માની મમતાની જીત:અમદાવાદનો કિસ્સો; પતિ-પત્નીના ઝઘડામાં દીકરી માતાથી દૂર થઈ, મહિલા હેલ્પલાઈનની ટીમે માતા-દીકરીનું મિલન કરાવ્યું

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પિતા સાથે રહેતી દીકરીને મળવા આવેલી માતાને પોલીસ સ્ટેશનનો ઓર્ડર બતાવીને ના પાડવામાં આવી
  • મહિલાએ અભયમ હેલ્પલાઈનનો સંપર્ક કરતા 9 મહિના બાદ માતા-દીકરીની મુલાકાત થઈ.

સમાજમાં પતિ અને પત્ની વચ્ચેના ઝઘડામાં બાળકોનુ ભવિષ્ય જોખમમાં મુકાતું હોય છે. ખાસ કરીને નાના બાળકો જે માતાથી દૂર રહી શકતા નથી. શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા તેઓ અલગ રહેતા હતા અને નાની દીકરી તેના પિતા પાસે રહેતી હતી. માતાને અઠવાડિયામાં બે વાર દીકરીને મળવાની પોલીસની મંજૂરી હતી. જે બાદ દીકરીને મળવા પહોંચેલી માતાને દીકરીને મળવા ન દેતા તેઓએ મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી.

અભયમે માતા સાથે દીકરાનું મિલન કરાવ્યું
મહિલાની મદદે પહોંચેલી હેલ્પલાઈનની ટીમને દીકરીના પિતાએ જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાંથી દીકરીને મળવાની મંજૂરી આજે સવારે રદ કરાવી છે. જો કે હેલ્પલાઈનની ટીમે તેઓને સમજાવ્યા હતા કે માતાને તેની દિકરીને મળવા દે અને સમાધાન કરી ફરી સાથે રહેવા લાગે. મહિલા હેલ્પલાઈન અભયમની ટીમને શહેરના પૂર્વ વિસ્તારમાંથી મહિલાનો ફોન આવ્યો હતો કે, તેની નાની દીકરીને સાસરીવાળા મળવા દેતાં નથી. પોલીસને બોલાવી હતી. પરંતુ પોલીસ પણ પરત જતી રહી છે. જેથી હેલ્પલાઈનની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી.

પિતાએ દીકરી સાથે મુલાકાત નહોતી કરવા દીધી
મહિલાએ જણાવ્યું હતું કે, બંનેના લગ્ન બાદ ઝઘડાઓ થયા હતા. જેથી તેઓ અલગ રહેતા હતા. મહિલાને ટીબી થયો હોવાથી 9 મહિના સુધી બાળકીને મળી શકી ન હતી. બાળકી તેના પિતા સાથે રહેતી હતી. પોલીસ સ્ટેશનમાંથી બાળકીને તેની માતા અઠવાડિયામાં બે વાર મળી શકે તેવી મંજૂરી હતી. જેથી આજે તેઓ દીકરીને મળવા આવ્યા હતા. દીકરીના પિતાએ જણાવ્યું હતું કે, દીકરીને મળવાની મંજૂરી અમે પોલીસ સ્ટેશનમાંથી આજે સવારે રદ કરાવી છે, જેથી નહીં મળવા દઈએ. મહિલાએ કહ્યું હતું કે, મને આ બાબતે જાણ નથી. હેલ્પલાઈનની ટીમે તેઓને સમજાવ્યા હતા કે, માતાને તેની દિકરીને મળવા દે અને તેઓની સમાધાન કરી ફરી સાથે રહેવા લાગે તો તેઓનું લગ્નજીવન સારી રીતે ચાલશે.