તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર પહેલ:હું પહેલેથી જ માનસિક બીમાર છું, હવે કોરોનાને કારણે વધારે ભય લાગે છે: જાણો આ વિશે શું કહે છે ડૉ.પ્રશાંત ભીમાણી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી તાંડવ મચાવી રહી છે. આવામાં લોકોમાં કોરોના તેમજ વેક્સિનને લઈને અનેક સવાલો ઉભા થયા છે. સાથે વર્ક ફોર્મ હોમ કરવાથી તેમજ સતત ઘરમાં જ રહેવાથી તેમની લાઈફ સ્ટાઈલ પર અનેક પ્રકારના ચેન્જ જોવા મળી રહ્યા છે. ત્યારે આઈકોલોજિસ્ટ ડો. પ્રશાંત ભીમાણીએ આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો તે અંગે કેટલીક માહિતી શેર કરી છે. સાથે લોકોના સવાલોના જવાબ તેમજ યોગ્ય રસ્તો પણ બતાવ્યો છે.

સવાલ: મારો 21 વર્ષનો પુત્ર ટીવાય બીકોમમાં છે. એ નાની બાબતોમાં પણ સ્ટ્રેસ લે છે અને બીમાર પડે છે. એનું મૉરલ મજબૂત કરવા શું કરવું?
જવાબ : ઘણીવાર નાની-મોટી બીમારી પાછળ માનસિક સ્ટ્રેસ પણ કારણરૂપ હોય છે. જેને સાઇકોસોમેટીક ડિસઓર્ડર કહેવામાં આવે છે. એટલે કે તમને શરીરમાં દેખાતા રોગનું કારણ મનમાં હોય એવું બની શકે છે. પર્ફોમન્સ એન્ઝાઇટીના લીધે પણ સ્ટ્રેસ થાય છે. ઘરે નિયમિત હળવી કસરત કરવાનું રાખો. નાના-નાના ગૉલ નક્કી કરો અને તેને અચીવ કરવાના પ્રયત્નો કરો. તેનાથી ફાયદો થશે. અભ્યાસથી ડરીને દૂર ભાગવાથી કશો અર્થ સરવાનો નથી. એના કરતા આપણા ગૉલ પર ફોકસ કરીને તેને પામવા માટે પ્રયત્નશીલ રહેવું.

સવાલ: મારા મમ્મીને એન્જિયોપ્લાસ્ટી કરાવ્યું હતું. છેલ્લાં 1 વર્ષથી છાતીમાં દુ:ખાવાની સમસ્યા રહે છે. સાથે જ 10-12 વર્ષથી શરીરમાં કોઈને કોઈ સમસ્યા રહે છે જેનું કારણ નેગેટિવ વિચારો છે. એણે કુટુંબમાં દરેક જણનું ખૂબ ધ્યાન રાખ્યું અને સેવા કરી પણ બદલામાં એટલો પ્રેમ અને સહકાર મળ્યો નથી. ભાઈએ અન્ય જ્ઞાતિની યુવતી સાથે લગ્ન કર્યા એની પણ મન પર ઊંડી અસર થઈ છે. યોગ્ય માર્ગદર્શન આપશો.
જવાબ : જો હૃદયના ડોક્ટરોએ કહ્યું હોય કે બધુ બરાબર છે તો ચોક્કસપણે આ વિચારોના કારણે થતો દુ:ખાવો છે. એના માટે મનને શાંત કરવું જરૂરી છે. જે પરિસ્થિતિ છે તેનો સ્વીકાર કરીને આગળ ચાલવામાં જ ભલાઈ છે. લોકો શું કહેશે એવું વિચારીને આપણી જાતને અને આપણા પરિવારને મુશ્કેલીમાં મૂકવો નહીં. તમે બીજા માટે ઘણું કર્યું છે એ વિચારને તમે તમારા ભૂતકાળ પર ગર્વ કરો, નહીં કે અફસોસ. આપણે બદલાની ભાવનાથી કોઈનું કામ નથી કર્યું. જો જરૂર પડે તો એમણે ચોક્કસપણે માનસિક સારવાર લેવી જોઈએ.

સવાલ: હું પહેલેથી જ માનસિક બીમાર છું. રોજ બીક લાગે છે. હોસ્પિટલ ચેક કરાવવા જાઉં છું તો ડૉક્ટર કહે છે કે કશું નહીં થાય. માનસિક સારવારની દવા લીધી પણ ફરક નથી પડતો. મારી નાની બેબી છે. હવે કોરોનાને કારણે વધારે ભય લાગે છે. મારું મનોબળ ખૂબ જ નબળું છે.
જવાબ : આ જે તકલીફ છે એને એન્ઝાઇટી તથા પેનિક ડિસઓર્ડરની તકલીફ કહેવામાં આવે છે. એના માટે તમારે જાતે રિલેક્સેશન કરતા શીખવું જોઈએ. બ્રિધિંગ એક્સરસાઇઝ શીખવી જોઈએ. અને રોજનું ચાલવાનું કમ્પલસરી કરવું જોઈએ. જ્યારે બીજા ડૉક્ટરોએ, ફિઝિશિયનોએ કહ્યું હોય કે બધું બરાબર છે તો તમને કોઈ તકલીફ થવાની નથી. તમારે જરૂર સાઇકોલોજીકલ ઇમ્યુનિટી વધારવાની છે. એ માટે તમારી કોઈની પણ સાથે વાત કરવી જરૂરી છે. બીજા લોકો સાથે વાત કરો. પણ પેનિક કરીને નાની નાની વાતોમાં હોસ્પિટલ દોડી જશો નહીં. એના બદલે દવાઓની સાથે સાઇકો થેરાપી અને કાઉન્સલિંગ લો. તેનાથી ફરક પડશે.

સવાલ: મારી દીકરી એન્ઝાઇટી અને કોરોનાના ભયથી પીડિત છે. તે બે સંતાનોની માતા છે. તેની દવાઓ ચાલી રહી છે પણ તેને એન્ઝાઇટી અટેક આવે છે અને તેના પગ ધ્રુજવા લાગે છે.
જવાબ : આ તકલીફને પણ એન્ઝાઇટી ડિસઓર્ડર જ કહેવાય છે. એમાંથી બહાર નીકળવા માટે તમારે તમારી જાત પર એ ભરોસો રાખવાનો છે કે જે જવાબદારી છે એને ઉપાડવા માટે તમે સક્ષમ છો. તમે બાળકો સાથે સરળ રીતે વાત કરો. ઘરના બીજા લોકો સાથે પણ પોઝિટિવ બિહેવિયર રાખો. તમે કરો શકશો. ઇમ્પોસિબલ નથી. અને બની શકે કે ક્યારેક દવાઓની અસર થતા વાર લાગે. પણ તમારી કોઈની સાથે ક્લિનિકલ વાત કરવાની જરૂર હોય તો તમે માર્ગદર્શન લઈ શકો છો.

અન્ય સમાચારો પણ છે...