ચોકીદાર જ ચોર:અમદાવાદના ચાંદખેડાથી ડામોર પરિવાર દિવાળી કરવા વતન ગયો અને ચોકીદારે ઘરમાંથી ₹ 95 હજારના દાગીના ચોર્યા

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચાંદખેડા પોલીસ સ્ટેશન - Divya Bhaskar
ચાંદખેડા પોલીસ સ્ટેશન
  • સીસીટીવી ફૂટેજ ચેક કરતા સિક્યુરિટી જ ઘરમાં પ્રવેશતો હોવાનું નજરે પડ્યો

ચાંદખેડામાં રહેતો પરિવાર દિવાળી કરવા ગયો ત્યારે સિક્યુરિટી ગાર્ડ જ ઘરમાંથી રૂ 95000ના દાગીના ચોરી ગયો હતો. દિવાળીમાં સાથે સલામતીની જવાબદારી હતી તે ચોકીદાર જ ચોર નીકળ્યો હતો. બનાવ સંદર્ભે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદી એએમસી ઓફિસમાં સુપરવાઈઝર
ચાંદખેડામાં દ્વારકેશ હાઈટ્સમા રહેતા રમેશ ડામોર થલતેજ કોર્પોરેશન ઓફિસમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. તેમની ફરિયાદ મુજબ તેઓ દિવાળીની ઉજવણી કરવા માટે પરિવારના સભ્યો સાથે પોતાના વતન દાહોદ ગયા હતા. તેઓ દિવાળી કરીને પરત આવ્યા ત્યારે ઘરમાં જઈને જોયું તો ઘરનો બધો સામાન વેરવિખેર પડ્યો હતો અને ઘરની તિજોરીમાંથી દાગીના તથા રોકડ રૂપિયા ગુમ હતા.

લગ્નમાં સાસરી પક્ષથી મળેલા દાગીના હતા
તપાસ કરતા ઘરના પાછળના ભાગમાંથી કોઈ ચોર ઘરમાં ઘૂસીને તેમના લગ્ન વખતે સાસરી પક્ષમાંથી આવેલા દાગીના ચોરી ગયા હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું. તેમણે એપાર્ટમેન્ટના સિક્યુરિટી ગાર્ડને પણ આ બાબત જાણ કરી હતી. ત્યારે એવું ધ્યાને આવ્યું હતું કે તેમના ત્યાં ચોરી થઈ તે વખતથી ફરજ બજાવતો અશોક નામનો કર્મચારી કોઈપણને પણ જાણ કર્યા વગર ગુમ થઈ ગયો હતો.

સિક્યુરિટી એજન્સીએ સંતોષકારક જવાબ ન આપ્યો
બ્લેક હોક નામની સિક્યુરિટી એજન્સીના કર્મચારીઓ તેમની સોસાયટીમાં કામ કરતા હોવાથી તેમણે સિક્યુરિટી એજન્સીના સંચાલકોને પણ આ બાબતે જાણ કરી હતી. પરંતુ સંતોષકારક જવાબ મળ્યો નહોતો. આખરે તેમણે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ આદરી છે. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા અશોક રાત્રે રમેશ ડામોરના ઘરમાં પ્રવેશતો હોવાના ફૂટેજ જોવા મળ્યા હતા. જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.