આપઘાત:સસરાએ સંબંધ રાખવા દબાણ કરતા પુત્રવધૂએ આપઘાત કર્યો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ‘પુત્રીનો ખર્ચ કોણ ઉપાડશે’ કહી દહેજ માગતા હતા
  • કારંજ પોલીસે​​​​​​​ પતિ-સાસરિયાં વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો

કારંજમાં રહેતી યુવતીને પતિ-સાસરિયાં દહેજની માગણી કરીને હેરાન કરતાં હતાં, તો સસરા શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરી ત્રાસ આપતા હતા. આ બધી બાબતોથી કંટાળી અન્ય કોઈ રસ્તો ન દેખાતા પરીણિતાએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે મૃતકના પિતાએ કારંજ પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયા સામે દુષ્પ્રેરણા અને છેડતીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ રાજસ્થાની અને હાલ રાયપુરમાં રહેતી યુવતીના લગ્ન 2019માં કારંજ ખાતે રહેતા યુવક સાથે થયા હતા. લગ્ન બાદ પતિ-સાસરિયાં શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. તેને કહેતા કે ‘તું ભૂખ્યા ઘરમાંથી આવેલી છું અને દહેજમાં કશું લાવી નથી અમને તો બીજી સારી વહુ મળત, જે વધારે દહેજ લાવી હોત. તેમ કહીને સતત હેરાન કરી દહેજમાં 5 લાખ રોકડા અને કાર લાવવા દબાણ કરતા હતા.

બીજી બાજુ યુવતી જ્યારે રૂમમાં એકલી હોય ત્યારે સસરા રૂમમાં આવી તેના શરીરને સ્પર્શ કરવાનાે પ્રયાસ કરી તેની સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરીને હેરાન પરેશાન કરતા હતા. મહિલાએ જ્યારે દીકરીને જન્મ આપ્યો ત્યારે દીકરીનો ખર્ચ કોણ ઉઠાવશે? તેમ કહી મેણાં-ટોણાં મારીને ત્રાસ આપતા હતા.

સાસરિયાંના ત્રાસથી તંગ આવેલી યુવતીએ 6 ડિસેમ્બરે બપોરે ઘરમાં પંખાના હૂક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જેની જાણ મૃતકના પિતાને થતા તેઓ દોડી આવ્યા અને તેમણે કારંજ પોલીસ સ્ટેશનમાં પતિ-સાસરિયાં વિરુદ્ધ દુષ્પ્રેરણા અને છેડતીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...