નાની-નાની વાતે ત્રાસ આપતાં સાસરિયાંએ પુત્રવધૂને ઘરમાંથી કાઢી મુકી હતી. જો કે સાસુ-સસરાએ ગુજારેલા ત્રાસની વાતો પુત્રવધૂના મગજમાં એટલી હદે ઘૂમ્યા કરતી હતી કે નોકરીથી અડધી રજા લઈને ઘરે જવા નીકળેલી પુત્રવધૂએ ઈસ્કોન બ્રિજ પરથી પડતું મૂક્યું હતું. લાંબી સારવાર બાદ પુત્રવધૂનું મોત નીપજતાં તેના ભાઈએ સાસુ-સસરા, નણંદ અને ફોઈસાસુ વિરુદ્ધ દૂષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.
ફતેહવાડીમાં રહેતા ફેનિલ ઠાકોરની બહેન ક્રિષ્ના (ઉં.21)ના લગ્ન 2020માં ઘુમામાં રહેતા અમિત ચાવડા સાથે થયાં હતાં. લગ્નના થોડા સમય બાદ ક્રિષ્નાને સાસુ સમીબેન, સસરા દશરથભાઈ, નણંદ શ્રદ્ધા અને ફોઈસાસુ જશીબેન નાની અમથી વાતે ઝઘડા કરી હેરાન કરતાં હતાં.
આઠ મહિના પહેલાં સાસરિયાંએ ક્રિષ્નાને કાઢી મૂકતા ફેનિલ તેને ઘરે લઈ આવ્યો હતો, જ્યારે થોડા સમય બાદ ક્રિષ્નાએ ઈસ્કોનના રિલાયન્સ મોલમાં નોકરી શરૂ કરી હતી. પિતા જયેશભાઈ ક્રિષ્નાને નોકરીએ રોજ લેવા-મૂકવા જતા હતા. 18 જાન્યુઆરીએ ક્રિષ્ના એકલી નોકરીએ ગઈ હતી, જ્યારે બપોરે ઈસ્કોન બ્રિજ પરથી ક્રિષ્નાએ પડતું મૂક્યું હતું. ગંભીર રીતે ઈજાગ્રસ્ત ક્રિષ્નાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઇ હતી. જોકે તબિયત સુધરતાં તેને રજા આપતાં ઘરે લઈ ગયા હતા.
ક્રિષ્નાને ફેનિલે કહ્યું કે, હું ઘણાં સમયથી રીસામણે છું, સાસુ-સસરા, નણંદ અને ફોઈસાસુ તેને અને અમિતને અલગ પાડવા માટે ક્રિષ્ના પર માનસિક ત્રાસ ગુજારતા હતા. એટલું જ નહીં અમિતને ક્રિષ્ના સાથે વાત કરવાની ના પાડતાં હતાં, જેથી ક્રિષ્ના નોકરીએ જાય ત્યારે તેના મગજમાં સાસુ-સસરાની વાત ઘૂમ્યા કરતી હતી, જેથી તે દિવસે ક્રિષ્નાએ નોકરીએથી અડધી રજા લઈ ઈસ્કોન બ્રિજ પહોંચી અને બ્રિજ પરથી પડતું મૂક્યું હતું. હોસ્પિટલથી રજા આપ્યા બાદ ફરી વખત તબિયત બગડતા ક્રિષ્નાને હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ અંગે ફેનિલે ક્રિષ્નાના સાસુ-સસરા, નણંદ અને ફોઈસાસુ વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે દૂષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ આદરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.