ગુજરાત વિધાનસભામાં આજે ભૂપેન્દ્ર પટેલ સરકારના નાણામંત્રી કનુ દેસાઇએ રજૂ કરેલું અંદાજપત્ર સંપૂર્ણ ચૂંટણીલક્ષીની સાથે એકદમ ચીલાચાલુ હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. આ ઉપરાંત આ બજેટમાં અગાઉની રૂપાણી સરકારે શરૂ કરેલી વિવિધ યોજનાઓને પૂર્ણ કરવા 60% જેટલી રકમની જોગવાઇ કરવામાં આવી છે, તેથી એવું પણ કહી શકાય કે રૂપાણી સરકારને કામગીરીનું પ્રતિબિંબ આ બજેટમાં સંપૂર્ણપણે દેખાયું છે.
નાણામંત્રીનું પહેલું બજેટ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે મતદારોને આકર્ષવા માટે બજેટમાં નવી યોજનાઓ અને રાહતોની આશા રાખીને પ્રજા બેઠી હતી. પરંતુ આ બજેટમાં સૌથી વધુ મહિલાઓ અને યુવાનોની સાથે આદિવાસી મતદારોને રિઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ જણાય છે. આ બજેટમાં મહિલાઓ માટેની જો કોઈ ગત વર્ષની સરખામણીમાં 42 ટકા વધુ કરવામાં આવી છે તેથી એવું પણ કહી શકાય કે આ બજેટ જેન્ડર બજેટ છે.
વિધાનસભા ચૂંટણી જીતવા બજેટમાં પ્રાધાન્ય
2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પાતળી બહુમતી સાથે સત્તા મળી હતી. તેનું 2022ની ચૂંટણી સાથે વિશ્લેષણ કરતા ભાજપના નેતાઓના ધ્યાનમાં અને સર્વેમાં એવું બહાર આવ્યું હતું કે, ભાજપે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 150થી વધુ બેઠકો મેળવવી હોય તો સૌથી વધુ મહિલાઓ અને યુવાનોની સાથે આદિવાસીઓના વધુને વધુ મત મેળવવા પડશે. ભાજપના આ સર્વેના આધારે બજેટમાં મહિલાઓ અને યુવાનોને વધુમાં વધુ પ્રાધાન્ય આપવાની કોશિશ કરવામાં આવી છે.
બજેટમાં પ્રજાને અનેક આશા-અપેક્ષાઓ હતી
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારના પ્રથમ અને ચૂંટણી પહેલાના અંતિમ બજેટમાં પ્રજાને અનેક આશાઓ અને અપેક્ષાઓ હતી. ખાસ કરીને ગુજરાતના વિવિધ વિસ્તારોની માગણીઓના અનુસંધાને સરકાર બજેટમાં અલગ અલગ પ્રકારની નવી યોજનાઓ જાહેર કરશે તેવું અનુમાન હતું. પરંતુ પટેલ સરકારના બજેટમાં નવી યોજનાઓના બદલે અગાઉની વિજય રૂપાણીની સરકારે શરૂ કરેલી યોજનાઓના કામો જે બાકી રહી ગયા છે, તે પૂરા કરવા માટે બજેટમાં 60 ટકા જેટલી રકમની જોગવાઈ કરવામાં આવી છે. એટલે એવું પણ કહી શકાય કે આ બજેટમાં કંઈ નવું નથી માત્ર રૂપાણી સરકારે શરૂ કરેલી અને પ્રજાલક્ષી યોજનાઓને પૂરી કરવા અને આગળ વધારવા માટે પટેલ સરકારે માત્ર નાણાંની ફાળવણી કરીને સંતોષ માન્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.