ભાદરવો ભરપૂર:અમદાવાદના સાયન્સ સિટી- બોડકદેવમાં કડાકાભડાકા સાથે 3 ઈંચ વરસાદ, ભારે પવન સાથે બપોર બાદ અચાનક રાત જેવું અંધારું છવાયું

18 દિવસ પહેલા

આજે રાજ્યમાં કેટલાંક ઠેકાણે ભારેથી મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે શનિવારે બપોર બાદ સાડાચાર વાગ્યા બાદ વરસાદી માહોલ છવાયો હતો. જોતજોતાંમાં ધોધમાર વરસાદ વરસવા લાગ્યો હતો. બપોર બાદ શરૂ થયેલા વરસાદમાં માત્ર એક કલાકમાં જ સાયન્સ સિટી અને બોડકદેવ વિસ્તારમાં પોણા 3 થી 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જોકે, શહેરનો સરેરાશ વરસાદ અડધો ઈંચ નોંધાયો છે. કાળાં ડિબાંગ વાદળ શહેરભરમાં છવાઈ જતાં અંધકાર છવાયો હતો અને વિઝિબિલિટી ઘટી ગઈ હતી. તો હાઈવે પર પસાર થતા વાહનચાલકોને વિઝિબિલિટી ઘટતાં હેડલાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી.

અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ
અમદાવાદ શહેરના મકરબા, સરખેજ, એસજી હાઈવે, સેટેલાઈટ, જોધપુર, વેજલપુર, બોડકદેવ, બોપલ, ઈસનપુર, બાપુનગર, વસ્ત્રાલ, નરોડા, રાણીપ, સાબરમતીસહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. દિવસભર ઊકળાટભર્યું વાતાવરણ રહ્યું હતું અને ઢળતી સાંજે કડાકાભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.

કેટલાક વિસ્તારમાં વરસાદ નહીં
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કંટ્રોલ રૂમ તરફથી જાહેર કરાયેલા આંકડા મુજબ સાયન્સ સિટી વિસ્તારમાં 3 ઈંચ અને બોડકદેવ વિસ્તારમાં પોણા 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે શહેરનો એકંદરે અડધો ઈંચ જેટલો વરસાદ થયો હતો. શહેરના નિકોલ, રામોલ, ચાંદખેડા, મ્યુનિસિપલ કોર્પોરેશન, દૂઘેશ્વર, મણિનગર અને વટવા વરસાદ નોંધાયો નથી.

ગાંધીનગરમાં પણ વરસાદ
હવામાન વિભાગ દ્વારા 40 કિલોમીટર પ્રતિ કલાક્ની ઝડપે પવનો સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. અમદાવાદ સિવાય ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠાના વાતાવરણમાં પલટો આવતાં પાલનપુર, વડગામમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે.

લોકો ગરમીથી ત્રાહિ મામ્ પોકારી ગયા હતા
છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય બફારો અને ગરમીથી લોકો ત્રાહિ મામ્ પોકારી ગયા છે. ત્યારે ગુજરાતમાં મેઘરાજા ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. એ મુજબ હાલ અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર ઉતર ગુજરાતમાં સામાન્યથી માધ્યમ વરસાદ વરસવાનું શરૂ થઈ ચૂક્યો છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત સિવાય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. રાજ્યના અનેક જિલ્લાઓને મેઘરાજા ફરીવાર ધમરોળશે.

આજે અને રવિવારે ભારે વરસાદની આગાહી
બંગાળમાં લો પ્રેશરને લીધે દક્ષિણ ગુજરાતમાં 13 તારીખના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એ મુજબ શનિ અને રવિવારના રોજ ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દમણ, દાદરા અને નગર-હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદરમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સોમવારના રોજ નર્મદા, સુરત, તાપી, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, અમરેલી, ભાવનગર, અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...