તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Daughter in law's Dowry Complaint Against Retired Principal Judge Of Family Court; The Father in law Wanted A Silver Biscuit In The Dowry

વિવાદ:ફેમિલી કોર્ટના નિવૃત્ત પ્રિન્સિપલ જજ વિરુદ્ધ પુત્રવધૂની દહેજની ફરિયાદ; સસરા દહેજમાં ચાંદીનું બિસ્કિટ માગતા હતા

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દીકરો જોઈતો હોવાથી 3 માસની દીકરી સાથે પુત્રવધૂને પિયર મૂકી આવ્યા હતા
  • જ્યારે સાસુ અને પતિ દીકરીનો જન્મ થતાં મારઝૂડ કરતા હોવાની વાસણા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

ફેમિલી કોર્ટના નિવૃત્ત પ્રિન્સિપલ જજ વિરુદ્ધ પુત્રવધૂએ દહેજ અને શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, પુત્રવધૂની કૂખે દીકરી જન્મતા, દીકરો જોઈતો હોવાનું કહીને 3 માસની દીકરી સાથે તેને પિયર મૂકી આવ્યા હતા. સસરા દહેજમાં ચાંદીનું બિસ્કિટ માગતા હોવાથી, મહિલાએ પતિ, સાસુ-સસરા વિરુદ્ધ વાસણામાં ફરિયાદ નોંધાવી છે.

મૂળ સુરેન્દ્રનગરની અને હાલમાં ન્યૂ વાસણાના શ્રીસદન ફ્લેટમાં રહેતી જ્ઞાનેશ્વરી(26)એ પતિ સુરેશ, સસરા હિમાંશુ જગન્નાથ જોશી અને સાસુ જ્યોતિબેન વિરુધ્ધ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેના લગ્ન 2017માં ભાવનગરના સુરેશ સાથે થયા હતા. લગ્ન બાદ જ્ઞાનેશ્વરી પતિ સુરેશ, સાસુ અને સસરા સાથે એલિસબ્રિજ સત્યમ ફ્લેટમાં રહેતી હતી. ત્યારે તેના સસરા હિમાંશુભાઈ સિટી સિવિલ કોર્ટમાં જજ તરીકે સેવા આપતા હતા. જ્યારે પતિ સુરેશ કોઈ કામ ધંધો કરતો ન હતો. ત્યારબાદ હિમાંશુભાઈની વડોદરા ટ્રાન્સફર થતાં સાસુ-સસરા વડોદરા રહેવા ગયા હતા. જ્યારે જ્ઞાનેશ્વરી અને સુરેશ ગોતા સિલ્વર ગાર્ડનમાં રહેવા ગયા હતા. ફેબ્રુઆરી 2018માં હિમાંશુભાઈની ગાંધીનગર ટ્રાન્સફર થતા તેઓ ગાંધીનગર રહેવા આવતા જ્ઞાનેશ્વરી અને સુરેશ પણ તેમની સાથે ગાંધીનગર રહેવા ગયા હતા.

ત્યારે જ્યોતિબેન ઘરકામ-જમવા અને નાની-નાની વાતે મેણાં ટોણાં મારી શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. દરમિયાન 1 માર્ચ 2019ના રોજ જ્ઞાનેશ્વરીની કૂખે દીકરી જન્મતા પતિ, સાસુ અને સસરાએ અમારે દીકરો જોઈતો હતો, દીકરી નહીં. તેમ કહી હેરાન પરેશાન કરી મારઝૂડ કરતા જ્ઞાનેશ્વરીએ માતા-પિતાને વાત કરી હતી. પરંતુ દીકરીનો ઘરસંસાર ન બગડે એટલે તેઓએ સમજાવીને મામલો શાંત પાડ્યો હતો. જ્યારે હિમાંશુભાઈ દહેજમાં ચાંદીનું બિસ્કિટ માગતા હતા. જો કે દીકરી જન્મના 3 મહિના બાદ જ સાસુ-સસરાના કહેવાથી પતિ જ્ઞાનેશ્વરીને તેના પિયર વાસણા મુકી ગયો હતો. ત્યારબાદ વારંવાર કહેવા છતા પતિ, સાસુ કે સસરા જ્ઞાનેશ્વરી અને દીકરીને તેડી ગયા ન હતા. જેથી જ્ઞાનેશ્વરીએ ફરિયાદ નોંધાવી હતી. વાસણા પીઆઈ એ.એલ.મહેતા એ જણાવ્યું હતું કે, હિમાંશુભાઈ જોશી હાલમાં નિવૃત્ત જીવન વિતાવે છે. જો કે જ્ઞાનેશ્વરીની ફરિયાદના આધારે તપાસ આદરી છે. જો કે, હાલમાં કોઇની ધરપકડ કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...