સોલા ઉમિયા કેમ્પસથી જાહેરાત:કડવા પાટીદાર સમાજની દિકરીઓને માત્ર 1 રૂપિયાની ટોકન ફીથી IAS-IPS તથા સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ અપાશે

અમદાવાદ2 મહિનો પહેલા
સોલા ઉમિયા કેમ્પસ ખાતે યોજાયેલા કાર્યક્રમની તસવીર
  • સોલા ઉમિયા કેમ્પસની વિશાળ જમીન પર રૂપિયા 1500 કરોડના ખર્ચે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સાકાર થશે
  • ઉમિયા માતાજીનું 136 ફૂટ ઉંચું ભવ્ય મંદિર અને અદ્યતન હોસ્ટેલનું નિર્માણ કરાશે
  • પૂર્વ અમદાવાદમાં પણ ઉમિયા માતાજીનું મંદિર અને સોલા ઉમિયા કેમ્પસ જેવી સંસ્થા બનાવવાનો નિર્ણય લેવાયો

કડવા પાટીદાર સમાજની દિકરીઓને સોલા ઉમિયા કેમ્પસ ખાતે માત્ર એક રૂપિયાની ટોકન ફી લઈને IAS-IPS તથા સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેની તાલીમ આપવામાં આવશે. કડવા પાટીદાર સમાજની દિકરીઓ માટે અત્યંત મહત્વપુર્ણ જાહેરાત કરવામાં આવી હતી. સોલા ઉમિયા કેમ્પસ ખાતે આગામી તારીખ 11 થી 13 ડિસેમ્બર 2021 દરમિયાન યોજાનારા ભવ્યાતિભવ્ય શિલાન્યાસ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે અમદાવાદ અને ગાંધીનગરની પાટીદાર બહેનો માટે મહિલા મહાઅધિવેશનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 4000 કરતાં પણ વધારે મહિલાઓ પધારી હતી.

1500 કરોડના ખર્ચે સોલા ઉમિયા કેમ્પસમાં મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સાકાર થશે
આ પ્રસંગે શ્રી ઉમિયા મતાજી સંસ્થાન ઉંઝાના મંત્રી દિલીપ નેતાજીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી કે ઉમિયા કેમ્પ ખાતે ઉમિયા કેરીયર ડેવલોપમેન્ટ કાર્યરત છે. જેમાં સરકારના વિવિધ વિભાગો માટે યોજાતી સ્પર્ધાત્મક પરિક્ષાઓ તથા IAS-IPS માટે યુપીએસસી-જીપીએસસીની પરીક્ષા આપનાર દિકરીઓને માત્ર એક રૂપિયાના ટોકનથી તાલીમ આપવામાં આવશે. સોલા ઉમિયા કેમ્પસની વિશાળ જમીન પર રૂપિયા 1500 કરોડના ખર્ચે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સાકાર થશે.

સમાજમાંથી કુરિવાજો દૂર કરવા શપથ લેવડાવાયા
સમાજમાંથી કુરિવાજો દૂર કરવા શપથ લેવડાવાયા

અદ્યતન હોસ્ટેલ, બેન્ક્વેટ હોલનું નિર્માણ કરાશે
જેના ભાગરુપે આગામી તારીખે 11 થી 13 ડિસેમ્બર 2021 દરમિયાન ભવ્યાતિભવ્ય શિલાન્યાસ કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે. જે પ્રોજેક્ટ અંતર્ગત ઉમિયા માતાજીનું 136 ફૂટ ઉંચું ભવ્ય મંદિર નિર્માણ કરાશે. તમામ જ્ઞાતિના શ્રધ્ધાળુઓ માટે ભોજન વ્યવસ્થા, બેન્ક્વેટ હોલ ઉપરાંત 1500 દિકરીઓ અને વર્કીંગ વુમન માટે અત્યંત સુવિધાયુક્ત અદ્યતન હોસ્ટેલ નિર્માણ કરવામાં આવશે.

'મા ઉમિયા શરણમ મમ' મંત્રનો રેકોર્ડ બનાવાશે
51 કરોડ જેટલા 'મા ઉમિયા શરણમ મમ' મંત્ર લખેલી મંત્ર બુકને સ્થાપિત કરવામાં આવશે. મહત્વપૂર્ણ વાત એ છે કે માત્ર 100 જ દિવસમાં 51 કરોડ મંત્ર લખીને મંત્ર લેખન બૂક તૈયાર કરાશે. 100 દિવસના ટૂંકા ગાળામાં 51 કરોડ મંત્ર લખવાનો રેકોર્ડ થશે. કોઈપણ મંદિર, ધાર્મિક સંસ્થા દ્વારા 100 દિવસમાં 51 કરોડ મંત્ર લેખન તૈયાર કરાયા નથી. મા ઉમિયા માતાજી સંસ્થાનના વહીવટમાં બહેનોની શક્તિને પ્રાધાન્ય આપવાના નિર્ણય અંતર્ગત કમિટીમાં બહેનોની સંખ્યા વધારીને 51 કરવાનો નિર્ણય કરાયો છે.

4000થી વધુ બહેનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહી
4000થી વધુ બહેનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહી

CM પટેલના હસ્તે ભૂમિપૂજન કાર્યક્રામ યોજાશે
​​​​​​​
સામાન્યમાં સામાન્ય પાટીદાર સભ્ય પણ ગૌરવભેર કહી શકે કે મંદિરનો માલિકી હક્ક મારો છે, એટલે જ દરેક વ્યક્તિને વહીવટી કાર્યમાં સામેલ કરવામાં આવશે. 20 નવેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન કાર્યક્રમ યોજાશે. જેમાં 10 હજાર કરતાં પણ વધારે શ્રધ્ધાળુઓ ભાગ લેશે. મહિલા મહાઅધિવેશન કાર્યક્રમના મુખ્ય આયોજક અને મહિલા કન્વિનર ડો.જાગ્રુતી પટેલે ઉપસ્થિત બહેનોને શપથ લેવડાવ્યા હતા. સમાજમાંથી કુરીવાજ દુર કરવા, વિધવા બહેનોને માન સન્માન આપવા, તેવી બહેનોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા, દુષણો દુર કરવા, ખોટા ખર્ચાઓથી બચવા માટે વિવિધ પ્રેરણાદાયી શપથ લેવડાવવામાં આવ્યા હતા.

બહેનોને લાવવા-લઈ જવા 30 બસોની વ્યવસ્થા કરાઈ
અમદાવાદને ગાંધીનગરથી બહેનોને સ્થળ પર લાવવા અને પરત જવા માટે 30 જેટલી એએમટીએસ બસની વ્યવસ્થા કરવમાં આવી હતી. ડો.જાગ્રુતી પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, વહીવટી શક્તિ, યુવા શક્તિ, મહિલા શક્તિનો સમાજના ઉત્થાન અને વિકાસ માટે મહત્તમ ઉપયોગ કરવાનો પ્રયાસ છે. નાના બાળકોથી લઈને તમામ ઉંમરના લોકો સંગઠીત બનશે તો સમાજ ઓજસ્વી અને તેજસ્વી બનશે. બહેનોએ પણ મંદિર નિર્માણ માટેની 500 રૂપિયાની એક ઈંટ માટે દાનની સરવાણી વહાવી હતી. જેમાં બહેનોએ 500 રૂપિયાથી 5000 રૂપિયા સુધીના દાન કર્યા હતા. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ મા ઉમિયા માતાજીનું મંદિર અને સોલા ઉમિયા કેમ્પસ જેવી સંસ્થાના નિર્માણની કાર્યવાહીને ઝડપી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.