તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીકરીનો રોષ:ધોરણ-10માં ભણતી દીકરીએ માતાની સારવાર માટે SVP હોસ્પિટલ સામે બાથ ભીડી, કહ્યું- મારી માતાને કંઈ થશે તો જવાબદાર તમે હશો એવું લખીને આપો

અમદાવાદ2 મહિનો પહેલા
108માં માતાને દાખલ કરવા માટે દીકરીએ સંઘર્ષ કરવો પડ્યો
  • 3 દિવસથી માતાને લઈને 108માં પુત્રી હોસ્પિટલના ચક્કર લગાવ્યા
  • પિતા હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે માતાનું પણ ઓક્સિજન ઘટતાં હોસ્પિટલમાં લઈ જવા પડ્યા
  • માતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં પણ હેરાનગતિ છતાંય બહાદુર દીકરી હિંમત ન હારી
  • ઓક્સિજન સાથે માતા ને લઈને 6 કલાક સુધી 108 માં ચક્કર લગાવ્યા

રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, જેમાં અમદાવાદમાં લોકોના કોરોનાના કારણે ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે. હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન અને રેમડેસિવિર ઈન્જેક્શનની અછત ઉભી થઇ છે, જેથી હોસ્પિટલની બહાર દર્દીઓની લાઈનો લાગે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 10માં ધોરણમાં અભ્યાસ કરતી બહાદુર દીકરીએ માતાને SVP હોસ્પિટલમાં દાખલ કરાવવા હોસ્પિટલ તંત્ર સામે લડી કહ્યું તમે દાખલ કરવાની ના પાડો છો. જો મારી માતાને કંઈ થશે તો જવાબદાર તમે હશો એવું મને લેટરમાં લખી ને આપો. નહી તો હું તમારી વિરુદ્ધ લડત લડીશ. માતાને હોસ્પિટલમાં દાખલ ન કરાતા દીકરીમાં આક્રોશ જોવા મળ્યો હતો.

માતા-પિતા કોરોના સંક્રમિત છતાં દીકરીની હિંમત કાબિલેદાદ
અમદાવાદના ન્યુ રાણીપની વિશ્વા પટેલ ધોરણ 10માં અભ્યાસ કરે છે. તેના પિતા એક બાજુ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા છે અને બીજી તરફ તેની માતાને કોરોનાનું સંક્રમણ થતાં હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. જેથી આ દીકરીએ 108ને કોલ કર્યો અને માતાને હોસ્પિટલમાં દાખલ કરવા માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ હોસ્પિટલની બહાર લાંબી લાઇન લાગી હતી, તે લાઈનમાં એક કલાક ઊભા રહ્યા પછી તેઓને જાણવા મળ્યું કે અહીંયા ઓક્સિજનવાળા બેડ ફુલ થઇ ગયા છે. તેથી તે તેની માતાને લઈને પાછા ઘરે પરત ફર્યા બીજા દિવસે ફરીથી ઓક્સિજન લેવલ ઘટતાં તેની માતાને ગભરામણ થવા માંડી. તેથી તેણે ફરી 108ને કોલ કર્યો અને તેની માતાને 108માં ઓક્સિજન આપવામાં આવ્યું અને તેઓ SVP હોસ્પિટલ લઈ ગઈ હતી.

માતાને હોસ્પિટલમાં એડમિટ કરાવવા માટે દીકરી 3 દિવસથી મથી રહી હતી
માતાને હોસ્પિટલમાં એડમિટ કરાવવા માટે દીકરી 3 દિવસથી મથી રહી હતી

ત્રણ દિવસ સુધી 108માં આંટાફેરાથીકંટાળી દીકરી
108માં માતાને લઈને SVP પહોંચી પરંતુ હોસ્પિટલે તેની માતાને એડમિટ કરવાની ના પાડી. આ સાંભળીને દીકરી ગુસ્સે થઈ અને હોસ્પિટલને કહ્યું કે, મારી માતાને કંઇ થઇ જાય તો તેનું જવાબદાર કોણ? ત્યારબાદ તેઓ પાછા ઘરે પરત ફર્યા અને સતત ત્રીજા દિવસે તેઓએ 108 બોલાવી અને તેમની માતાને અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા માટે લઈ ગયા અને આખરે તેમને ત્યાં બેડ મળી ગયો હતો.

ઘરના મોરચે અને હોસ્પિટલના ચક્કર વચ્ચે મજબૂત મનોબળ
આ તમામ ઘટનાને લઇને દીકરીએ કહ્યું કે, મારા ઘરે કોઈ હતું નહીં. મારા પિતા હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યા છે. મારે નાનો ભાઇ પણ છે તેનું પણ ધ્યાન રાખવું પડે અને મારી માતાને પણ હોસ્પિટલમાં દાખલ કરવા માટે આટલી હેરાનગતિ થઈ. સરકારની આવી તો કેવી વ્યવસ્થા છે? મેં મારી માતાને લઈને છ કલાક જેટલો સમય 108માં વિતાવ્યો. અમે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ ગયા. લાઈનમાં પણ ઊભા રહ્યા. જેમાં 108 એમ્બ્યુલન્સ ટાફે અમારી ઘણી મદદ કરી. તેઓએ છેક સુધી ઓક્સિજનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી આપી તેઓનો અમે આભાર માનીએ છીએ.

થાકી ગયેલી દીકરીએ કંટાળીને હોસ્પિટલ સામે ચીમકી ઉચ્ચારી હતી
થાકી ગયેલી દીકરીએ કંટાળીને હોસ્પિટલ સામે ચીમકી ઉચ્ચારી હતી

કોરોના કાળમાં તમામને પ્રેરણા પાડતી દીકરી
આ તમામ ઘટનામાં આ બહાદુર દીકરીની હિંમત જોઈને અનેક લોકોએ પ્રેરણા લેવી જોઈએ, આટલી નાની ઉંમરે પણ હિંમત હાર્યા વગર કપરી પરિસ્થિતિનો સામનો કરીને આ દીકરીએ એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પરિવારમાં માતા-પિતા પણ સંક્રમિત થયા છતાંય કોઈ ડર નહીં, એક જાગૃત નાગરિક તરીકે પણ તંત્ર સામે પણ અવાજ ઉઠાવ્યો. આ રીતે તમામ લોકોએ પણ એક જાગૃત નાગરિક તરીકે પોતાના હક માટે હંમેશા તંત્ર પાસે જવાબ માંગવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...