આરોગ્ય સાથે ચેડા:અમદાવાદમાં બોડકદેવ અને દાણાપીઠ વિસ્તારની દાસ ખમણની દુકાનો સીલ, એક જ તેલમાં વારંવાર તળવામાં આવતું હતું

અમદાવાદએક દિવસ પહેલા

શ્રાવણ માસમાં ફરાળી વાનગીઓનું વધુ વેચાણ થતું હોય છે જેમાં તળેલી વાનગીઓ હોય છે અને વેપારીઓ દ્વારા એક જ તેલમાં વાનગીઓ તળવામાં આઆવતી હોય છે. જેને લઇ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા વિવિધ જગ્યાએ તળેલા તેનું ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં શહેરના બોડકદેવ વિસ્તારમાં અને મ્યુનિસિપલ કોર્પોરેશન ની ઓફિસ પાસે આવેલા દાસ ખમણની દુકાનમાં ચેકિંગ કરતાં સામાન્ય કરતાં પ્રમાણ વધુ આવતા બંને દુકાનોને સીલ મારવામાં આવી છે. છેલ્લા 15 દિવસમાં 228 જેટલી દુકાનોમાં તપાસ કરી વિવિધ 103 જેટલા નમૂના લેવામાં આવ્યા છે અને તેને તપાસ અર્થે ફૂડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિભાગ દ્વારા આજે દુકાનોમાં જે તેલનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં એક જ તેલમાં વાનગીઓને વધુ વાર તળવામાં આવે છે કે કેમ તે અંગેની ચેકિંગ કરવામાં આવ્યું હતું. દાસ ખમણની બોડકદેવ અને દાણાપીઠ વિસ્તારમાં આવેલી દુકાનમાંથી સામાન્ય રીતે TOTAL POLAR COMPOUNDનું પ્રમાણ 25 હોવું જોઈએ તેની જગ્યાએ 60 અને 80 આવ્યું હતું. જેથી દુકાનને સીલ મારવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી. ફુડ વિભાગ દ્વારા આ રીતે આગામી સમયમાં દરેક દુકાનમાં આ રીતે ચેકિંગ કરવામાં આવે અને સીલ મારવાની કામગીરી કરવામાં આવશે.

15 દિવસથી ફુડ વિભાગ દ્વારા શ્રાવણ માસને ધ્યાનમાં રાખી અને વિવિધ દુકાનોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે જેમાં મીઠાઇ, ફરસારણ, નમકીન, મોરૈયો, રાજગરાનો લોટ અને દૂધ તેમજ દૂધની બનાવટ વગેરેના નમૂના લેવામાં આવ્યા છે. કુલ 103 જેટલા નમૂના અત્યારે લઈને ફૂડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જેના પરિણામ આવવાના બાકી છે. 154 ગ્રામ જેટલો બિન આરોગ્યપ્રદ વસ્તુઓનો નાશ કરી અને દંડ વસુલવાની કામગીરી પણ ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...