ઠેર-ઠેર વરસાદના પાણી:ખોખરા સરકારી ચાવડીના ભોયરાંમાં પાણી ભરાતા રેવન્યુ રેકર્ડને નુકસાન

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભારે વરસાદ થતા ખોખરા સરકારી ચાવડીના ભોયરાંમાં પાણી ભરાતા રેવન્યૂ રેકર્ડને વ્યાપક નુકસાન થયું હોવાની સંભાવના છે. - Divya Bhaskar
ભારે વરસાદ થતા ખોખરા સરકારી ચાવડીના ભોયરાંમાં પાણી ભરાતા રેવન્યૂ રેકર્ડને વ્યાપક નુકસાન થયું હોવાની સંભાવના છે.
  • બે માળનું બિલ્ડિંગ હોવા છતાં ભોયરાંમાં રેવન્યુ રેકર્ડ રખાયા હતા
  • કચેરીમાં દસ્તાવેજ, પ્રોપર્ટી કાર્ડ સહિતની કામગીરી થતી હતી

પૂર્વ વિસ્તારમાં ગત 23મી જુલાઇના રોજ ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા. ખાનગી મિલ્કતો ઉપરાંત સરકારી મિલ્કતોમાં પણ પાણી ઘૂસી જતાં સરકારી રેકર્ડને ભારે નુકસાન થયું છે. ખોખરામાં પણ સરકારી ચાવડીના ભોયરાંમાં ભરાયેલા વરસાદી પાણીમાં સરકારી રેવન્યૂ રેકર્ડને વ્યાપક નુકશાન થયું છે.

આશ્ચર્યની વાત એ છે કે, બે માળનું બિલ્ડિંગ હોવા છતાં ભોયરામાં રેવન્યૂ રેકર્ડ રખાતા તંત્રની કામગીરી હાંસીપાત્ર બની છે. સ્થાનિક નાગરિકોએ કહ્યું કે, ગત 23મી જુલાઇથી ભરાયેલા પાણીનો હજી સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. હાલ જો પાણી દૂર કરાય તો જમીનમાંથી પાણી નીકળે છે. અધિકારીઓએ પાણી ખેંચવા મોટર મગાવી પડી હતી.

આમ છતાં હજી પાણી દૂર થતા નથી. કચેરીમાં નાગરિકોની મિલ્કતોના દસ્તાવેજ, સાતબારના ઉતારા, પ્રોપ્રટી કાર્ડ, આવકના દાખલા, વૃદ્ધ પેન્શનની કામગીરી થાય છે. ભારે વરસાદના કારણે પાણી ભરાઇ જવાના લીધે નાગરિકોના અગત્યના દસ્તાવેજો સહિત સરકારી રેકર્ડ પાણીમાં ગરકાવ થઇ જતાં નાશ પામ્યાની સંભાવના છે. નાગરિકોએ આક્ષેપ કર્યો છે કે, તંત્રની બેદરકારીના લીધે રેવન્યૂ રેકર્ડનો બચાવ થઇ શક્યો નથી. વરસાદી પાણી દૂર કરવા માટે તંત્ર દ્વારા કોઇ નક્કર આયોજન કરાયું નથી. છેલ્લા પાંચ દિવસથી ધીમી ગતિએ કામગીરી ચાલી રહી છે, જેની જિલ્લા કલેક્ટર કચેરીના અધિકારીઓએ નોંધ પણ લીધી નથી. એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, રેવન્યૂ રેકર્ડને નુકસાન થયું છે, પરંતુ હાલ તમામ દસ્તાવેજો સાચવી રાખ્યા છે.

અન્ય સમાચારો પણ છે...