તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગઈકાલે રાત્રે શહેરના જૂના વાડજ વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. BRTS બસમાં કે જેમા હાલ નિયમ અનુસાર માત્ર 50 ટકા મુસાફરો બેસી શકે છે તેમા ગઈકાલે લોકોને ઘેટાં-બકરાની જેમ બેસાડવામાં આવ્યા હતા. ત્યારે લોકો પણ કલાકો સુધી બસની રાહ જોઈ અંતે જે મળે એ બસમાં મુસાફરી કરવા માટે મજબૂર બની રહ્યા છે. બીજીતરફ આ સમગ્ર બાબત સામે તંત્ર એક્શન કેમ નથી લઈ રહી તેવા પ્રશ્ન સોશિયલ મીડિયામાં ઊભા થઈ રહ્યાં છે.
નિયમ તોડવા પર દંડ વસૂલતા તંત્રને સુવિધા પુરી પાડવાનો સમય નથી
રાજ્યમાં એકતરફ કોરોના મહામારી ત્યારે બીજીતરફ તંત્રની બેદરકારીનો સામનો સૌથી વધુ સામાન્ય વ્યક્તિને કરવો પડી રહ્યો છે. જો કોઈ વ્યક્તિ કોવિડ નિયમ તોડે તો તેની પાસેથી મોટો દંડ વસૂલાય છે. પરંતુ એ તંત્ર માટે સામાન્ય વ્યક્તિની પરિસ્થિતિ ધ્યાન આપવાનો સમય નથી. ગઈકાલે અમદાવાદના જૂના વાડજનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક જ BRTS બસમાં ઘેટાં-બકરાની જેમ લોકો મુસાફરી કરી રહ્યા છે. તો આમા ભૂલ કોની છે? શું તંત્ર દ્વારા બસ સેવામાં વધારો કરવામાં આવે તો આ પ્રકારની સ્થિતિ બને ખરી? જે વ્યક્તિ પોતે મહિને 5થી 10 હજાર રૂપિયા કમાતો હોય તેને અવર-જવર કરવા માટે એકમાત્ર બસનો આધાર છે. પરંતુ કલાકો સુધી સ્ટેશન પર ઉભા રહ્યા બાદ પણ બસ ના મળતા મજબૂરીમાં ભીડવાળી બસમાં બેસીને મુસાફરી કરી રહ્યા છે.
જો બસનો સમય વધે તો ડિસ્ટન્સિંગનો ભંગ અટકાવી શકાય
રાજ્યમાં સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે હાલમાં 4 મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહે છે. ત્યારે બસ વ્યવસ્થા સવારના 7થી સાંજના 7 સુધી જ હોય છે. અને મુસાફરો સાંજે 7.30 સુધી બસમાં બેસી શકે છે. જેના કારણે અંતિમ બસમાં મુસાફરોની ભીડ વધી જાય છે. તો જો તંત્ર દ્વારા AMTS-BRTS બસના સમયને લંબાવવામાં આવે તો આ પ્રકારની સ્થિતિને રોકી શકાય છે. અને સામાન્ય વ્યક્તિ પણ ભીડ કરતા ડિસ્ટન્સિંગ સાથે બસની મુસાફરી કરી શકે છે.
શહેરમાં લાખો લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે
અમદાવાદ શહેરમાં રોજ અનેક લોકોને કોરોનાની ગાઈડલાઈન્સમાં નિયમો તોડવા બદલ તંત્ર દ્વારા લાખો રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. સામાન્ય લોકો પણ આ દંડ ભરે છે, પરતું જ્યાં ધ્યાન રાખવું જોઈએ એ દિશામાં તંત્ર અજાણ છે. શહેરમાં લાખો લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે, જેમાં શનિવારે રાતે વાડજ બીઆરટીએસ પાસે પસાર થતી બીઆરટીએસ બસમાં નિયમથી અનેક ગણા મુસાફરો સવારી કરી રહ્યા હતા. આ બસમાં જો કોઈ એકને પણ કોરોનાનું સંક્રમણ હોય તો તમામના જીવ સામે જોખમ ઊભું થઇ શકે છે. હાલ સમગ્ર બાબત અંગે તંત્ર ઉદાસીન છે અને આંખ આડા કાન કરી રહ્યું છે.
માત્ર 50 ટકા જ સીટીંગ વ્યવસ્થા સાથે AMTS-BRTS સેવા શરૂ કરાઈ હતી
રાજ્યમાં અનલોક-1 સાથે ત્રણ મહિના પહેલાથી એસટી, AMTS અને BRTS સેવાઓ શરૂ થઈ હતી. જેમાં કોરોનાના કારણે 2 મહિના બાદ શહેરના રસ્તાઓ પર 300 AMTS અને 125 BRTS બસો દોડી હતી. જો કે AMTS-BRTSની બસોમાં માત્ર 50 ટકા જ સીટીંગ વ્યવસ્થા કરાઈ હતી. પરંતુ દિવસ જતા તંત્ર દ્વારા સતત નજર ન રખાતા મુસાફરોની ફરી બેફામ મુસાફરી શરૂ થઈ હતી. હવે 50 ટકા તો દૂરની વાત બસમાં 100 ટકાથી પણ વધુ લોકો એકસાથે મુસાફરી કરી રહ્યા છે. વીડિયોમાં બતાવવામાં આવેલી જૂના વાડજની બીઆરટીએસ બસ એસી બસ હતી. જેથી વેન્ટિલેશન ન હતું, તેમ છતાં આમ ઘેટાં-બકરાની જેમ મુસાફરી કરતા લોકો જોવા મળ્યા હતા
કોરોના વચ્ચે શું કાળજી રાખવી પડે છે?
* AMTS અને BRTS બસ સ્ટેન્ડ પર મુસાફરોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે
* બસમાં ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે
* બસમાં 50 ટકા મુસાફરોએ જ બેસવાનું રહેશે
* અન્ય બસ સ્ટેન્ડ પરથી મુસાફરોને લેવાશે નહીં
* મુસાફરી કરતી વખતે હાથ સેનેટાઇઝ કરવાના રહેશે
* AMTSમાં કન્ડક્ટર અને BRTSમાં ગાર્ડની સૂચનાનું પાલન કરવાનું રહેશે
* વેલીડેટરનો મહત્તમ ઉપયોગ કરવાનો રહેશે
અમદાવાદમાં રોજ 10-12નાં મોત, રાત્રિ કર્ફ્યૂ યથાવત્
મહામારીએ અતિ ગંભીર સ્વરૂપ ધારણ કરતાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા એમ ચાર મુખ્ય શહેરોમાં રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો હતો. આજે આ રાત્રિ કર્ફ્યૂનો છેલ્લો દિવસ છે. જોકે 15 દિવસના આ રાત્રિ કર્ફ્યૂ છતાં રાજ્યમાં કોરોનાના કેસો કાબૂમાં આવ્યા નથી અને દૈનિક 1500 જેટલા કેસો સામે આવી રહ્યા છે. માત્ર એટલું જ નહીં, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં હજુ પણ ગંભીર સ્થિતિ જ છે. જ્યારે અમદાવાદ શહેરમાં તો 10-12 મોત થઈ રહ્યાં છે. વાસ્તવમાં તો સ્મશાનોમાં અંતિમવિધિ કરવા માટે લાઈનો લાગેલી જોવા મળે છે, જેને પગલે રાજ્યના ગૃહ વિભાગનાં આંતરિક સૂત્રોએ DivyaBhaskar સાથેની વાતચીત મુજબ, આ રાત્રિ કર્ફ્યૂ 31મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવે એવી શક્યતા છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.