથી ઢસડીને લઈ જવાતા સીસીટીવી ફૂટેજ પણ વાઇરલ થયા હતા.

પીઆઈએ હેરાન કરવાના ઈરાદે ખોટી ફરિયાદ પણ કરી
સુનાવણી દરમિયાન હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે આઈબીના પોલીસ-ઈન્સ્પેક્ટરે હેરાન કરવાના ઈરાદે તેમના પુત્ર સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ખોટી રીતે ફરિયાદ કરી હતી, જેમાં તેમના પુત્ર પર આક્ષેપ કર્યો છે કે તેણે આઈબીના પીઆઈ પાસેથી બહુ મોટી રકમ ઉછીની લીધી છે, જે તે પરત આપતો નથી. આ કેસમાં પોલીસે અરજદાર બીમાર વૃદ્ધ મહિલાને ઘરમાંથી ઢસડીને અને તેમના વૃદ્ધ પતિને ખાટલા સાથે ઘરની બહાર કાઢ્યા હતા અને માર્યા હતા.

અરજદારે હાઈકોર્ટ સમક્ષ ફોટા અને અન્ય પુરાવા પણ રજૂ કર્યા
તેમને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને હેરાન કર્યા હતા. આ ઉપરાંત કોઈપણ પૂછપરછ વગર ચાંદખેડા પોલીસ અને આઈબીના પીઆઈ તેના પુત્રને ઉઠાવી ગયેલા અને પોલીસ સ્ટેશનમાં પુત્ર પર માનસિક અત્યાચાર ગુજારેલો. અરજદારે એ પણ રજૂઆત કરેલી કે તેના પુત્ર પાસે પોલીસે દસ્તાવેજો પર પરાણે સહી કરાવેલી છે. આ કેસમાં અરજદારના પુત્ર પૈસા ઉછીના લીધા હોય તો તેનાં માતા-પિતાને ત્રાસ શા માટે અપાયો છે. આ કેસને લઈને અરજદારે હાઈકોર્ટ સમક્ષ ફોટા અને અન્ય પુરાવા પણ રજૂ કર્યા હતા.

વિજય પટેલ, DCP ઝોન-2.
વિજય પટેલ, DCP ઝોન-2.

ચાંદખેડા પોલીસની ડિટેક્શન પર કોઈ ખાસ કામગીરી નથી
ઉલ્લેખનીય છે કે ચાંદખેડા વિસ્તારમાં દારૂ, જુગાર અને ગુનાહિત પ્રવૃત્તિઓની અનેક ફરિયાદ ઊઠી છે, જેમાં ચાંદખેડા પોલીસની ડિટેક્શન પર કોઈ ખાસ કામગીરી નથી, પરંતુ દારૂ, જુગાર અને અરજીઓ પર પોલીસ તોડબાજી કરવામાં સક્રિય હોવાની કામગીરી વધુ હોવાની ફરિયાદ થઈ હતી. પીઆઇ કે.વી. પટેલના ખાસ ગણાતા જૂના પોલીસકર્મીનો આ વિસ્તારમાં દબદબો છે, જેથી ગેરકાયદે પ્રવૃત્તિઓ સરળતાથી ચાલતી હોવાની ફરિયાદ ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી હતી. એમાં સાબરમતી અને ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટા પાયે તેનો દબદબો ચાલે છે. ગુજરાત હાઇકોર્ટમાં ફરિયાદ આવતાં હવે પોલીસકર્મીઓ સામે કડક પગલાં ભરવા પડ્યાં છે.

ચાંદખેડા પીઆઈ સામે પણ તપાસ થશે
પોલીસ કર્મચારીઓને સૂચના ચાંદખેડા પીઆઈ કે.વી.પટેલે આપી હતી. આ પ્રકરણમાં પીઆઈ પણ તેટલા જ જવાબદાર છે. તેમની સામે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. - વિજય પટેલ, ડીસીપી ઝોન-2

પોલીસ સ્ટેશનમાં જ સમાધાન થઈ ગયું
ચાંદખેડા પોલીસ જ્યારે રેવાબહેન અને નાગજીભાઈને પોલીસ સ્ટેશન લઈને પહોંચી ત્યારે તેમનો દીકરો રાજુ રબારી અને પીઆઈ રાઠોડ પોલીસ સ્ટેશનમાં હાજર જ હતા. સમાધાન થઇ જતા ફરિયાદ નોંધી ન હતી.

અન્ય સમાચારો પણ છે...